દેશમાં બાળ મૃત્યુદર તો ઘટયો પણ આરોગ્ય સેવાઓ સુધરવી જોઈએ - Sandesh
  • Home
  • Columnist
  • દેશમાં બાળ મૃત્યુદર તો ઘટયો પણ આરોગ્ય સેવાઓ સુધરવી જોઈએ

દેશમાં બાળ મૃત્યુદર તો ઘટયો પણ આરોગ્ય સેવાઓ સુધરવી જોઈએ

 | 1:13 am IST

ઓવર વ્યૂ

લોકોની તંદુરસ્તી અને સુખાકારી માટે ગુજરાતીમાં એક કહેવત છે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. જો તમે પોતે તંદુરસ્ત હશો અને શારીરિક રીતે સુખી હશો તો એ તમારા સુખી જીવનની સારામાં સારી નિશાની છે. આઝાદીનાં સાત દાયકા પછી પણ ભારત કુપોષણ, બાળ મૃત્યુ દર અને સગર્ભા મહિલાનાં પ્રસૂતિ દરમિયાન મૃત્યુની સમસ્યાથી લડતો રહ્યો છે. એક તબક્કો એવો હતો જ્યારે દેશમાં આરોગ્ય સેવાઓ સાવ ખાડે ગઈ હતી. સરકાર અને લોકોની જાગ્રતિ પછી આરોગ્ય સેવાઓમાં દિનપ્રતિદિન સુધારો થઈ રહ્યો છે. આમ છતાં ૬ દાયકા કરતા વધુ સમય દેશમાં બાળ મૃત્યુનો દર ઊંચો અને ચિંતાજનક હતો. સતત ૩૦ વર્ષ લાંબી લડત પછી બાળ મૃત્યુ દરમાં છેલ્લા ૧૦ વર્ષમાં સુધારો આવ્યો છે. આમ છતાં દેશનાં અનેક ગામડા અને વિસ્તારો એવા છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ હોવા છતાં આરોગ્ય સુવિધાઓ હજી પહોંચી નથી. દેશની તંદુરસ્તી અને સુખાકારીનો અંદાજ નવજાત શિશુઓ અને નાના બાળકોનો મૃત્યુદર કેટલો છે તેના પરથી મેળવી શકાય છે.

આઝાદી પછીનાં ૬૦ વર્ષ દેશમાં બાળ મૃત્યુદરનો આંકડો એટલો ઊંચો હતો કે દેશનું ભવિષ્ય કેવું હશે તેની મુલવણી કરવાનું મુશ્કેલ હતું. છેલ્લા ૩૦ વર્ષથી આરોગ્ય સેવાઓમાં સુધારો થતો ગયો તેમ તેમ બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકાર અને લોકોની જાગ્રતિનાં સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં બાળ મૃત્યુ દરમાં ૧૯૯૦થી ૨૦૧૯ વચ્ચે નોંધપાત્ર ઘટાડો થયો હતો. ૧૯૯૦માં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું મૃત્યુનું પ્રમાણ ૧,૨૫,૦૦૦ હતું જે ૨૦૧૯માં ઘટીને ૫૨,૦૦૦ થઈ ગયું છે.

આરોગ્ય સેવાઓ સુધરવાની સાથે સાથે લોકોનાં જીવનધોરણમાં સુધારો થયો છે. આમ છતાં આખા વિશ્વમાં બાળ મૃત્યુનો દર સરખાવીએ તો ભારતની સ્થિતિ તેમાં સૌથી ખરાબમાં ખરાબ હતી. એક સમય એવો હતો કે જ્યારે સામાન્ય રોગને કારણે બાળકો ટપોટપ મૃત્યુ પામતા હતા. આમાં સગર્ભા માતાનું તેમજ બાળકોનું કુપોષણ, લોકોમાં જાગ્રતિનો અભાવ, કથળેલી આરોગ્ય સેવાઓ જેવા પરિબળોએ નકારાત્મક ભૂમિકા નિભાવી હતી. આરોગ્ય સેવાઓ સુધરવાની સાથે હવે બાળ મૃત્યુદરમાં પણ સારો એવો ઘટાડો થયો છે. હોસ્પિટલોમાં પ્રસૂતિ વખતે માતા તેમજ બાળકની સુરક્ષાનું સ્તર સુધર્યું છે જેને કારણે પ્રસૂતિ વખતે બાળક તેમજ માતાનું મૃત્યુનું પ્રમાણ ઘટયું છે. નવજાત બાળકોની સારસંભાળ અને જુદી જુદી રસીઓ આપવાને કારણે બાળ મૃત્યુ ઘટયા છે. ભારત હજી બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડવાની સમસ્યામાંથી માંડ બહાર આવી રહ્યો છે ત્યાં કોરોના મહામારીએ ફરી પાછી સ્થિતિ વકરાવી છે. કોરોનાને કારણે અન્ય રોગથી પીડાતા દર્દીઓની આરોગ્ય સેવાઓ સાવ કોરાણે મુકાઈ ગઈ છે. લોકોમાં એવો ડર પેસી ગયો છે કે જો હાર્ટનાં રોગની કે પેટનાં રોગની કે સામાન્ય તાવ-શરદીની સારવાર માટે હોસ્પિટલમાં જઈશું તો ક્યાંક કોરોનાની ઝપટમાં આવી જઈશું. આથી સામાન્ય રોગ માટેનાં દર્દીઓ હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે અને ઘરગથ્થું સારવાર લઈ રહ્યા છે. ગંભીર બાબત એ છે કે નવજાત શિશુઓ અને નાના બાળકોને આપવામાં આવતી બીસીજી જેવી રસીઓનું કામકાજ સાવ અટકી ગયું છે.

દર ત્રણ મહિને ચાલતી પોલિયોની રસી આપવાની ઝુંબેશ પણ લગભગ બંધ જેવી જ છે. જો આવી સ્થિતિ લાંબો સમય રહી તો પાંચ વર્ષ પછી નવજાત બાળકોની સ્થિતિ કાળજા કંપાવનારી હોઈ શકે છે. કોરોના ખપ્પરમાં હજારો જિંદગી હોમાઈ રહી છે ત્યારે તાજા ખીલી રહેલા ફૂલ જેવા નાના બાળકોની જિંદગી કૂંપળો ફૂટે તે પહેલાં જ કરમાઈ જવાને આરે આવીને ઊભી છે. આરોગ્ય સેવાઓ સુધરશે અને નવજાત શિશુઓની સુખાકારી તરફ ધ્યાન અપાશે તો જ આ કુમળી કળીઓ ફરી ખીલી ઊઠશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન