દેશ માટે ભારતમાં જન્મેલા દરેકને ગૌરવ હોવું જ જોઈએ! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • દેશ માટે ભારતમાં જન્મેલા દરેકને ગૌરવ હોવું જ જોઈએ!

દેશ માટે ભારતમાં જન્મેલા દરેકને ગૌરવ હોવું જ જોઈએ!

 | 12:17 am IST

પોઈન્ટ બ્લેન્ક :- એમ. એ. ખાન

ફિલ્મ તારે ઝમીં પર દરેકના હૃદયને સ્પર્શી ગઈ હતી. એમાં ઓટીઝમથી પીડાતા એક નાનકડા બાળક ઈશાન નંદકિશોર અવસ્થીની સમસ્યા, મજબૂરી અને પીડા હતી. એ ફિલ્મ આજે પણ જોવા બેસો તો આંખમાં આંસુના તોરણ બંધાઈ જાય.

આ ફિલ્મમાં એક દ્રશ્ય એવું હતું જેમાં આમિર ખાન (રામશંકર નિકુંભ) ક્લાસમાં છે. એવામાં ઈશાનના પિતા નંદકિશોર અવસ્થી તેને મળવા આવે છે. આમિર ખાન તેમને પોતાની ઓરડીમાં લઈ આવે છે. ત્યારે ઈશાનના પિતા ગર્વથી કહે છે. ‘ઈશાન કી માં માયાને ઈન્ટરનેટ પર સે ઓટીઝમ કે બારે મેં સારી જાનકારી હાંસિલ કર લી હૈ!’

શિક્ષક કહે છે, ‘અચ્છી બાત હૈ, પર યે આપ મુઝે ક્યોં બતાના ચાહતે હૈં? ‘

‘આપ કો ઐસા ન લગે કિ હમ ઈશાન કા ખયાલ નહીં રખતે!’

શિક્ષક રામશંકર કહે છે, ‘ખયાલ રખના બડી અચ્છી બાત હૈ, નંદકિશોરજી. ઈસસ સે બચ્ચે કો યે અહસાસ હો જાતા હૈ કિ કોઈ હૈ જો મુઝે ચાહતા હૈ. ક્યા હુઆ જો મૈં ગિર ગયા, ક્યા હુઆ જો મૈં ફેઈલ હો ગયા…! કુછ ભી હો જાએ, બડે સે બડી ગલતી ભી હો જાએ તો વો મુઝ સે કહેંગે, કોઈ બાત નહીં બેટા, ક્યા હુઆ તું ગિર ગયા તો, ક્યા હુઆ તું ફેઈલ હો ગયા તો…! હમ હૈં ના! હમ તુમ્હેં પ્યાર કરતે હૈં. હમ ફિર સે કોશિશ કરેંગે. એક છોટી સી ઝપ્પી, જરા સી ગાલ પર પપ્પી, માથે પર હાથ ફિરાના…! યે સબ બાતેં ઉસે અહસાસ દિલા દેતીં હૈં કિ કોઈ હૈ મેરા ખયાલ રખને વાલા! ઔર બચ્ચા જીવન સે ભર જાતા હૈ! મિસ્ટર અવસ્થી ઈસી કો કહતે હૈં ના ખયાલ રખના?’

આ સાંભળતાં જ અવસ્થીને સમજાઈ જાય છે કે પુત્રનું ધ્યાન રાખવાનો એમનો ભ્રમ કેટલો પોકળ અને દંભી હતો.

આજે નંદકિશોર અવસ્થીની જેમ દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવના ખ્યાલમાં રાચતા આપણે બધા પણ શું નંદકિશોર અવસ્થીની જેમ જ ખોટા ભ્રમમાં રાચી રહ્યા છીએ?

આત્મનિરીક્ષણ કરીએ તો જે હકીકત નજરે ચઢે છે એ ખરેખર આપણને નંદકિશોર અવસ્થી જ સાબિત કરે છે. દરેક સામાજિક જૂથ પોતાની જ્ઞાતિ, જાતિ, પરિવારને વફાદાર હોય છે. લોકો પોતાની જ્ઞાતિ, જાતિ અને પરિવારને લાભ થા એ માટે જ સતત વિચાર કરતા રહે છે અને કામ પણ એ દિશામાં જ કરે છે. આમાં ખોટું કશું ન કહેવાય, પરંતુ દેશની વાત આવે તો જ્ઞાતિ, જાતિ, પરિવારનો વિચાર છોડીને દેશ માટે કશુંક કરવું પડશે. સ્થિતિ એવી છે કે આપણે બધા વાતો દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, દેશ માટે વફાદારીની કરીએ છીએ. પરંતુ દેશના નાના-મોટા કાયદાનું ઉલ્લંઘન કરતા રહીએ છીએ, દેશની મિલકતનું નુકસાન કરતા રહીએ છીએ, લાંચ આપતા રહીએ છીએ, લાંચ લેતા રહીએ છીએ, સગાંવાદ ચલાવતા રહીએ છીએ. આમાંનું એક પણ કામ દેશ માટેની વફાદારીમાં આવતું નથી.

રાષ્ટ્રધ્વજ (તિરંગા)નું અપમાન જરાય નહીં સાંખી લઈએ એવો પડકાર અચૂક કરીએ છીએ ,પરંતુ ખરેખર તિરંગાનું સન્માન શી રીતે કરવું એની ખબર ગણ્યા ગાંઠયા લોકોને જ છે. રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે સલામી આપવાની ચોક્કસ રીત હોય છે. સલામીની સાચી રીત એનસીસીમાં શીખવાડે છે. રાષ્ટ્રગીત વાગે તો માત્ર ઊભા રહેવાનું નથી હોતું, સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું હોય છે. સાવધાનની મુદ્રા આખા શરીરને અક્કડ કરીને બંને હાથ મૂઠ્ઠી વાળીને પડખે દબાયેલા હોય અને માથું ગર્વોન્મત્ત હોય તથા આંખો તિરંગા પર નોંધાયેલી હોય એને સાવધાન કહે છે. એમાં રજમાત્ર હિલચાલ કરવાની હોતી નથી.  આપણે એનું પાલન કરીએ છીએ ખરા?

આતો માનો કે પ્રતીકાત્મક ક્રરીયાઓ છે. સવાલ એ છે કે આપણા જીવનમાં આપણે રાષ્ટ્રપ્રેમ શી રીતે દર્શાવીએ છીએ? વિશ્વના દરેક દેશના નાગરિકો એકેએક કાયદાનું ચોકસાઈથી પાલન કરે છે. દરેક વાતે શિસ્તમાં રહે છે, કારણ કે શિસ્તબદ્ધ નાગરિકો જ દેશને ગૌરવ અપાવી શકે અને દેશનું ગૌરવ જાળવી શકે. આપણે શિસ્તબદ્ધ છીએ?

અત્યારે તો એવી સ્થિતિ છે કે દરેક જ્ઞાતિ, જાતિ, જૂથના લોકો પોતાને અનુકૂળ ન આવે ત્યારે પોલીસને ખોટી ઠરાવી દઈએ છીએ, કાયદાને ખોટો ઠરાવી દઈએ છીએ, કોર્ટને ખોટી ઠેરવી દઈએ છીએ, અરે! બંધારણને પણ ખોટું ઠેરવી દઈએ છીએ. આ શિસ્ત નથી રેઢિયાળપણું છે. એનાથી રાષ્ટ્રનું ગૌરવ જરાય જળવાતું નથી. દેશ અને દેશનું હિત આપણા હૈયે સર્વોપરી હોવું જોઈએ. જે કાયદા અને બંધારણને આપણે વાતેવાતે ધીબેડી દઈએ છીએ એ કંઈ માત્ર ડો. ભીમરાવ આંબેડકરે નથી બનાવ્યા. દરેક વિષયના નિષ્ણાતો કાયદા અને બંધારણ રચનાર કમિટીમાં સામેલ હતા. એમની સંખ્યા સેંકડોમાં થઈ હતી. એને ખોટું ઠરાવનાર જાણતા નથી કે તેઓ પોતાના જ દેશના હાર્દ પર ઘા કરે છે.

આ વાત સમજવા માટે દક્ષિણ આફ્રિકાની એક ઘટના સમજવી પડશે. દ. આફ્રિકાએ ગાંધીજીના માર્ગે ચાલીને અંગ્રેજોથી આઝાદી મેળવી લીધી. એ દેશમાંથી પ્રવીયાના નાયડુ નામનાં મહિલા ૨૦૧૪માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કહ્યું હતું, અમે બ્રિટિશરોથી છુટકારો મેળવી લીધો ત્યારે બ્રિટિશરોનું બધું જ ખોટું એવા જોશમાં આવીને બધા કાયદા અને બંધારણ ફગાવી દીધા. પરંતુ વૈકલ્પિક બંધારણ અમારી પાસે તૈયાર નહોતું અને હજી તૈયાર નથી થઈ શક્યું. એના પરિણામ સ્વરૂપ આજે અમારે ત્યાં સામાજિક માળખું પડી ભાંગ્યું છે. તંત્ર પડી ભાંગ્યું છે. ટોળાંશાહી ચાલી રહી છે. તમવાદી માનસિકતા એવી વકરી છે કે વફાદારી કુટુંબનીય નથી રહી, દેશની તો વાત જ ક્યાં રહી! હું ભારત એટલા માટે જ આવી છું. અહીંના બંધારણ અને સામાજિક માળખાનો અભ્યાસ કરવા આવી છું. અમે આવું જ બંધારણ અમારે ત્યાં રચવા માગીએ છીએ.

નથી લાગતું કે આજે આપણે બંધારણ અને કાયદાઓને ફગાવવા ઉતાવળા બનીને એ જ ટોળાંશાહીને આમંત્રણ આપી બેઠા છીએ.  શું આ જ દેશપ્રેમ છે?

[email protected]