દેશને શેષન જેવા કર્તવ્યનિષ્ઠ અફસર કઈ રીતે મળે ? - Sandesh
  • Home
  • Columnist
  • દેશને શેષન જેવા કર્તવ્યનિષ્ઠ અફસર કઈ રીતે મળે ?

દેશને શેષન જેવા કર્તવ્યનિષ્ઠ અફસર કઈ રીતે મળે ?

 | 2:22 am IST

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

જો ટી.એન.શેષન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ન બન્યા હોત તો દેશમાં ચૂંટણીના નામે છેતરપિંડી અને ધાંધલ-ધમાલનો સમય જ ચાલુ રહ્યો હોત. તેમણે ૯૦ના દાયકામાં ચૂંટણી પંચના મુખ્ય પદે હતા, ત્યારે ચૂંટણી સુધારાઓને કડકાઈથી લાગુ કરવાનું ઐતિહાસિક અભિયાન શરૂ કર્યું હતું. તેઓ હવે દિવંગત થયા છે, ત્યારે દેશને તેમણે કરેલા મહાન કાર્યોની જાણકારી હોવી જોઈએ. શેષને એ ગુંડાતત્ત્વો પર એવી ચાબુક ચલાવી, જેણે ધન અને બળના સહારે રાજનીતિ કરનારાઓને જમીન પર ઉતારીને રસ્તે ચાલતા કરી દીધા. શેષને પોતાના સાથીઓમાં એવો વિશ્વાસ જાગૃત કર્યો કે તેમણે ચૂંટણીની તમામ પ્રક્રિયાને ઇમાનદારીથી પાર પાડવી જોઈએ. તે પહેલાં ચૂંટણી કમિશનરો પર આરોપ લાગતા રહેતા કે તેઓ સંપૂર્ણ રીતે સરકારના ઇશારે ચૂંટણી યોજે છે. તેઓ એ વાત પર ક્યારેય ભાર આપતા ન હતા કે ચૂંટણી તટસ્થ રીતે થાય. તેઓ સત્તારૂઢ પક્ષના એજન્ટ માત્ર બની રહેતા હતા. તેઓ ક્યારેય ચૂંટણી સુધારા અંગે ગંભીર સુદ્ધા ન રહ્યા. એક રીતે એમ કહો કે ચૂંટણી કમિશનરનું પદ શાસક વર્ગના માનીતા નિવૃત્ત થનારા કોઈ સચિવના ત્રણ વર્ષ સુધીના પુનર્વાસનો કાર્યક્રમ બનીને રહી ગયો હતો.

ભારતમાં પહેલી વખત ચૂંટણી સુધારા લાગુ કરનારા પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શેષને એક નવી પરંપરાની શરૂઆત કરી. તેમણે સાબિત કરી દીધું કે આ સડેલી સિસ્ટમમાં રહેતાં પણ ઘણા સારા સકારાત્મક ફેરફાર કરી શકાય છે. તેઓ પોતાની ઓફિસમાં બેસીને કામ કરનારા અફસર ન હતા. તેઓ ઇચ્છતા હતા કે ચૂંટણી સુધારા કરીને ભારતના લોકતંત્રને મજબૂત કરાય. જો તેઓ ઇચ્છત તો તેઓ પણ કોઈ મોટા નેતા કે કોઈ પક્ષના હિત જાળવી શક્યા હોત અને રાજ્યપાલનું પદ પોતાના માટે સુરક્ષિત કરાવી શક્યા હોત. પરંતુ શેષને પોતાના માટે એક કઠિન અને મુશ્કેલ માર્ગ પસંદ કર્યો.

ચૂંટણી સુધારાના ઐતિહાસિક કાર્ય કરીને તેમણે વિશ્વભરમાં નામના કમાવા સાથે પ્રજાની અભૂતપૂર્વ સેવા કરી. દેશને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી ૧૯૯૪થી ૧૯૯૬ દરમિયાન તેમણે ચૂંટણી સુધારા અંગે દેશભરમાં સેંકડો જનસભાને સંબોધિત કરી. તેઓ સવારે વહેલા દિલ્હીથી નીકળતા. ક્યારેક મુંબઇ, હૈદરાબાદ, ભુવનેશ્વર જેવા શહેરોમાં એક એક દિવસમાં કેટલીય સભાને સંબોધિત કરતા હતા. તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ચેમ્બર ઓફ કોમર્સ, બાર કાઉન્સિલ, પ્રેસ કોન્ફરન્સ અને સાંજે એક વિશાળ જનસભાને સંબોધિત કરીને રોજ દિલ્હી પરત આવી જતા હતા. હું ૧૯૯૫ની વિધાનસભાઓ અને ૧૯૯૬ની લોકસભા ચૂંટણી દરમિયાન બિહાર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને ચૂંટણી અભિયાન સમિતિનો અધ્યક્ષ હતો. મને તેમના કાર્યોને નજીકથી જોવાની તક મળી હતી. હું કેટલીય વખત તેમને મળ્યો છું. મેં તેમને કર્તવ્યપરાયણ અને રાષ્ટ્રનિષ્ઠ પદાધિકારી તરીકે જ જોયા છે.

શેષન જનતામાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા. એરપોર્ટથી જ્યારે તેમની કારનો લાંબો કાફલો બહાર નીકળતો તો હજારો લોકો રસ્તાની બાજુએ ઊભા રહીને તેમની એક ઝલક જોવા માટે બેતાબ રહેતા હતા. તેમની વધતી લોકપ્રિયતા અને દૃઢ સ્વભાવને જોઈને પ્રધાનમંત્રી નરસિંહ રાવે કોંગ્રેસી લોબીના દબાણમાં અચાનક એક સભ્યના ચૂંટણી પંચમાં બે સભ્યને સામેલ કરી દીધા હતા. ત્યારે શેષન યુગલ રજા પર અમેરિકામાં હતું. તેમને મોટો આંચકો લાગ્યો. એમ છતાં શેષનનો કરિશ્મા જળવાયેલો રહ્યો. બાકી બંને કમિશનર તેમની સાથે અસહમતી વ્યક્ત કરે તો કયા મુદ્દે ? તેઓ કશું ખોટું કરતા તો ન હતા. જે નિયમ છે, તેનું જ સખતાઈથી પાલન કરતા હતા. તેઓ દેશમાં ચૂંટણી સુધારાનું કામ આગળ વધારી રહ્યા હતા. હવે દેશને એ સવાલ પૂછવાનો અધિકાર છે કે રાવે શેષનની સત્તા પર કાપ મૂકવાનો પ્રયાસ કર્યો કેમ ? શું તેમને એ માટે સજા અપાઈ કેમકે તેઓ એક બહેતર કાર્ય કરતા હતા ? આજકાલ ઇવીએમ મશીનોની ખામી કાઢતી કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે તેણે દેશમાં ચૂંટણી સુધારાના માર્ગમાં ઘડી ઘડીએ કેટલા અવરોધ પેદા કર્યા.

શેષને ૧૯૯૦ના દાયકામાં દેશમાં ચૂંટણી સુધારામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ઘણી જ કઠોરતાથી આદર્શ આચારસંહિતાનું પાલન કર્યું હતું. શેષન ઘણા સારા કર્મઠ અને ઇમાનદાર અધિકારી હતા, જેમણે પરિશ્રમ અને નિષ્ઠાની સાથે દેશની સેવા કરી.

ચૂંટણી સુધારાની દિશામાં તેમના પ્રયાસોએ આપણા લોકતંત્રને વધુ મજબૂત તથા ભાગીદારપૂર્ણ બનાવ્યું હતું. શેષન ૧૨ ડિસેમ્બર ૧૯૯૦થી લઈને ૧૧ ડિસેમ્બર ૧૯૯૬ સુધી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા અને એ દરમિયાન તેમણે ચૂંટણી સુધારાની દિશામાં ઘણા સુધારાત્મક કામ કર્યા. તેમનો જન્મ કેરળના પલક્કડ જિલ્લાના તિરુનેલ્લાઇમાં થયો હતો. લોકતંત્રમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશાં યાદ કરાશે. શેષને ભારતની ચૂંટણી સંસ્થાનને મજબૂત બનાવવામાં એક મહા સુધારકની ભૂમિકા ભજવી છે. દેશ તેમને હંમેશાં લોકતંત્રના પથપ્રદર્શક તરીકે યાદ રાખશે.

દેશને શેષન જેવા સરકારી અધિકારીઓની જરૂર છે, જે અન્ય અધિકારીઓ માટે પ્રેરણા બને છે. શેષને ક્યારેય અંગત લાભ માટે કામ નથી કર્યું. સરકારી સેવાથી મુક્ત થયા બાદ તેમણે દિલ્હી છોડી દીધું અને ચેન્નાઇમાં રહેવા લાગ્યા. તેનું મુખ્ય કારણ એ હતું કે તેઓ પોતાના પેન્શનમાંથી દિલ્હીમાં પોતાનો નિર્વાહ કરવામાં અસમર્થ હતા. તેઓ એક સંત પ્રકારના માણસ હતા. તેઓ મનીષી હતા. જ્યારે શેષનની વાત થાય ત્યારે દિલ્હી મેટ્રો રેલવેના સ્થાપક ઇ શ્રીધરનનો પણ ઉલ્લેખ કરવાનું મન થાય છે. તેમણે દેશમાં મેટ્રો ટ્રેનનો પાયો નાખ્યો. સંયોગથી એ બંને જ અધિકારી મૂળરૂપે કેરળના હતા. દેશને આ પ્રકારના અધિકારીઓની જરૂર છે. જ્યાં સુધી દેશને શેષન અને શ્રીધરણ જેવા ઇમાનદાર અને મહેનતુ અધિકારી નહીં મળે ત્યાં સુધી સરકારોની વિકાસ અને જન્મ કલ્યાણકારી યોજનાઓ યોગ્ય રીતે અમલી કરી નહીં શકાય. ભારત જેવા લોકતાંત્રિક દેશોમાં સરકારી અધિકારીઓની ભૂમિકાને નકારી શકાય નહીં. શેષન જેવા અધિકારીએ સાબિત કરી દેખાડયું છે કે જો તમારામાં ઇચ્છાશક્તિ છે તો ઘણા કામો થઈ શકે છે. જો કે એ દુઃખદ છે કે આપણે ત્યાં હજુ પણ શેષન જેવા ઘણા સરકારી અધિકારીઓ જોવા મળતા નથી.

( લેખક રાજ્યસભાના સાંસદ છે )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન