દેશમાં શિક્ષણ, પોલીસ-રેલવે, આરોગ્યક્ષેત્રમાં ૨૪ લાખ જગ્યા ખાલી   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેશમાં શિક્ષણ, પોલીસ-રેલવે, આરોગ્યક્ષેત્રમાં ૨૪ લાખ જગ્યા ખાલી  

દેશમાં શિક્ષણ, પોલીસ-રેલવે, આરોગ્યક્ષેત્રમાં ૨૪ લાખ જગ્યા ખાલી  

 | 12:32 am IST
  • Share

ચલતે ચલતે : અલ્પેશ પટેલ

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં પોલીસ વિભાગમાં પટાવાળાની ૬૨ જગ્યાઓ માટે અધધધ કહી શકાય તેટલી ૯૩,૦૦૦ અરજીઓ આવી હતી. જેમાં ૫૦ હજાર ઉમેદવારો સ્નાતક હતા જ્યારે ૨૮ હજાર ઉમેદવારો અનુસ્નાતક હતા. આ ઉપરાંત ૩,૭૦૦ પીએચડી થયેલા ઉમેદવારોએ પણ પટાવાળાની જગ્યા માટે ઝંપલાવ્યું હતું. ધોરણ-૧૦ અને ૧૨ પાસની કોઈ વેલ્યુ હવે રહીં નથી તો બીજી તરફ રોજગારીની તકો છીનવાતાં ઊચ્ચ શિક્ષિત ઉમેદવારો પણ પટાવાળા જેવી નોકરી સ્વીકારવામાં નાનમ અનુભવતા નથી. થોડાક સમય પહેલાં નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે, નોકરીઓ જ ક્યાં છે ? આ મહાશય નેતા કદાચ બેરોજગારીની વિકરાળ સમસ્યા વિસરી ગયા છે, દેશમાં કેટલી બેકારી છે અને કેટલા વિભાગોમાં જગ્યાઓ ખાલી છે તેનો આંકડો જુએ તો ખબર પડે કે, નોકરીઓ તો છે પણ નોકરીઓ આપવામાં સરકારની દાનત ખારા ટોપરા જેવી છે. ભણેગા-ગણેલા ઊચ્ચ શિક્ષિત ઉમેદવારો પટાવાળાની જગ્યા સ્વીકારવા તૈયાર હોય ત્યારે દેશમાં બેકારીએ કેવો ભરડો લીધો છે તેનો અંદાજ આવ્યા વિના રહેતો નથી. જ્યારે-જ્યારે કોઈ ભરતીની જાહેરાત પડે છે ત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયા છે અને તેની સામે જગ્યાઓનો આંકડો સામાન્ય હોય છે. દેશમાં અનેક વિભાગોમાં નોકરીઓ ખાલી છે જે પૂરેપૂરી ભરાતી નથી અને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. દેશના યુવાધનનું કૈૌશલ્ય વેડફાઈ રહ્યું છે. ઊચ્ચ ડિગ્રીધારકો માટે ડિગ્રી જાણે કે માત્ર જોવા પૂરતી સીમિત રહીં ગઈ હોય તેવી પ્રતીતિ થયા વિના રહેતી નથી.

શિક્ષણમાં ૧૦ લાખ  

દેશમાં બિલાડીના ટોપની જેમ કોલેજો અને યુનિવર્સિટીઓ ફૂટી નીકળી છે જે બેકારો ઉત્પાદન કરનારી ફેકટરી બનીને રહીં ગઈ છે. તગડી ફી વસૂલીને ઉમેદવારોને ડીગ્રી આપનારી લે ભાગુ યુનિવર્સિટીઓની આપણે ત્યાં કમી નથી. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એમ યુનિવર્સિટીઓને પણ રાતોરાત ર્સિટફિકેટ માગનારા મળી રહે છે. દેશમાં શિક્ષણ વિભાગમાં જ અધધ કહી શકાય તેટલી ૧૦ લાખ નોકરીઓ ખાલી છે. પાર્ટટાઈમથી ગાડુ ગબડાવે રાખવામાં આવી રહ્યું છે. પ્રાથમિક અને અપર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભયંકર અછત વર્તાઈ રહીં છે પણ તેની તરફ કોઈનું ધ્યાન જતું નથી અને શિક્ષણ સુધારણાની વાતો કરવામાં આવી રહીં છે જે કેટલે અંશે સાચી છે ? ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળી રહીં છે.

પોલીસમાં ૪ લાખ

દેશની સુરક્ષા માટે કરોડરજ્જુ ગણાતા પોલીસ વિભાગમાં જ ૪.૪ લાખથી વધારે જગ્યાઓ ખાલી છે. નિવૃત્ત થનારાઓની સંખ્યા વધી રહીં છે તો તેની સામે નહીંવત ભરતી થતાં પોલીસ વિભાગ ઓક્સિજન ઉપર ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સશસ્ત્ર દળમાં ૫.૪ લાખ પદો ખાલી છે. બોલો, પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ જેવી નોકરીઓ માટે પણ લાખો ઊચ્ચ ડીગ્રી ધારકો લાઈનમાં છે. નિયમિત ભરતી નહીં થતાં ઉમેદવારો ઉંમરની મર્યાદાઓ પણ વટાવી રહેવાની સાથે-સાથે પરિવારનું ગુજરાન ચલાવવું કઠીન બની રહ્યું છે.

PHCમાં ૧.૫ લાખ  

સેના, અર્ધ લશ્કરી દળોમાં ૧.૨ લાખથી વધારે જગ્યાઓ ખાલી છે. સેનાની ત્રણે પાંખમાં ૬૨,૦૦૦ જ્યારે અર્ધ લશ્કરી દળોમાં ૬૧,૦૦૦ જગ્યાઓ ખાલી છે. દેશના ન્યાયાલયોમાં ૬,૦૦૦ હજારથી વધુ, રેલવેમાં નોન ગેઝેટેડ સ્ટાફની ૨.૫ લાખ જગ્યાઓ ખાલી છે. દેશના ટપાલ વિભાગમાં ૫૪,૦૦૦ જગ્યાઓ ખાલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં PHC ૧.૫ લાખથી વધારે જગ્યાઓ ખાલી છે. જેમાં ૧૬,૦૦૦ ડોક્ટર અને નર્સનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં હેલ્થ સેન્ટરો ડચકાં ખાઈ રહ્યાં છે. આંગણવાડી કેન્દ્રોમાં ૨.૨ લાખથી વધારે જગ્યા ખાલી છે. ઉમેદવારો ચાતક નજરે નોકરીનો મેળ પડે તેની રાહ જોયા કરે છે. પ્રતિદિન બેકારીનો આંકડો વધી રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. નોકરી નહીં મળતાં ઉમેદવાર ક્યારેક ગુનાખોરીના રવાડે પણ ચડી જાય છે તે નગ્ન સત્ય છે.

ગુજરાતની સ્થિતિ  

ગુજરાતમાં બેકારીનો ગ્રાફ રોકેટગતિએ વધી રહ્યો છે. શિક્ષણથી લઈ કોલેજોમાં સ્ટાફની ભયંકર અછત વર્તાઈ રહીં છે. રાજ્ય સરકારની શાળાઓ હાઈસ્કૂલમાં ૨૦ હજારથી વધુ સ્ટાફની અછત છે. કોલેજોમાં ૪૦ ટકા સ્ટાફ નથી.૧૯૯૮ પછી ફૂલટાઈમ ભરતી કરવામાં નહીં આવતાં પરિસ્થિતિ વિકટ બની રહીં છે. રાજ્યની ૩૩ હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં વહીવટી સ્ટાફની અછતથી ભારે મુશ્કેલી સર્જાઈ રહીં છે. નાની-મોટી સરકારી જાહેરાતોમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે છે. પોલીસમાં પીએસઆઈ માટે ૨૫થી ૩૦ લાખનો ભાવ બોલાતો હોવાની ભૂતકાળમાં વ્યાપક બૂમો ઊઠી હતી. ખેલ મહાકુંભના નામે વાહ વાહી ખાટવામાં આવે છે પરંતુ, છેલ્લા ૧૦ વર્ષથી વ્યાયામ અને ચિત્રના શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી પોલીસમાં LRDની ૬,૧૮૯ જગ્યાઓ માટે ૮ લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. ૨૦૧૭માં તલાટીની ૧૯૦૦ જગ્યા માટે ૧૨ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સિનિયલ ક્લાર્કની માત્ર ૧૦ જગ્યા માટે ૪૮ હજારથી વધુ અરજી આવી હતી. ૨૦૧૬માં પોલીસમાં કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ૧૭,૦૦ જગ્યા માટે ૧૫ લાખ અરજી આવી હતી. ૨૦૧૬માં પંચાયતની વર્ગ-૩ની ૯,૭૬૯ જગ્યા માટે ૧૫ લાખ અરજી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ૨૪ જગ્યા માટે ૧૦,૩૦૦ ઉમેદવારો મેદાનમાં હતા. સુરત મ્યુનિ.માં ક્લાર્ક સહિતની ૩૯૩ જગ્યા માટે ૮૭,૦૩૩ ઉમેદવારો હતા. રાજકોટ સહિતના શહેરોમાં ક્લાર્કની ૭૫ જગ્યા માટે ૪૭,૫૦૨ ઉમેદવારો હતા. રાજ્યમાં બેકારો ઘટયા છે તેવા બણગા જે નેતાઓ ફૂંકે છે તેમના માટે આ આંકડો ગાલ ઉપર સણસણતા તમાચા ઠોકવા બરાબર છે. ગુજરાતમાં રોજગારી ઘટયાના દાવા કહેતા ભી દિવાના ર સુનતા ભી દિવાના જેવા સાબિત થઈ રહ્યા છે.

ક્યાંક શોષણની બૂમ  

લાયકાત ધરાવનાર ઉમેદવારોને જોઈએે તેવી નોકરી ન મળતાં આખરે મને-કમને બીજી નોકરી કરવા મજબૂર બને છે. રાજ્યની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં શિક્ષકો સહિતનું શોષણ કરવામાં આવી રહ્યું છે. મહિને માંડ ત્રણથી પાંચ હજારનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. જે ઉમેદવારો પાસે બી.એડ.,એમ.એડ.ની ડિગ્રી હોય છે તેવા અસંખ્ય ઉમેદવારો ધોરણ-૧થી ૮માં નજીવા પગારમાં ગાડું ગબડાવે રાખે છે. કારમી મોંઘવારીમાં મહિને પાંચ હજાર પગારમાં કેમ કરી પૂરૂ થતું હશે ? લાખો ઈજનેરો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. દર વર્ષે ગુજરાતમાં ઈજનેરીના અભ્યાસની ૨૫,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી પડવા લાગી છે.

લાગવગ એ જ લાયકાત  

દરેક જગ્યાએ નોકરીમાં લાયકાતને અગ્રતા આપવામાં આવે છે પરંતુ, રાજકારણ એક એવો વ્યવસાય છે કે, જ્યાં કોઈ જ લાયકાત જોવાતી નથી. આઈપીએસ અને આઈએએસ પણ સાત ચોપડી ભણેલા નેતાને સલામ મારે છે. નેતાઓ પોતાના મામા-ફોઈઓનાને નોકરીઓ ગોઠવવાનું ક્યારેય ચૂકતા નથી. સામાન્ય ઉમેદવાર લાયકાત ધરાવતા હોય છતાં રહી જાય છે અને ઠોઠ ઉમેદવાર સારી નોકરીમાં નેતાના આશીર્વાદથી ગોઠવાઈ જાય છે એ પણ વાસ્તવિક્તા સ્વીકારવી જ રહીં. દેશની એ કરૂણતા કહો કે, વિવશતા પણ આ કડવું સત્ય છે. ચૂંટણી આવે એટલે બેરોજગારીનો મુદ્દો જોરશોરથી ગૂંજે છે પણ જેવી ચૂંટણી પૂરી થઈ એટલે બધું સૂરસૂરિયું થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન