દેશની દીકરીઓ ક્યાં સુધી હેવાનિયતનો શિકાર બનતી રહેશે? - Sandesh
  • Home
  • Columnist
  • દેશની દીકરીઓ ક્યાં સુધી હેવાનિયતનો શિકાર બનતી રહેશે?

દેશની દીકરીઓ ક્યાં સુધી હેવાનિયતનો શિકાર બનતી રહેશે?

 | 3:10 pm IST

સ્ત્રીનું સન્માન કરવાની ભારતવર્ષની સંસ્કૃતિનું ફરી એક વાર ચીરહરણ થઈ રહ્યું છે. ‘જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.’ એ ઉક્તિ હવે માત્ર ધર્મગ્રંથોમાં જ રહી ગઈ છે. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતના યુદ્ધ પૂર્વે વડીલોની હાજરીમાં રાણી દ્રૌપદીનું જાહેરમાં વસ્ત્રહરણ કરવામાં આવ્યું હતું અને તમામ વડીલો નિઃસહાય બનીને રાજદરબારમાં માત્ર બેસી જ રહ્યા હતા. એ તો એ વખતે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા અને શ્રીકૃષ્ણએ દ્રૌપદીનાં ચીર પૂર્યાં હતાં.

આજે દેશની ગરીબ, લાચાર, દલિત અને અમીર બાળાઓ પર દુષ્કર્મ થઈ રહ્યાં છે પણ તેમની સહાય માટે કોઈ શ્રીકૃષ્ણ બનીને આવતું નથી.

કેટલાક સમય પહેલાં દિલ્હીમાં એક નિર્ભયાને બસમાં જ દુષ્કર્મનો ભોગ બનાવી. તે પછી રેપ કરનારાઓ માટે કાનૂન સખ્ત થયો, પરંતુ અપરાધીઓને કાનૂનનો કોઈ ડર જ નથી એમ લાગે છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું. તે પછી તેની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી. દલિત યુવતીના મધરાતે જ અગ્નિસંસ્કાર કરી નાંખવામાં આવ્યા. આ ઘટનાની સ્યાહી સુકાય તે પહેલાં દેશનાં પાંચ રાજ્યોમાં બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી. ઉત્તર પ્રદેશના જ બલરામપુર જિલ્લામાં એક વધુ દલિત યુવતી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો. તેને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. બીજી તરફ ભદોહીમાં ૧૪ વર્ષની એક દલિત યુવતી શૌચક્રિયા માટે ખેતરમાં ગઈ હતી. ઘણા સમય સુધી તે પાછી ન ફરતાં પરિવારજનોએ ખેતરમાં જઈ તપાસ કરી તો લોહીથી ખરડાયેલી તેની લાશ મળી આવી.

એવી જ ખરાબ ઘટના ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં ઘટી. હાથરસમાં પણ દલિત યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું. જો કે પ્રશાસન કહે છે કે આ યુવતી પર બળાત્કાર થયો જ નથી. આ બધી ઘટનાઓના કારણે ઉત્તર પ્રદેશની પોલીસ વિવાદમાં આવી ગઈ છે. દેશની નેશનલ ન્યૂઝ ચેનલ્સના પત્રકારોને હાથરસમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહીં.

દેશમાં નરાધમો દ્વારા કરાતા દુષ્કર્મના અપરાધોની યાદી લાંબી છે. રાજસ્થાનમાં પણ દુષ્કર્મની ઘટના ઘટી. મધ્ય પ્રદેશના ખરગોનમાં જિલ્લાના ખેતરમાં ત્રણ લોકોએ એક યુવતી પર બળાત્કાર કરી તેનું ગળું દબાવી હત્યા કરી નાંખવાનો પ્રયાસ કર્યો. મધ્યપ્રદેશના ખંડવા ખાતે ખાલવામાં રહેતી એક સગીર કન્યાને ફોસલાવીને ખેતરમાં લઈ જવામાં આવી અને ૧૧ દિવસ સુધી આરોપી તેની સાથે દુષ્કર્મ કરતો રહ્યો. રાજસ્થાનના સીકરમાં ૧૫ વર્ષની કન્યાનો વીડિયો બનાવી તેને બ્લેક મેઈલિંગ કરી અને આરોપીએ ૯ મહિના સુધી સગીરા પર બળાત્કાર ગુજાર્યો. રાજસ્થાન જયપુરના આમેર ખાતે ૮મા ધોરણની વિર્દ્યાિથનીનું અપહરણ કરી ત્રણ શ્રમિકોએ ગેંગરેપ કર્યો.

આવી જ ઘટનાઓ રાજસ્થાન અજમેરમાં, બિહાર લખીસરાયમાં ઝારખંડ-રાંચીમાં, ઉત્તર પ્રદેશના આઝમગઢમાં અને રાજસ્થાનના બારામાં ઘટી.

ખબર નથી પડતી આ દેશના લોકોને થઈ ગયું છે શું? એન સી આર બી ના અહેવાલ પ્રમાણે દેશમાં દર સોળ મિનિટે એક મહિલા પર બળાત્કાર થાય છે. દર ચાર કલાકે એક મહિલાને વેચી દેવામાં આવે છે. દર ચાર મિનિટે એક મહિલા પર સાસરિયાં દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ડેટા અનુસાર ૨૦૧૯ના વર્ષમાં રોજની સરેરાશ ૮૭ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી હતી અને મહિલાઓ વિરુદ્ધ ૪,૦૫,૮૬૧ જેટલા અપરાધ નોંધાયા હતા. જે પૈકી ૩૫.૫ ટકા કેસ સેક્સ્યુઅલ અપરાધના હતા. ૨૦૧૯ના વર્ષમાં મહિલાઓ સામેના ક્રાઈમમાં ૭.૬ ટકાનો વધારો નોંધાયો હતો.

દેશની સામાજિક વ્યવસ્થા અને સલામતીની બાબતમાં આ એક બિહામણું ચિત્ર છે. લાગે છે કે વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ભારતમાં અપરાધીઓ માટે સ્ત્રીઓ એક લોફર ટારગેટ છે. તેનું એક કારણ ગરીબી છે, બીજું કારણ દ્યોગિકીકરણ છે અને ત્રીજું કારણ નવા જન્મતાં બાળકોની બાબતમાં બદલાઈ ગયેલો સેક્સ રેશિયો છે. છોકરીઓને તો જન્મતા પહેલાં જ માના ઉદરમાં મારી નાંખવાનું હજુ અટક્યું નથી. તેથી સમાજમાં છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. કોઈને ગમે કે ના ગમે પરંતુ આ દેશમાં દીકરીના જન્મને અભિશાપ માનનારો એક રૂઢિચુસ્ત અને જડ સમાજ આ પહેલાં પણ હતો. વર્ષો પહેલાં કેટલાક પરિવારોમાં બાળકી જન્મે તો તેને નદીમાં ફેંકી આવવાનો કુરિવાજ હતો. આ પ્રથાને દૂધી પીતી કરી એમ કહેવામાં આવતું. એક વખતના સમાજમાં અને આજના કહેવાતા ભદ્ર અને શિક્ષિત સમાજમાં કોઈ જ ફરક પડયો નથી. આજે પુરુષપ્રધાન સમાજ દ્વારા એ કામ ઓપરેશન થિયેટર્સમાં થાય છે. દીકરીઓ પ્રત્યેની આવી ક્રૂરતા અન્ય દેશોમાં ક્યાંયે જોવા મળતી નથી. ભારત જ એક એવો દેશ છે કે જ્યાં એક મહિલા વડાપ્રધાન બની શકે છે. એક મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે, એક મહિલા લોકસભામાં સ્પીકર બની શકે છે, એક મહિલા વિદેશ મંત્રી બની શકે છે, એક મહિલા લોકસભામાં વિપક્ષનાં નેતા બની શકે છે, એક મહિલા જજ બની શકે છે પરંતુ નાની, ગરીબ અને લાચાર દીકરીઓનું કોઈ નથી. દેશની દીકરીઓ દિવસે દિવસે અસુરક્ષિત થતી જાય છે. ગરીબી આજે પણ એક અભિશાપ છે. ગામડાની ગરીબ દીકરીઓ ખેતરમાં શૌચક્રિયા કરવા જતાં પણ ડરે છે. આ એક ચિંતાનો વિષય છે.

બીજી એક નોંધવા જેવી વાત એ છે કે ગરીબ અને લાચાર યુવતીઓ પર બળાત્કાર કરનારા પણ મોટે ભાગે શ્રમિકો જ છે. સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો માટે આ એક અભ્યાસનો વિષય છે.

આજે સ્માર્ટ ફોન પર પોર્ન, અશ્લીલ વીડિયો આસાનીથી ઉપલબ્ધ છે. લબરમૂછિયા યુવાનોને દુષ્કર્મ કરવાના માર્ગે લઈ જવા માટે આ પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે. સ્માર્ટ ફોન પર પોર્નને રોકવું અશક્ય છે. સ્માર્ટ ફોન એક જરૂરી અનિષ્ટ છે.

આ દેશમાં સાધુ, સંતો, કથાકારો અને ઉપદેશકોનો તોટો નથી. એ બધાના ઉપદેશની કોઈ અસર સમાજ પર કેમ નથી? ક્યાંક તો કેટલાક સાધુઓ જ વિવાદમાં છે.

દિલ્હીની નિર્ભયા બાદ હૈદરાબાદની વેટરનરી ડોક્ટર, યુપીનું બુલંદશહર, ઉન્નાવ, મેરઠ, હાથરસ, બલરામપુર, આઝમગઢ, મધ્ય પ્રદેશનું ખરગોન અને ખંડવા રાજસ્થાનનું સીકર અને ઝારખંડનું રાંચી આવી ખરાબ ઘટનાઓ માટે આજે ચર્ચામાં છે. દેશની કુમળી કન્યાઓ ક્યાં સુધી હેવાનોની હેવાનિયતનો શિકાર બનતી રહેશે?

આવી ઘટનાઓથી દેશ શર્મસાર છે.

બળાત્કાર એ માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ છે.

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

  • devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન