Crop guar, A summer crop that makes the soil fertile
  • Home
  • Agro Sandesh
  • જમીનને ફળદ્રુપ બનાવતો, ઉનાળામાં થતા ગુવાર પાક અંગે જાણો બધી જ માહિતી

જમીનને ફળદ્રુપ બનાવતો, ઉનાળામાં થતા ગુવાર પાક અંગે જાણો બધી જ માહિતી

 | 12:00 pm IST

ગુવાર એ અગત્યનો શાકભાજીનો પાક છે. ગુવારની કુમળી શીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ગુવારની શાકભાજી માટેની જાતો દાણાના ઉત્પાદન માટેની જાતો કરતાં ગુણવત્તાની દ્રષ્ટિએ અલગ હોય છે. આ જાતોની શીંગો સુંવાળી, રૃવાંટી વગરની, લાંબી અને સ્વાદિષ્ટ હોય છે જ્યારે દાણા માટેની જાતોની શીંગો પ્રમાણાં ટૂંકી, રૃંવાટીવાળી અને સ્વાદમાં સાધારણ કડવાશવાળી તુછરી હોય છે. ગુવારની લીલી શીંગોમાં સાધારણ રેસાવાળો કાર્બોદિત પદાર્થ, વિટામિન ‘એ’ તેમજ ‘સી’ અને લોહ તત્ત્વ પ્રમાણમાં વિશેષ હોય છે. ગુવાર કઠોળ વર્ગનો શાકભાજીનો પાક હોવાથી શાકભાજી ઉગાડતા ખેડૂતોની જમીનની ફળદ્રુપતા સુધારવા માટે એક અગત્યનો પર્યાય છે. ગુજરાત રાજ્યમાં શાકભાજી માટે ગુવારની ખેતી મુખ્યત્વે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થાય છે. તેમ છતાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં વત્તાઓછા પ્રમાણમાં શાકભાજી માટે ગુવારનું વાવેતર થાય છે.

આબોહવા

ગુવાર એ અર્ધ સૂકા વિસ્તારનો ખરીફ ઋતુનો પાક છે જેથી આ પાકને સાધારણ ગરમ અને ભેજ રહિત વાતાવરણ વધારે માફક આવે છે. ગુવારની શાકભાજી પાક તરીકે ખેતી ચોમાસા ઉપરાંત ઉનાળુ ઋતુમાં પણ કરવામાં આવે છે. આ પાકને વધારે પડતી ગરમી (૪૦ંથી ૪૫ં સે.) તેમજ શિયાળાનું નીચું તાપમાન અનુકૂળ આવતું નથી. વધુ પડતી ગરમીમાં પરાગરજ સૂકાઈ જવાના કારણે છોડ ઉપર શીંગો બેસતી નથી. આ પાકને સતત વરસાદ કે વધુ પડતો ભેજ બિલકુલ અનુકૂળ આવતો નથી. વધારે ભેજના કારણે પાકની સતત વાનસ્પતિક વૃદ્ધિ થાય છે.

જમીન અને જમીનની તૈયારી

ગુવારના પાકને વધુ પડતી કાળી ચીકણી તેમજ પાણીનો ભરાવો થઈ રહે તે સિવાયની દરેક પ્રકારની જમીન અનુકૂળ આવે છે. ક્ષારીય જમીન અને ક્ષારીય પાણી આ પાકને બિલકુલ અનુકૂળ આવતાં નથી.આ પાકના વાવેતર પહેલાં જમીનમાં એક હેકટરે ૧૦-૧૨ ટન છાણિયું ખાતર આપી, આડી ઊભી ખેડ કરી, સમાર મારી જમીન તૈયાર કરવી. ચોમાસામાં શાકભાજી માટે ગુવારની ખેતી વરસાદનું પ્રમાણ ઘટયા પછી થતી હોવાથી તેમજ ઉનાળુ ખેતીમાં પાકને સમયાંતરે પાણી આપવું પડતું હોવાથી યોગ્ય કદના ક્યારા બનાવી વાવણી કરવાથી પિયત આપવામાં અનુકૂળતા રહે છે અને જમીનમાં પાણીનો ભરાવો થતો નથી.

ગુવારના પાકમાં શાકભાજી તરીકે વપરાતી જાતો

પુસા નવબહાર  

આપણા રાજ્યમાં શાકભાજી તરીકે ખૂબ પ્રચલિત અને માંગવાળી જાત છે. આ જાત ખૂબ જ ઠંડીના સમયગાળા સિવાય વર્ષ દરમિયાન કોઈપણ ઋતુમાં વાવી શકાતી હોવાથી તેને નવબહાર નામ આપેલ છે. આ જાતનો છોડ ડાળીઓ વગરનો સીધો વધતો હોય છે, છોડ ઉપર શીંગો ઝૂમખામાં સતત આવતી હોય છે. ઝૂમખામાં આવેલી મોટા ભાગની શીંગો એકસાથે તૈયાર થાય છે જેથી વીણી કરવામાં ખૂબ જ અનુકૂળતા રહે છે. આ જાતની શીંગો ૧૫ સેમી જેટલી લાંબી, તલવાર આકારની, પાતળી, સુંવાળી ઉત્તમ ગુણવત્તાવાળી હોય છે. આવેલ શીંગોમાં દાણા જલદી ભરાતા નથી તેમજ દાણાનું કદ શીંગના પ્રમાણમાં નાનું રહેતું હોવાથી આ જાત શાકભાજી માટે ખૂબ જ અનુકૂળ છે. આ જાત જીવાણુથી થતા બેક્ટેરીયલ બ્લાઈટ નામના રોગ સામે પ્રતિકારક શક્તિ સાધારણ ઓછી હોવાથી ચોમાસાની ઋતુમાં ઓગસ્ટ માસ પછી વાવતેર કરવું હિતાવહ છે. આ જાતની લીલી શીંગોની પ્રથમ વીણી ૪૫-૫૦ દિવસથી મળવાની શરૃઆત થાય છે.

પુસા સદાબહાર 

આ જાતની વાવણી અતિ તીવ્ર ઠંડી સિવાય વર્ષ દરમિયાન કોઈપણ ઋતુમાં હોવાથી તેને સદાબહાર તરીકે ઓળખવામાં આવે છે અર્થાત્ બંને ઋતુ માટે અનુકૂળ જાત છે. આ જાતના છોડ ડાળીઓ વગરના અને વાવેતર બાદ ૫૫ દિવસ પછી પ્રથમ વીણી શરૃ થાય છે પરંતુ શીંગોની ગુણવત્તા નબળી હોવાથી આ જાતની શીંગોમાં માંગ ઓછી રહે છે અને પ્રમાણમાં ખૂબ જ ઓછું વાવેતર થાય છે.

વાવણી સમય-અંતર  

ચોમાસુ ઋતુ માટે ઉત્તર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા વિસ્તારમાં જુલાઈના બીજા અઠવાડિયામાં અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ હળવો થયા પછી ઓગસ્ટ માસ પછી વાવેતર કરવું. ઊનાળુ પાક માટે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં વાવેતર કરવામાં આવે છે. ગુવારમાં સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૪૫ સેમી અને ચાસમાં બે છોડ વચ્ચે ૧૫થી ૨૦ સેમીનું અંતર રાખવામાં આવે છે.

બિયારણનો દર અને બીજ

માવજત  

શાકભાજીના હેતુ માટે હેકટરે ૭થી ૧૦ કિગ્રા બિયારણની જરૃર પડે છે. આ બિયારણને વાવતા પહેલા રાઈઝોબિયમ કલ્ચરની માવજત (૨૫૦ ગ્રામ/૧૦ કિગ્રા ગુવાર બીજ) આપી બીજનું વાવેતર કરવું.ઉનાળુ ઋતુની વાવણી માટે રોપણી સમયે વધારે ઠંડી હોય તો બિયારણને બે કલાક જેટલો સમય ચૂનાના નિતર્યા પાણીમાં બોળી રાખ્યા પછી સૂક્વી વાવણી કરવાથી ઉગાવો સારો થાય છે.

ખાતરમાં કાળજી

જમીન તૈયાર કરતી વખતે આપેલ છાણિયા ખાતર ઉપરાંત હેકટરે ૨૫ કિગ્રા નાઈટ્રોજન અને ૪૦ કિગ્રા ફોસ્ફરસ વાવણી પહેલાં પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતરના રૃપમાં જમીનમાં આપવું. ગુવારના પાકને વધારે પડતું નાઈટ્રોજનયુક્ત ખાતર તેમજ પૂર્તિ ખાતરના રૃપમાં નાઈટ્રોજન આપવાથી વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે અને ફળ તેમજ શીંગો પ્રમાણમાં ઓછી થાય છે.

ચોક્કસ સમયે પિયત  

ગુવારમાં પાકને માફકસર પિયત આપવું જોઈએ. પાકના ઉગાવા પછી જમીનમાં સતત ભેજ રહે અથવા તો વારંવાર પિયત આપવાથી ફક્ત છોડની વાનસ્પતિક વૃદ્ધિ જ થાય છે અને છોડ ઉપર ફૂલ-શીંગ આવતા નથી જેથી પાકના ઉગાવા પછી ફૂલ આવવાની શરૃઆત ન થાય ત્યાં સુધી પિયત આપવું નહીં. છોડ ઉપર ફૂલ આવી નાની શીંગો બેસવાની શરૃઆત થાય ત્યારબાદ જમીનની પ્રત પ્રમાણે ૧૨-૧૫ દિવસના સમયાંતરે પિયત આપવું.

નીંદામણ અને આંતરખેડ  

ગુવારના પાકમાં નીંદામણ કરવાની આવશ્યકતા જણાય તે મુજબ હાથથી નીંદામણ કરવું. શરૃઆતના વૃદ્ધિકાળ દરમિયાન આંતરખેડ કરી જમીન ખુલ્લી રાખવી તેમજ છોડના થડમાં સાધારણ માટી ચડે તે મુજબ કરબડી કાઢવી.

કાપણી અને ઉત્પાદન  

ગુવારની વાવણી બાદ ૫૦થી ૬૦ દિવસે લીલી કુમળી શાકભાજી માટેની શીંગો તૈયાર થાય છે. વીણી ૪-૫ દિવસના સમયાંતરે કરવી. શીંગો લગભગ બે માસ સુધી ઉતરવાની ચાલુ રહે છે. પુસા નવબહારનું જાતનું એક હેકટરે લીલી શીંગોનું ઉત્પાદન ૧૨થી ૧૫ હજાર કિલોગ્રામ જેટલું મળતું હોય છે.

આંતરપાક  

ગુવારના પાકને બાજરી, મગ, મઠ વગેરે પાકો સાથે આંતરપાક તરીકે લેવામાં આવે છે. ગુવારના પાકમાં સુધારેલી જાતો લભ્ય થવાથી એકલા પાક તરીકે વાવેતર કરવાનું ચલણ વધેલ છે. બાજરી અને જુવાર સાથે ૩:૧ અથવા ૨:૧ ના પ્રમાણમાં આંતરપાક તરીકે લેવાથી ઘાસચારાની પોષણ ગુણવત્તા વધે છે, તેમજ એકમ વિસ્તારમાં એકલા ગુવાર કરતાં વધારે આર્િથક વળતર મળે છે.

  • શ્રી વી.આઈ.જોષી, ડો.એ.વી.કોટેચા,

ડો.આર.આર.આચાર્ય

મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃયુ., આણંદ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન