કોર્ટ ડયૂટીના જમાદારોને હવેથી વર્ધીમાં જ ફરજ બજાવવી પડશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • કોર્ટ ડયૂટીના જમાદારોને હવેથી વર્ધીમાં જ ફરજ બજાવવી પડશે

કોર્ટ ડયૂટીના જમાદારોને હવેથી વર્ધીમાં જ ફરજ બજાવવી પડશે

 | 3:43 am IST

અમદાવાદ

મેટ્રોપોલિટન કોર્ટોમાં કેસોના ઝડપી નિકાલ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ નીચલી કોર્ટમાં મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી હતી.જેની તાજેતરમાં મળેલી મિટિંગમાં કોર્ટ ડયૂટી જમાદારોને ફરજિયાત વર્ધી પહેવા માટે તાકીદ કરવામાં આવી છે.કોર્ટો દ્વારા સમન્સ- વોરન્ટો કાઢવાને લીધે સંકલન સમિતિની કામગીરી વધી ગઈ છે.ત્યારે તેેને પહોંચી વળવા માટે ચાર પોલીસ કર્મચારીઓને ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સમન્સ-વોરન્ટ ઉપર સંકલન સમિતિનો સિક્કો મારીને પોલીસ મથકના ખાનામાં મૂકવામાં આવતા હોય છે. આ પોલીસ મથકના ખાનામાં મૂકેલા સમન્સ-વોરન્ટ જે તે કોર્ટ ડયૂટી જમાદાર પોલીસ મથક લઈ જતા હોય છે. અત્યાર સુધીમાં સંકલન સમિતિ દ્વારા ૭૦ હજારથી વધુ સમન્સ- વોરન્ટ બજવણી માટે મોકલવામાં આવ્યા હતા.જેમાંથી ૬૦ ટકા ઉપરાંત સમન્સ-વોરન્ટની બજવણી થઈ શકી છે.    ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.બી.પટેલની અધ્યક્ષતામાં મોનિટરિંગ કમિટીની મિટિંગ મળી હતી. જેમાં નોડલ ઓફિસર તરીકે ડીસીપીને રાખવામાં આવ્યા છે. જે સમન્સ-વોરન્ટની બજવણી ઝડપી થાય અને પાંચ વર્ષ જૂના કેસોમાં પોલીસ સમન્સ વોરન્ટની અસરકારક કામગીરી કરે તેની ઉપર વોચ રાખતા હોય છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રોપોલિટન કોર્ટોમાં હાલમાં ૨.૮૯ લાખ કેસો પડતર છે.જેમાં અડધા ઉપરાંત પાંચ વર્ષના જૂના કેસો છે. આ કેસોમાં સમન્સ-વોરન્ટની ઝડપી બજવણી નહીં થઈ શકવાના લીધે કેટલાય કેસો ડોરમેલ ફાઈલ કરીને મૂકી દેવામાં આવતા હોય છે. કેટલાક પોલીસ મથકોમાં સમન્સ-વોરન્ટની બજવણીઓ સમયસર કરવામાં આવતી નથી.જેના લીધે વર્ષો જૂના કેસો પડી રહ્યા છે. જેના લીધે પડતર કેસોની સંખ્યા વધી ગઈ છે.