આખરે 18 વર્ષ બાદ Nike ફરી એકવાર IPLમાં પ્રવેશી રહી છે. વિશ્વની જાણીતી સ્પોર્ટ્સવેર કંપનીએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે બહુવર્ષીય ભાગીદારીની જાહેરાત કરી છે. આ કરાર 2027ની સિઝનથી લાગુ થશે અને તેના હેઠળ Nike મુંબઈ ઇન્ડિયન્સની પુરુષ તથા મહિલા ટીમોની સત્તાવાર કિટ પાર્ટનર બનશે. એટલે આગામી સિઝનથી ખેલાડીઓની જર્સી પર Nikeનો જાણીતો Swoosh લોગો જોવા મળશે.

https://x.com/mipaltan/status/2113149210593996972?a=jLlxxy0oeKdVXV-Is8g&s=20

2027થી નવી જર્સીમાં જોવા મળશે ખેલાડીઓ

Nike અને મુંબઈ ઇન્ડિયન્સે 21 ઑક્ટોબર 2026ના રોજ ભાગીદારીની જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ માત્ર મેચ દરમિયાન પહેરવામાં આવતી જર્સી જ નહીં, પરંતુ ટ્રેનિંગ કિટ, સ્પોર્ટ્સવેર અને કોચિંગ તથા ટેક્નિકલ સ્ટાફનાં કપડાં પણ Nike પૂરાં પાડશે. આ ભાગીદારી પુરુષોની IPL ટીમ અને મહિલા પ્રીમિયર લીગમાં રમતી મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ટીમ બંને માટે લાગુ પડશે. કંપની અને ફ્રેન્ચાઇઝી નવી કિટને બંને ટીમોની આગામી 2027ની સિઝન પહેલાં રજૂ કરશે. જોકે, નવી જર્સીની ડિઝાઇન અને ચાહકો માટેનાં સત્તાવાર મર્ચેન્ડાઇઝની કિંમત અંગે હજુ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. Nike અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમની ઓળખ, મુંબઈની સંસ્કૃતિ અને ચાહકોની પસંદગીથી પ્રેરિત ઉત્પાદનો રજૂ કરવાની યોજના ધરાવે છે.

2008 પછી પહેલીવાર IPLમાં વાપસી

Nike માટે આ ભાગીદારી ખાસ છે, કારણ કે કંપની છેલ્લે 2008માં IPLની ટીમ ડેક્કન ચાર્જર્સ સાથે જોડાયેલી હતી. ત્યાર બાદ લગભગ 18 વર્ષ સુધી Nikeની કોઈ IPL ફ્રેન્ચાઇઝી સાથે આવી કિટ ભાગીદારી નહોતી. હવે મુંબઈ ઇન્ડિયન્સ સાથેનો કરાર કંપનીને ફરીથી લીગના વ્યાપારી અને ચાહકવર્ગ સાથે જોડાવાની તક આપશે. ભારતીય ક્રિકેટ સાથે Nikeનો સંબંધ જોકે જૂનો છે. કંપની 2006થી 2020 સુધી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની કિટ સ્પોન્સર રહી હતી. ત્યાર બાદ ભારતીય ટીમની કિટ સાથે Adidasનું નામ જોડાયું. હવે મુંબઈ ઇન્ડિયન્સ સાથેની નવી ભાગીદારીથી Nike ફરી ભારતીય ક્રિકેટના મોટા મંચ પર દેખાશે. 

https://x.com/mipaltan/status/2113877593732866211?a=q_PKsdFWAgBihHdxGkQ&s=20

ચાહકો માટે પણ આવશે નવી રેન્જ

આ કરારનો વ્યાપ માત્ર મેદાન પૂરતો મર્યાદિત નથી. Nike અને મુંબઈ ઇન્ડિયન્સ ચાહકો માટે ટીમની ઓળખને અનુરૂપ કપડાં અને અન્ય મર્ચેન્ડાઇઝ પણ વિકસાવશે. આથી ટીમની જર્સી ઉપરાંત રોજિંદા ઉપયોગ માટેનાં સ્પોર્ટ્સવેર અને અન્ય ઉત્પાદનોની નવી રેન્જ જોવા મળી શકે છે. જોકે, ચાહકો માટે સૌથી મોટો સવાલ નવી જર્સીની કિંમતનો રહેશે. સત્તાવાર મર્ચેન્ડાઇઝ કેટલી કિંમતે ઉપલબ્ધ થશે અને અલગ-અલગ કિંમતનાં વિકલ્પો હશે કે નહીં, તે અંગે વધુ જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

મુંબઈ ઇન્ડિયન્સ માટે વ્યૂહાત્મક ભાગીદારી

મુંબઈ ઇન્ડિયન્સની ઓળખ તેની બ્લૂ-એન્ડ-ગોલ્ડ રંગસંગતિ અને વિશાળ ચાહકવર્ગ સાથે જોડાયેલી છે. Nike જેવી વૈશ્વિક બ્રાન્ડ સાથેની ભાગીદારીથી ટીમના સત્તાવાર મર્ચેન્ડાઇઝને નવી ઓળખ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચવાની તક મળી શકે છે. બીજી તરફ, Nike માટે પણ ભારતના ક્રિકેટપ્રેમીઓ સુધી પહોંચવાનો આ મોટો મંચ છે. હવે નજર 2027ની સિઝન પહેલાં થનારા નવી જર્સીના અનાવરણ પર રહેશે. ચાહકો એ જાણવા ઉત્સુક હશે કે Nike મુંબઈ ઇન્ડિયન્સની પરંપરાગત ઓળખને જાળવી રાખીને જર્સીમાં કયા નવા ફેરફારો લાવે છે.

આ પણ વાંચો: 'Jadejaને 800 વાર આઉટ કરૂ તોપણ એ બદલો પૂરો ન થાય', વકાર યુનુસનો 30 વર્ષ જૂનો ઘા !