સૃષ્ટિનો સાથ - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS

સૃષ્ટિનો સાથ

 | 3:55 am IST

જો માનવી કશુંક સારું-ઉમદા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે, તો તે પૂર્ણ કરવાની તેની હિંમત ઘણી વધી જતી હોય છે. તમે કોઈ પણ કાર્યને તનમનથી ચાહવા લાગો, તો સમસ્ત સૃષ્ટિ તમને એમાં સફળતા અપાવવા માટેના પ્રયત્નમાં આપમેળે જોડાઈ જશે !

આનો સીધો અર્થ એ થાય, કે સૃષ્ટિનો સાથ એને જ મળે, જે કોઈને ઉપયોગી હોય તેવું કાર્ય કરે અથવા જગતને હિતકારી એવી યોજનાનો અમલ કરવા ઝંખતા હોય.

God helps them those who help themselves ! પરહિતના કામોમાં સાહસ કરી ઝુકાવનારને જ સૃષ્ટિનો સાથ અવશ્ય મળે જ. અગાઉ આપણા પૂર્વજો કહેતા હતા કે, *હિંમતે મર્દા તો મદદ ખુદા !*

ખોટું કરનારને પણ કોઈકના સાથની જરૂર તો પડે જ છે. પોતાના જેવા જ ઈરાદાવાળાની ટોળી બનાવી ગમે ત્યાં ત્રાટકે છે, પરંતુ આવા લોકો ઝડપાઈ જાય છે અને તેમનો અંજામ ઘણો બુરો આવે છે.

ખોટું કામ કરનારની સરખામણીએ સારું કામ કરનારમાં વધારે હામ-હિંમત વધારે ક્ષમતા-સજ્જતાની જરૂર રહે છે. જેમ કોઈ ઈમારતને જોઈતા સ્વરૂપે બાંધવા જતાં વર્ષો લાગે છે, પરંતુ તેને જમીનદોસ્ત કરવાના બુલડોઝરોને ઝાઝો સમય લાગતો નથી. તેમ જગતની કોઈ ઉમદા રચના કરનારને એના એ કામમાં વર્ષોના વર્ષો લાગે છે. આવા માનવહિતના કાર્યને હાનિ પહોંચાડનારને માટે ઝાઝા સમયની જરૂર હોતી નથી.

ખોટું કામ કરનારનું કામ ભલે સમયની દૃષ્ટિએ સહેલું છે, પરંતુ તેને પ્રકૃતિની આલમના ગેબી તત્ત્વોની ઈશ્વરની કૃપાની સહાય કદાપિ સાંપડતી નથી. એવી સહાય તો મળે છે સૃષ્ટિના શુભચિંતકને, જગતના હિત માટે ઝઝૂમતા શૂરવીર માણસને. સવાલ છે શ્રધ્ધાનો-સારું કાર્ય કરનારની શ્રદ્ધા અખંડ, અતુર હોવી જરૂરી છે. તેને હૃદયમાં ઊંડે ઊંડે એવી પ્રતીતિ હોવી જરૂરી છે કે, મારા આ સુકાર્યને સફળતા સાંપડવાની જ છે. સૃષ્ટિના શુભતત્ત્વો મારી વહારે હંમેશા આવવાના જ છે. આ કોન્ફિડન્સ તેમને જરૂરથી સૃષ્ટિના સાથથી સફળતા અપાવશે જ !