હિંમતવાન પુરુષ જ જાહેરમાં મુક્તમને રડી શકે છે - Sandesh
  • Home
  • Columnist
  • હિંમતવાન પુરુષ જ જાહેરમાં મુક્તમને રડી શકે છે

હિંમતવાન પુરુષ જ જાહેરમાં મુક્તમને રડી શકે છે

 | 2:55 am IST

પ્રાસંગિક : રમેશ દવે

ચંદ્રાયનના વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક છેલ્લી ઘડીએ તૂટી જતાં ઇસરોના ચેરમેન કે. સિવાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ભાંગી પડયા હતા. એ વખતે વડા પ્રધાને રડતાં સિવાનને બાથમાં લઈ આશ્વાસન આપ્યું હતું. આ ભાવુક દૃશ્ય આપણે બધાએ ન્યૂઝ ચેનલો પર જોયું છે. સિવાનસાહેબનું ભાવુક થવું સ્વાભાવિક હતું કારણ કે તેઓ ઇસરોના મિશન મૂનના સૂત્રધાર છે. એમણે આ મિશન પાછળ પોતાનું લોહી અને પરસેવો આપ્યાં છે. એટલે મિશનમાં સાવ છેલ્લે તબક્કે વિઘ્ન આવે ત્યારે એમની આંખમાં આંસુ આવવા સ્વાભાવિક હતા. અને છતાં કેટલાક બૌદ્ધિકોએ સોશિયલ મીડિયા પર સિવનની લાગણીનું પ્રદર્શન કરવા બદલ ટીકા કરી છે.

ઇસરોના એક ભૂતપૂર્વ વડાએ તો ત્યાં સુધી કહી નાંખ્યું છે કે એક વિજ્ઞાનીએ આ રીતે જાહેરમાં પોતાની લાગણીનું પ્રદર્શન કરવું શોભે નહીં. સાયન્ટિસ્ટ તો મજબૂત મનનો જ હોવો જોઈએ. જ્યારે કેટલાક નેટિઝને ઇસરોના ચેરમેનની લાગણીસભર પ્રતિક્રિયાને સ્વાભાવિક ગણાવી છે. ટૂંકમાં, મીડિયામાં એવી ડિબેટ શરૂ થઈ ગઈ છે કે રડતો પુરુષ શોભે કે નહીં?

મનમોહન દેસાઈએ પોતાની ફિલ્મ મર્દ’માં અમિતાભ બચ્ચન પાસે એવો ડાયલોગ બોલાવડાવ્યો હતો કે મર્દ કો દર્દ નહીં હોતા. હિન્દી ફિલ્મોમાં એના જેટલો બોગસ ડાયલોગ ક્યારેય લખાયો નથી અને ભવિષ્યમાં પણ નહીં લખાય. સ્ત્રીની જેમ પુરુષ હાડમાંસનો બનેલો માનવ છે. એને વાગે તો દુખે પણ ખરું અને એનો અહમ કે લાગણી દુભાય તો એ ભાંગી પણ પડે. ખુદ બચ્ચનસાહેબ કુલીના સેટ પર જ એક ફાઇટ સીનમાં ઈજા પામ્યા બાદ મહિનાઓ સુધી પથારીવશ રહ્યા હતા. દિવસો સુધી એમણે મુંબઈની પ્રતિષ્ઠિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જીવન – મરણ વચ્ચે ઝોલા ખાધા હતા. એટલે મર્દ કો દર્દ નહીં હોતા એવા સંવાદનો એ વખતે જ છેદ ઊડી ગયો હતો. જોકે, બચ્ચનની પીડા શારીરિક હતી. પરંતુ સ્ત્રીઓની જેમ પુરુષોને પણ લાગણીના ઘા વાગે છે. એમના જીવનમાં પણ ખેદના, દુઃખના પ્રસંગો આવે છે એ વખતે કેટલાક માટીડાઓની આંખો ભીની થાય છે અને કેટલાક પોતાના આંસુ રોકી રાખવામાં સફળ છે. પુરુષોનો એક ત્રીજો વર્ગ પણ છે, જે ધારે તો પણ રડી નથી શકતો. મને આજે એ કહેતા જરાય સંકોચ નથી થતો કે જેઓ સુખદુઃખના પ્રસંગે પોતાના આંસુઓ ફરતા પાળા બાંધી એમને બહાર આવતા રોકે છે તેઓ પોતાની લાગણી સાથે, પોતાના આંતરમન સાથે મોટો અન્યાય કરે છે. પુરુષ આ રીતે જ્યારે લાગણીનું દમન કરે છે ત્યારે લોકોમાં એની બે પ્રકારની ઇમ્પ્રેશન પડવાની શક્યતા રહે છે. છતાં આવા પુરુષને લોકો દુઃખના પ્રસંગમાં પણ અડગ રહેતા મર્દ મૂછાળો ગણે અથવા તો એ સાવ લાગણીશૂન્ય હોવાની ઇમેજ ઊભી થાય. આજના જમાનામાં એવા પુરુષ માટે બીજી કેટેગરીમાં મુકાવાની શક્યતા વધુ રહે છે. એટલે ખરું પૂછો તો ભાગ્યશાળી પુરુષ જ જાહેરમાં રડી શકે છે.

એક બીજી વાત. છાને ખૂણે રડવા માટે હિંમતની જરૂર નથી પણ સમુદાય વચ્ચે રડવા માટે હિંમત જોઈએ. એટલા માટે કે તમે પબ્લિક વચ્ચે ભાંગી પડો તો તમને સ્ત્રીઓ જેવા પોચટ હોવાનું લેબલ લાગી શકે છે. એ સૌથી મોટું ભયસ્થાન છે. જે પુરુષોની એવો ટેગ સ્વીકારવાની તૈયારી હોય તેઓ જ જાહેરમાં પોતાની લાગણીઓ પ્રત્યે વફાદાર રહીને આંસુ પાડી શકે છે. એટલે સાહેબ, બીજા સમક્ષ અશ્રુ વહાવવા માટે હિંમત તો જોઈએ ને જોઈએ જ અને કેવા કેવા જાંબાઝ પુરુષો રડયા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન એક ફોલાદી નેતા ગણાય છે. પુતિન ફિઝિકલી અને મેન્ટલી એકદમ ફિટ છે. તેઓ હમણાં એક યહૂદી સંસ્થાના સમારંભમાં બોલતા રડી પડયા હતા. પુતિનને મોસ્કોમાં દારુણ ગરીબીમાં વીતેલા પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા હતા. તેમણે કહ્યું કે મોસ્કોમાં મારા પાડોશમાં યહૂદી પરિવારો વસતા હતા. મારા મા-બાપ પેટિયું રળવા મને ઘરમાં ભૂખ્યો મૂકીને કામે ચાલ્યા જતા ત્યારે મારા યહૂદી પાડોશી મને ખાવાનું આપતા. એમના તહેવાર હોય ત્યારે મને જાતજાતની સરસ વાનગીઓ ખવડાવતા. એ યહૂદી પાડોશીઓને હું આજે પણ કૃતઘ્નતાથી યાદ કરું છું. પુતિન એક વિશ્વનેતા છે. પબ્લિકમાં આંસુ પડવાથી એમની ઇમેજમાં ધોબો પડી શકે છે, પરંતુ એની પરવા કર્યા વિના તેઓ પોતાની સાચી લાગણીને વફાદાર રહ્યા અને રડયા.

બરાક ઓબામાએ ૨૦૧૭માં દુનિયાની સૌથી શક્તિશાળી મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ છોડયું ત્યારે તેઓ પોતાના છેલ્લા પ્રવચન વખતે રડી પડયા હતા. જ્યોર્જ ડબ્લ્યૂ બુશ પોતાના પિતા અને અમેરિકાના માજી પ્રમુખ બુશ સિનિયરની અંતિમયાત્રા વખતે પોતાના આંસુ રોકી નહોતા શક્યા. ટેનિસ સૌથી વધુ શારીરિક શક્તિ માગી લેતી રમતો પૈકીની એક છે. એમાં કાચા-પોચા ખેલાડીનું કામ નહીં. ટેનિસના અવ્વલ ખેલાડીઓ રોજર ફેડરર અને રાફેલ નડાલ પણ ગ્રાન્ડ સ્લેમની મેચોમાં હાર કે જીત પ્રસંગે લાગણીવશ બની રડતા જોવા મળ્યા છે.

સાઇકોલોજી (માનસશાસ્ત્ર)માં પણ આંસુ નબળાઈની નહીં પણ આંતરિક શક્તિનું પ્રતીક ગણાય છે. માનસશાસ્ત્રીઓ તો માને છે કે જો તમે રડી શકો છો એનો અર્થ એવો થયો કે તમે તમારી લાગણીઓ સ્વીકારવા જેટલા મજબૂત છો. સિવનસાહેબ પર પાછા ફરીએ તો તેમણે મિશન મૂન પાછળ રાત – દિવસ એક કર્યા છે અને એને પોતાના જીવનનું સૌથી મોટું લક્ષ્ય ગણ્યું છે. એટલે જો એમાં પીછેહઠ થાય તો એમનું હતાશ થવું બહુ સ્વાભાવિક છે. એટલે એમના આંસુ એક હેલ્ધી અને નેચરલ રિએક્શન જ કહેવાય એવું માનસશાસ્ત્રીઓ માને છે. વળી, સિવન જાણતા હતા કે ૧૩૦ કરોડ ભારતવાસીઓની આશા- આકાંક્ષાઓ ચંદ્રયાન સાથે જોડાયેલી. ચંદ્રયાનનું લેન્ડિંગ સફળ ન થતાં દેશવાસીઓ કેટલા નિરાશ થયા હશે એની સિવનને કલ્પના હતી. આખા દેશની હતાશાનો વિચાર આવતા તેઓ ભાંગી પડયા હશે. સિવનના આંસુમાં સમગ્ર ભારતની લાગણી ડોકાતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન