દેશ મારી સાથે છે, શા માટે ડરું? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેશ મારી સાથે છે, શા માટે ડરું?

દેશ મારી સાથે છે, શા માટે ડરું?

 | 3:40 am IST
  • Share

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

ભારત એ અફઘાનિસ્તાન કે સીરિયા નથી

નાહિદ આફરીન તે માત્ર ૧૬ જ વર્ષની છે. તેની પાસે સુંદર ગળું છે. તેની સુરીલી અવાજે માત્ર આસામને જ નહીં પરંતુ આખા દેશ અને પૂરી દુનિયાને મંત્રમુગ્ધ કર્યા છે. ૨૦૧૫માં તેણે ઈન્ડિયન આઈડલ સ્પર્ધામાં ભાગ લીધો અને તે ઉપવિજેતા બની.

તેની સામે ૪૬ જેટલાં મૌલવીઓએ ફતવો જારી કરી તેની સામે મંચ પર ગીતો ગાવા પર પ્રતિબંધ મૂક્યો. તેને કહેવામાં આવ્યું કે સ્ટેજ પર શો કરવો તે શરિયતની ખિલાફ છે.

અલબત્ત, નાહિદ આફરીન પર મૂકવામાં આવેલા આ પ્રતિબંધનો વિરોધ મુસ્લીમ રાષ્ટ્રીય મંચે જ કર્યો છે. એટલું જ નહીં પરંતુ મુસ્લીમ રાષ્ટ્રીય મંચે તો આવો ફતવો જારી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે આ મંચે એવી અપીલ પણ કરી છે કે, તે આતંકવાદની વિરુદ્ધ ગાય અને ભારત માતાની સ્તુતિ પણ ગાય. મંચ તેની સાથે છે.

એક માહિતી એવી છે કે કેટલાક વખત પહેલાં નાહિદ આફરીને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ગીત ગયું હતું. એ કારણસર જ એક ષડયંત્રના ભાગરૂપે નાહિદ સામે આવો ફતવો જારી કરવામાં આવ્યો છે. મુસ્લીમ રાષ્ટ્રીય મંચના પ્રભારી ગુલરેજ શેખ નાહિદની તરફેણમાં એક ઓનલાઈન અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ કહે છેઃ ‘સંગીત ઈસ્લામની વિરુદ્ધ નથી. સંગીતથી ખુદાની ઈબાદત થાય છે. ઈસ્લામમાં સુફીવાદી પરંપરા છે, જેમાં ખુદને પામવા માટે ગીતનો સહારો લેવામાં આવે છે. અમે ભારતને અફઘાનિસ્તાન કે સીરિયા બનવા નહીં દઈએ.’

મુસ્લીમ રાષ્ટ્રીય મંચના પ્રભારીનું આ નિવેદન બહાદૂરીપૂર્વકનું છે, સમયસરનું છે. ભારતના મુસ્લીમો વધુ શિક્ષિત, જાગૃત અને સમજદાર છે. ભારત કદી સીરિયા બની શકે નહીં.

અત્રે એ વાત નોંધવી જોઈએ કે ભારતના શ્રેષ્ઠ મુસ્લીમ કલાકારોએ તો હિન્દુ દેવદેવીઓનાં ભજનો ગાયાં છે. આ વાત છે ૧૯૫૨ની સાલની જયારે ભારત નવું નવું આઝાદ થયું હતું.એ વખતે એક ફિલ્મ બની રહી હતીઃ “બૈજુ બાવરા” તેમાં એક મશહૂર ભજન હતું. ‘મન તડપત હરી દર્શન કો…’- આ ભજન લખ્યું હતું શકિલ બદાયૂનીએ. તેને સ્વર બદ્ધ કર્યું હતું સુપ્રિસિદ્ધ સંગીતકાર નૌશાદે. તેને ગાયું હતું મોહમ્મદ રફીએ. આ ત્રણેય મહાનુભાવો મુસ્લીમ હતા.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, ભજનના રેર્કોિંડગના આગલા દિવસે બધાં જ સાજીંદાઓને તથા ટેકનીશિયનોને કહ્યું હતું કે, આવતી કાલે ભગવાનના ભજનનું રેર્કોિંડગ છે તેથી બધા જ હિન્દુઓ સ્નાન કરીને આવે અને બધા જ મુસ્લીમો વજુ કરીને પવિત્ર થઈ સ્ટુડિયોમાં પ્રવેશે.’

બોલો કેવો એકબીજાના ધર્મ પ્રત્યેનો આદર? અને કેવું શ્રેષ્ઠ ગીત સંગીત? આજે પણ એ ભજન દિવ્ય હોવાની અનુભૂતિ કરાવે છે.

આ દેશની અનેક શ્રેષ્ઠ મુસ્લીમ અભિનેત્રીઓ જેવી કે મધુબાલા, મીનાકુમારી, નરગીસ, વહીદા રહેમાને ફિલ્મોમાં સ્ક્રીન પર અનેક સુંદર ગીતો ગાયાં છે અને આજે પણ એ બધા કલાકારો કરોડો ભારતીયોના હૃદયમાં વસે છે. પાૃગાયક મોહમંદ રફી તો એ બધામાં શિરમોર હતા. એ વખતે કોઈએ વાંધો ઉઠાવ્યો નહીં અને હવે વિશ્વ ૨૧મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે ૧૬ વર્ષની એક નાનકડી દિકરી પર આવો પ્રતિબંધ કેમ?

અલબત્ત, નાહિદ કહે છેઃ ‘મને આવા ફતવાનો કોઈ ડર લાગતો નથી. હું તો પહેલાંની જેમ જ સ્કૂલે જાઉં છું. સ્કૂલમાં ભણું છું. આખો દેશ અને દુનિયા મારી સાથે છે તો હું શા માટે ડરું? બધાં જ મને ચાહે છે. એ બધા એ જ મને નૈતિક હિંમત આપી છે.’

તે કહે છે.’મેં શું ગલત કામ કર્યું છે? મારો ગુનો શું છે? હા, શરૂઆતમાં કેટલાંક લોકો મને ફોન કરીને ધમકીઓ આપવા લાગ્યા ત્યારે શરૂઆતમાં હું ગભરાઈ ગઈ હતી પરંતુ પાછળથી મને ખબર પડી કે આખી દુનિયા મારી સાથે છે તો મેં ડરવાનું બંધ કરી દીધું.’

નાહિદ આફરીન હાલ ધોરણ૧૦માની પરીક્ષા આપી રહી છે. એણે પોતાનું તમામ ધ્યાન ભણવા પર કેન્દ્રીત કર્યું છે. તે પછી સંગીત પર પરીક્ષા પછી તે ફરી એકવાર રિયાઝ કરવામાં વ્યસ્ત થઈ જવાની છે. તે કહે છેઃ ‘મુઝે ખુદાને ગાને કા હુનર બક્ષા હૈ. ફિર મેં ક્યો ખુદા કી ઈસ દેન કો છોડ દૂં? મેં કભી ગાના નહીં છોડૂંગી.’

નાહિદ જ્યારે પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારથી એણે ગાવાનું શરૂ કર્યું હતું. એ વખતે એની એક સ્કૂલ ટીચરે તેને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી હતી. એણે પહેલી જ વાર સ્કૂલના એક કાર્યક્રમમાં સ્ટેજ પર જઈ ગીત ગાયું હતું. તે માટે તેને પુરસ્કાર પણ મળ્યો હતો. તે પછી તેણે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. સાંજે સ્કૂલ પૂરી થાય તે પછી તેની સ્કૂલ ટીચર તેને તેના ઘેર બોલાવી ગીત-સંગીત શીખવતી હતી. તે પછી તે અનેક કાર્યક્રમોમાં ગઈ. તેને અનેક ઈનામો મળ્યાં. જિલ્લા અને રાજ્ય સ્તર પણ અનેક પુરસ્કાર મળ્યા. ધીમે-ધીમે તે આખા આસામમાં જાણીતી બની ગઈ. તે પછી તેણે દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત પ્રતિયોગિતામાં ભાગ લીધો. ૨૦૧૫માં તે ઈન્ડિયન આઈડલ જુનિયરમાં પહોંચી અને ફર્સ્ટ રનર અપ રહી.

નાહિદ આફરીન કહે છેઃ ‘મારા આદર્શ આસામના જ સુપ્રસિદ્ધ ગાયક ભૂપેન હજારિકા છે. આસામનો દરેક શખ્સ તેમને પ્યાર કરે છે અને તેમનો આદર કરે છે. હું તેમનાં જ ગીતો સાંભળી સાંભળીને મોટી થઈ છું. તેમના સ્વર આજે પણ મારા કાનમાં ગુંજે છે. હું મારા કાર્યક્રમોની શરૂઆત જ ભૂપેન દાનાં ગીતોથી કરું છું.’

લોકપ્રિયતા અનેકવાર ઈર્ષા જન્માવે છે તેવું નાહિદની બાબતમાં પણ થયું. ઈન્ડિયન આઈડલ શો દરમિયાન સલમાન ખાન અને સોનાક્ષી સિંહાએ પણ તેનાં ગીતો સાંભળ્યાં. તેમણે નાહિદના સ્વરની તારીફ કરી. એ દિવસોમાં તે મુંબઈમાં હતી ત્યારે તેના વતન આસામમાં સોશ્યિલ મીડિયા પર જાતજાતની અફવાઓ કેટલાકે શરૂ કરી દીધી હતી. કેટલાકે એવી જુઠી વાત ફેલાવી કે નાહિદ બાંગલાદેશી છોકરી છે, પરંતુ ધીમે-ધીમે એ અફવાઓ સમાપ્ત થઈ ગઈ,

નાહિદ આફરીન સંપૂર્ણ ભારતીય દિકરી જ છે, એ સત્ય સામે આવ્યું.

નાહિદ ભવિષ્યમાં પ્લેબેક સીંગર બનવા માંગે છે. એ માટે તે મુંબઈમાં જ સ્થાયી થવાનું પસંદ કરશે. અત્યારે તો આસામમાં છે તે કહે છેઃ ‘જેમણે મારી વિરુદ્ધ ફતવો જારી કર્યો છે તેમની સામે મારી ફરિયાદ નથી.’

નાનકડી પણ કેટલી સમજદાર છે નાહિદ!

નાહિદ ઓલ ધી બેસ્ટ.

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન