દેશવ્યાપી લોકડાઉન ૩ મે સુધી લંબાવાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • India
 • દેશવ્યાપી લોકડાઉન ૩ મે સુધી લંબાવાયો

દેશવ્યાપી લોકડાઉન ૩ મે સુધી લંબાવાયો

 | 2:27 am IST
 • Share

। નવી દિલ્હી ।

દેશમાં કોરોના વાઇરસના વધી રહેલા પ્રસારને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનને ૧૫મી એપ્રિલથી ૩ મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે સવારે ૧૦ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશજોગ સંબોધનમાં જાહેરાત કરી હતી કે ૧૪મી એપ્રિલે સમાપ્ત થઈ રહેલા લોકડાઉનને વધુ ૧૯ દિવસ માટે લંબાવવામાં આવે છે. વડા પ્રધાને નાગરિકોને સંબોધન કરતાં કોરોના વાઇરસ સામેની લડાઈમાં ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી હતી. મર્યાદિત સ્રોત હોવા છતાં દેશે કોરોના વાઇરસ સામે સારી બાથ ભીડી છે. ભારતને બચાવવા માટે જનતાએ હાડમારીનો સામનો કર્યો છે. તમને જે મુશ્કેલીઓ પડી રહી છે તેનાથી હું સારી રીતે પરિચિત છું. ભારતીયોએ આપેલા બલિદાનને હું નમન કરું છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, અત્યારે નિયંત્રણો દૂર કરવાનો સમય નથી. અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે પરંતુ આપણા નાગરિકોના જીવનોની સરખામણીમાં તે કશું નથી. હું આપણા ગરીબ ભાઈઓ અને રોજમદારોને ધ્યાનમાં રાખીને લોકડાઉનમાં રાહત આપવાની વાત કરી રહ્યો છું. પરંતુ જો આ હોટસ્પોટમાં રાહત અપાયાં પછી એકપણ કેસ નોંધાશે તો છૂટછાટ પાછી ખેંચી લેવાશે. આપણે સમૃદ્ધ દેશો કરતાં કોરોનાના કેસ નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યાં છીએ. પહેલો કેસ નોંધાયો ત્યારથી જ આપણે એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. ૫૫૦ કેસ નોંધાતાંની સાથે જ આપણે દેશવ્યાપી લોકડાઉનનો અમલ કર્યો હતો. આપણે દેશમાં કોરોનાના દર્દીઓ માટે ૬૦૦ હોસ્પિટલ ઊભી કરી દીધી છે. જેમાં એક લાખ કરતાં વધુ પથારીની વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર સરકાર ગરીબ, માઇગ્રન્ટ વર્કર્સ અને ખેડૂતોનું ખાસ ધ્યાન રખાશે.

વડા પ્રધાને જનતાને આ સાત પગલાંનું અવશ્ય પાલન કરવા અપીલ કરી

 1. ઘરના વડીલોનું ધ્યાન રાખો, જૂની બીમારીથી પીડાતા પરિવારના વડીલોની વિશેષ કાળજી લો
 2. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ પડશે, હંમેશાં ઘરમાં તૈયાર કરેલા માસ્કનો ઉપયોગ કરો
 3. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયે આપેલી માર્ગર્દિશકાનું પાલન કરો
 4. દરેક વ્યક્તિએ આરોગ્ય સેતુમોબાઇલ એપ ડાઉનલોડ કરવી જોઈએ
 5. ગરીબોને શક્ય એટલી તમામ મદદ કરો, તેમની અન્નની જરૂરિયાતો પૂરી પાડો
 6. દ્યોગિક જગતમાં કોઈની નોકરીમાંથી હકાલપટ્ટી ન કરશો, સહકર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખો
 7. આપણા ડોક્ટરો, સફાઈ કર્મચારીઓ, પોલીસ વગેરેનું તેમના યોગદાન માટે સન્માન કરો

આગામી એક સપ્તાહ કરોડ ભારતીયો માટે અગ્નિપરીક્ષા : પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી એક સપ્તાહ લોકડાઉનનો આકરો અમલ કરાશે. જે વિસ્તારોમાં ૨૦મી એપ્રિલ સુધીમાં એકપણ કોરોનાનો કેસ નહીં નોંધાય ત્યાં લોકડાઉનમાં ચોક્કસ શરતો સાથે આંશિક છૂટછાટ અપાશે. સરકાર પોલીસસ્ટેશનના લેવલે લોકડાઉનના અમલ અને કોરોનાના પ્રસાર પર ચાંપતી નજર રાખશે. આગામી એક સપ્તાહ આપણા તમામ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. જે વિસ્તારો આ અગ્નિપરીક્ષા પસાર કરી લેશે અને કોરોનાનો પ્રસાર થવા નહીં તે તેમને કેટલીક જરૂરી પ્રવૃત્તિઓની પરવાનગી અપાશે. પરંતુ આ પરવાનગી શરતી રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો