ગાંડો માણસ ચિંતામુક્ત હોય છેઃ ચાલો, આપણે ચિંતામુક્ત બનીએ!! - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ગાંડો માણસ ચિંતામુક્ત હોય છેઃ ચાલો, આપણે ચિંતામુક્ત બનીએ!!

ગાંડો માણસ ચિંતામુક્ત હોય છેઃ ચાલો, આપણે ચિંતામુક્ત બનીએ!!

 | 10:00 pm IST

‘લાખ પ્રયત્નો કર્યા, પણ ન ઊતર્યું…’ બાબુ બોસે રવિવારની વહેલી સવારે મોર્નિંગ ટીની ચૂસકી લેતાં કહ્યું, “પંડયા, તેં કહ્યું’તું, એવુંય કર્યું. પણ… ન ઊતર્યું તે ન જ ઊતર્યું.”

બાજુબાજુના ઘરમાં રહેતા હોવાથી હું અને બાબુ મોર્નિંગવોક માટે સાથે જ નીકળીએ. એક રવિવારે મારા ઘેર બેસીને મોર્નિંગવોકનો થાક ઉતારવાનો અને બીજા રવિવારે બાબુના ઘેર! આનો અર્થ એ થયો કે હજી પણ અમારા બંનેના હૃદયમાં બાળપણ ધબકી રહ્યું છે. આજે બાબુના ઘરનો વારો હતો.

“પણ શું નથી ઊતરતું?” મેં કુતૂહલવશ પૂછયું, “માળિયામાંથી કંઈ ઉતારવાનું છે? એવું હોય તો મદદ કરું.”

“માળિયામાં તો ક્યાં કશુંય છે જ તે?” ટ્રેમાં ચાના બે કપ લઈને ટીપોય પર મૂકતાં બબીતાએ બાબુના ઉજડે-ચમન જેવા ટાલિયા માથા પર નજર લપસાવતાં કહ્યું, “માળિયું તો સાવ ખાલી જ છે.”

“તારા પપ્પાને મારે કંપની તો આપવી પડેને!” બાબુએ ટાલ પર હાથ ફેરવતાં કહ્યું, “પંડયા, હું મારા વજનની વાત કરું છું. આપણે રોજ આટલું બધું ચાલીએ છીએ તોય મારું બેટું વજન નથી ઊતરતું…”

“લે કર વાત!” મને આશ્ચર્ય થયું, “તું વજન ઉતારવા મોર્નિંગ વોક કરે છે?! મને તો એમ કે મારી જેમ તુંય વજન વધારવાનું પ્લાનિંગ કરી રહ્યો છે!”

“મોર્નિંગવોક કરવાથી વજન વધે?” લાલુએ અત્યાર સુધી કરેલી તમામ વોકનું ઓડિટ કરતાં પૂછયું, “હવે ખબર પડી… કે વજન કેમ ઊતરતું નથી?”

જેમ ખાલી માળિયામાં ઉંદર દોડે તો ખબર પડયા વિના રહે નહીં, એમ બાબુના દિમાગમાં એક પછી એક વિચારો દોડવા માંડયા.

“તો પછી પંડયા, તારું વજન કેમ વધ્યું નહીં?” “તમારી જેમ એ ખાઉધરા નથી, એટલે.” બબીતાએ ડપકો મૂક્યો.

“જો લાલુ” મેં ડાયટિશિયનની અદાથી કહ્યું, “તને હું કેટલીક ટિપ્સ આપું છું એનો અમલ શરૂ કરી દે, મહિનામાં તારું વજન ઊતરી જશે.”  “ન ઊતરે તો?” “તો ટિપ્સનો અમલ બંધ કરી દેવાનો!” મેં હસતાં હસતાં કહ્યું, “હું તો ગમ્મત કરું છું બોસ, પણ સાચું કહું, આ ટિપ્સ મુજબ તું જીવીશ તો તારું વજન સો ટકા ઊતરશે.”  “તેં આવી ટિપ્સનો અમલ કરીને વજન ઉતારેલું?” “મેં વધવા જ નથી દીધું, પછી ઉતારવાનો સવાલ જ નથીને?”

“OK. કઈ ટિપ્સ છે બોલ.”

“સૌ પહેલાં તો ચિંતાઓ શરૂ કરી દેવાની. તારી પોતાની ચિંતા તો તને નહીં જ હોય એવું તારા સ્વાસ્થ્ય પરથી તો લાગે જ છે, એટલે કોઈની ઉછીની લેવાની. સગાંસંબંધીઓ, પડોશીઓ… છેવટે કોંગ્રેસ પાસેથી પણ લઈ લેવાની.”

બાબુએ સદૃષ્ટાંત સમજાવતાં મેં ઉમેર્યું, “જો બાબુ, એટલે તો કોઈ ચિંતાપ્રેમીએ કહ્યું છેને કે ‘ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ, ગુન, જ્ઞાન!’ ચિંતા કરવાથી જો માણસની ચતુરાઈ, રૂપ, ગુણ અને જ્ઞાન – આ બધું ઘટી જતું હોય તો વજન કિસ ખેત કી મૂલી? વજન પણ ઘટી જ જાય!”  “ચિંતા તો હું રોજ કરું છું કે વજન ઊતરતું કેમ નથી?”

“આવી માંદલી ચિંતાઓ કરવાથી ક્યારેય વજન ન ઊતરે, લોકોનાં દિમાગમાંથી આપણે ઊતરી જઈએ, જરા સમજ. અરે, ચિંતાઓ તો એવી કરવાની કે મહિનામાં આખો પ્રોબ્લેમ ઉકલી જાય.”  “મતલબ કે હું જ ઉકલી જાઉં, એમ કહેવા માંગે છેને?”

“એમાંય કંઈ ખોટું તો નથી જ!” મેં સ્મિત કર્યું. “પણ ખરેખર ચિંતા તો એવી કરવાની કે જો હું વજન નહીં ઉતારું, તો… મરી ગયા પછી મને ઊંચકશે કોણ? આવી, જરા હાઇટવાળી ચિંતાઓ કરવાની, સમજ્યો?”

“પણ આવી ચિંતા તો મને ઊંચકનારાઓએ કરવાની હોય કે મારે?”

“એવી ચિંતાથી જ તો તને કહું છું, પણ તું સમજતો જ નથી. આપણી સોસાયટીના મોટાભાગના પુરુષો જાડિયા હોય એવું તેં જોયું છે? મારો જ દાખલો લેને? તારી ચિંતા કરી કરીને જ દૂબળા રહી ગયા છે બિચારા…”

“મારા બેટા ખરા સ્વાર્થી કહેવાય!” બાબુએ ધીમેથી કહ્યું. “હવે ટિપ્સ નંબર બે” મેં કહ્યું, “ખોરાક ઘટાડી નાખ.”

“એ તો શક્ય જ નથી, ખાવા માટે તો છે બધું. અને ખોરાક ઘટાડવાનું મને ફવે પણ નહીં.”

“પણ એ માટે તને એક ફેર્મ્યુલા બતાવું! જે ભાવતું ન હોય એ જ રસોઈમાં બનાવડાવવું, એટલે આપોઆપ ખોરાક ઘટી જશે!”  “એ તો મોંઘું પડે ભ’ઈ.”

“અરે મોંઘું પડે કે ઊલટાનો ફયદો થાય?”

“મોંઘું જ પડે,” બાબુએ કિચન તરફ નજર કરી સહેજ ધીમેથી કહ્યું, “ઘરમાં ભૂખ્યા રહીએે એટલે બહાર જઈને ખાવું પડે. આ સિવાયની બીજી ટિપ્સ હોય તો બતાવ.”

“એનો અમલ કરવાનો હોવ, તો બતાવું.”

“પહેલાં બતાવ તો ખરો.”

“ભાભીને પાંચ-છ મહિના સુધી એમના પપ્પાને ત્યાં રહેવા મોકલી દે.”

“મારે વજન ઉતારવાનું છે, ઊકલી નથી જવાનું. આખા ઘરમાં કરચાં-પોતાં, વાસણ-કપડાં અને સાઇડમાં નોકરી… ના બાબા ના, હજી તો મેં વીમોય નથી ઉતરાવ્યો. આ ન ફવે, એ સિવાયની કોઈ ટિપ્સ હોય તો બોલ.”

“છેલ્લી ટિપ્સ છે – ઈર્ષા કરવાની! જેટલો સમય મળે એમાં વધુ ને વધુ ઈર્ષા કરવા માંડ. એ ન ફવે તો ટેન્શનમાં રહેતાં શીખી જા. કંઈ નહીં તો છેવટે હિન્દી ન્યૂઝ ચેનલો જોવા માંડ…” “તો તો હું ગાંડો જ બની જાઉં ભ’ઈ…”

“એટલે તો કહું છું! ગાંડા થયા પછી વજન વધારવા કે ઘટાડવાની કોઈ ચિંતા જ નહીંને!”

ખરેખર, ગાંડો ચિંતામુક્ત હોય છે. નથી લાગતું કે આપણે સૌએ ચિંતામુક્ત થવું જોઈએ?!

સુગરક્યુબઃ

– તમે લગ્નપ્રસંગમાં ‘હસ્તમેળાપ’ની વિધિ રાખવાના છો?

– કેમ આમ પૂછો છો?

– અત્યારે કોરોના વાઇરસનું ચાલે છેને એટલે!

(ન્યૂ ચાણક્યના ‘અવળનીતિ શાસ્ત્ર’માંથી)

લાફ્ટર કાફે : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન