Crime will now be lodged against rioters demanding 'Dapu': Commissioner
  • Home
  • Gujarat
  • કિન્નરો દ્વારા ‘દાપુ’ને મુદ્દે દાદાગીરી અને તાનાશાહી સામે પોલીસ કમિશનરની લાલ આંખ

કિન્નરો દ્વારા ‘દાપુ’ને મુદ્દે દાદાગીરી અને તાનાશાહી સામે પોલીસ કમિશનરની લાલ આંખ

 | 4:03 pm IST

ઘરમાં પુત્ર રત્નના જન્મની ખુશાલી હોય, પરિવારમાં દિકરો કે દિકરીના લગ્નપ્રસંગનો હરખ હોય કે પછી નવા ધંધાકીય સાહસનું ઉદ્ઘાટન હોય, પરાપૂર્વથી કિન્નરોને બક્ષિસ આપી તેમના આશીષ મેળવવાનો સમાજમાં વણલખ્યો રિવાજ ચાલી આવ્યો છે. ખુશીના અવસરે ઘરઆંગણે આવી હરખભેર આર્શિવાદ આપતા કિન્નરોની ઝોળી સુરતીઓ છલકાવી દે છે. આ હકીકત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કિન્નરો દ્વારા ‘દાપુ’ને મુદ્દે દાદાગીરી કરવામાં આવી રહી હોવાની શહેરભરમાં ચર્ચા ઉઠી છે. પ્રસંગમાં પહોંચી રંગમાં ભંગ પાડતા અને દાપુ માટે સરાજાહેર મનમાની કરી રકમ પડાવતા આવા કિન્નરો સામે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે લાલઆંખ કરી છે.

શહેરના લિંબાયત વિસ્તારમાં ત્રણ માસ અગાઉ રાજસ્થાની યુવાનની કિન્નરોએ હત્યા કરી હતી. પત્નીએ પુત્રને જન્મ આપતા પરિવારના ઉંબરે દાપુ લેવા પહોંચેલા કિન્નરો ચોક્કસ રકમની માંગણી સાથે આખો વિસ્તાર માથે લીધો હતો. બંને પક્ષે થયેલી માથાકૂટને અંતે ઉગ્ર થયેલા કિન્નરોએ નવા-સવા પિતા બનેલા યુવાનની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. પરિવારમાં પુત્ર જન્મની ખુશાલી વચ્ચે છવાયેલા ઉમંગના માહોલમાં એકાએક માતમ છવાઇ ગયો હતો. આ ચકચારી બનાવને શહેર પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે ખૂબ ગંભીરતાથી લીધો છે. મંગળવારે પોલીસ અધિકારીઓની મળેલી એક બેઠકમાં પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને ‘દાપુ’ને મુદ્દે કિન્નરો દ્વારા ચલાવાઇ રહેલી દાદાગીરી સામે ફરિયાદ ઉઠે તો તાત્કાલિક ગુનો દાખલ કરવા સ્પષ્ટ આદેશ કર્યો હતો. આ સાથે જ શહેરીજનોને પણ કિન્નરોની તાનાશાહી સામે તાબે નહીં થવા તાકીદ કરી તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ કમિશ્નરે અપીલ કરી હતી.

વિસ્તાર પ્રમાણે કિન્નરોનો ડેટા એકત્ર કરાશે

શહેરમાં વિસ્તાર દીઠ દાપુ ઉઘરાવતા કિન્નરોની સંખ્યા કેટલી છે? કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલા કિન્નરો વસવાટ કરી રહ્યાં છે? ગુનાઇત ઇતિહાસ છે કે કેમ? વિગેર સહિતની તમામ જાણકારી સહિત પોલીસ મથક પ્રમાણે કિન્નરોની ડેટા બેંક ઊભી કરવા કવાયત હાથ ધરાઇ છે. પોલીસ કમિશનરે મંગળવારની બેઠકમાં તમામ ઇન્સ્પેક્ટરોને તેમના કાર્ય વિસ્તારમાં વસવાટ કરતા કિન્નરોનો ડેટા એકત્ર કરવા આદેશ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ : ફિલ્મ તાન્હાજી ધ અનસંગ વૉરિયરનું ટ્રેલર રિલીઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન