પાક. સામે ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર શેની શરમ નડે છે? – Sandesh
NIFTY 10,319.60 -132.70  |  SENSEX 33,604.07 +-406.69  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પાક. સામે ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર શેની શરમ નડે છે?

પાક. સામે ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર શેની શરમ નડે છે?

 | 3:18 am IST

ફોર્થ ડાઇમેન્શન :-  વિનોદ પંડયા

પાકિસ્તાનનાં લશ્કરે એન્ટિ-ટેન્ક મિસાઇલ ફેંકી હતી અને સરહદ પર કેપ્ટન કપિલ કુંડું અને બીજા ત્રણ જવાનો શહીદ થયા. પ્રજા ખૂબ રોષે ભરાઈ છે તે નાનાં નાનાં ઓનલાઇન સર્વેક્ષણો પરથી સમજાય છે. આ વખતના રોષને વધુ વાજબી ઠરાવવાનાં કેટલાંક કારણો પણ છે. કેપ્ટન કુંડુંની અંતિમ યાત્રા વખતે કોઈ ભાષણબાજ નેતા હાજર ન રહ્યા. અમસ્થા પોતાની તકદીરને ચમકતી રાખવાની એક પણ તક તેઓ જતી કરતા નથી. વિદાયયાત્રામાં ગયા હોત તો અપમાન થવાની સંભાવના હતી. ન્યૂઝ ચેનલો પર એ દૃશ્ય રજૂ થયાં ત્યારે ઝી ટીવીની એન્કર રૂબિકા લિયાકત રાજકીય પક્ષોને સવાલ કરીને રડી પડી. આજે ડિબેટો પારાવાર થાય છે પણ રૂબિકા જેટલું સરળ, સચોટ લોજિક, તટસ્થ ઝનૂન બીજે જોવા મળતાં નથી. રૂબિકાએ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને શરૂઆતમાં જ કહી દીધું કે તમારે પાકિસ્તાનના હુમલાની નિંદા કરવાની નથી, શહીદોના પરિવારને સાંત્વના આપવાની નથી અને ભાજપ તેઓની સાથે જ છે તેમ કહેવાનું નથી, કારણ કે આવું સાંભળી સાંભળીને અમારા કાન પાકી ગયા છે અને બોલો, હંમેશાં સ્ક્રીન પર આંગળી ઊંચી કરીને બેસતા સંબિત પાત્રા પાસે આ મુદ્દે બીજું ખાસ કશું કહેવાનું ન હતું. એમણે આંકડા રજૂ કર્યા કે પાકિસ્તાને અમુક દિવસે અમુક હુમલો કર્યો ત્યારે ભારતીય સેનાએ આ જવાબ આપ્યો.

રૂબિકા, સૈન્યના ભૂતપૂર્વ હોદ્દેદારો અને સુરક્ષાનિષ્ણાતોનું કહેવું હતું કે આ આંકડાબાજી કરવાનો સમય નથી. પાકિસ્તાનને એવો જખમ આપવામાં આવે કે તે આવી હરકતો કરતો બંધ થઈ જાય. ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર શેની શરમ નડે છે તે સમજાતું નથી. પાકિસ્તાન સાથે વેપારી સંબંધો ચાલુ રાખવા છે, હિંગ ખરીદવી છે, ક્રિકેટ રમવું છે. ભારતની નદીઓમાંથી પાકિસ્તાનમાં જતું પાણી બંધ કરવું નથી. કાશ્મીરમાં અલગતાવાદીઓને પોષતી રાજ્યની પીડીપી સરકાર સાથે ભાજપને ભાગીદારી કરવી છે. કોંગ્રેસનાં શાસન વખતથી અમેરિકા અને દુનિયાના વગદાર દેશો સમક્ષ ભારત માગણી કરી રહ્યો છે કે પાકિસ્તાનને ત્રાસવાદી દેશ જાહેર કરો પણ ખુદ ભારત પાકિસ્તાનને ત્રાસવાદી રાષ્ટ્ર જાહેર કરતો નથી. આપણી લડાઈ આપણે લડવી નથી અને બીજાઓ આપણા વતી લડે તેવી અપેક્ષા રાખવી છે. બલૂચિસ્તાનના મુદ્દે પાકિસ્તાનને પજવી શકાય અને તેને વેરવિખેર કરી શકાય તેમ છે. વડા પ્રધાને અગાઉ એક વખત હિન્ટ આપી પછી ભારત સરકારે દેશનિકાલ થયેલા બલૂચી નેતાઓને ભારતમાં આશ્રય આપ્યો નથી કે મદદ કરી નથી. તેઓની અરજીઓ પર ભારતે ઠંડું પાણી રેડયું છે. બીજી બાજુ પાકિસ્તાન ખાલિસ્તાની ત્રાસવાદીઓને કેનેડા અને યુરોપમાં પ્રોત્સાહન આપી રહ્યો છે. આવી ઘટનાઓ જ ભારતનાં મનોબળને, રાજકીય ઇચ્છાશક્તિને નબળી ચીતરે છે. દિલ્હીમાં પાકિસ્તાનનું સૌથી મોટું અને જબરું રાજદૂતાવાસ છે. સંબંધો એવા સારા નથી કે આવડા મોટા રાજદૂતાવાસની જરૂર પડે. પાકિસ્તાની રાજદૂતોના મોટા કાફલાને પાકિસ્તાન પરત મોકલીને, તેનું કદ ઘટાડીને અને બને તો આખું દૂતાવાસ બંધ કરીને સંબંધ કાપી નાખવાની જરૂર છે, તો જ ભારતના ઇરાદાઓની પાકિસ્તાનને સમજણ પડશે. આમેય તેઓનો કાફલો ભારતમાં અલગતાવાદીઓને અને એ રીતે ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપવામાં અને જાસૂસી કરવામાં જ વ્યસ્ત છે. ભારત ખાતેના પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચ આયુક્ત અબ્દુલ બાશિત કાશ્મીરી અલગતાવાદીઓ સાથે ભારત સરકારને જાણ કર્યા વગર મિટિંગો ગોઠવતા હતા. બાશિત તો ભારતમાં રહીને ભારત માટે અપમાનજનક ભાષા વાપરતા હતા. એમ હતું કે બિરયાનીના વિરોધી ભાજપની કેન્દ્રમાં સરકાર આવશે ત્યારે સ્થિતિ બદલાશે, કારણ કે ભારતના નેતાઓ, ખાસ કરીને રવિશંકર પ્રસાદ વગેરે કહેતા કે સરહદ પર ગડબડ એટલા માટે છે કે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના વડા પ્રધાન અને નેતાઓનાં મગજમાં ગડબડ છે પણ હવે એ નેતાઓ નથી અને સરહદ પર ગડબડ ખૂબ વધી છે. ભાજપની પાકિસ્તાન અને કાશ્મીર વિષેની નીતિ સ્પષ્ટ નથી. પ્રસંગો પ્રમાણે નીતિ બદલાતી રહે છે, એટલું ખરું કે પાકિસ્તાન સાથે સુમેળ સાધવાના શાંતિપ્રયત્નો વડા પ્રધાને કર્યા પણ પાકિસ્તાન શાંતિ ઇચ્છતો ના હોય તો ભારતે શું કરવું જોઈએ તેનો પ્લાન હજી ક્યાંય દેખાતો નથી અને ભારતીય સેનાના યુવાનો ભોગ બની રહ્યા છે. આ વરસના પ્રારંભમાં જ કુલ બાર જવાનો શહીદ થયા છે. છેલ્લાં ત્રણ વરસમાં સાડા ત્રણસો જવાન શહીદ થયા છે તેમ કોંગ્રેસ કહે છે, જોકે ત્રાસવાદીઓને મોટી સંખ્યામાં નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે અને તેઓની કમર તોડવામાં ભારતીય સેના સફળ રહી છે, છતાં આવાં નાનાં લોકલ યુદ્ધો કરવાથી પાકિસ્તાનની સમજમાં કશું આવવાનું નથી.

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ભારતે એકલો પાડી દીધો છે તેવો દાવો થાય છે પણ ભારતે અબજો ડોલરનાં શસ્ત્રો ખરીદ્યાં હોવા છતાં રશિયા પાકિસ્તાનને પણ વહાલો રાખે છે. ચીને તો પાકિસ્તાનને ખોળામાં લીધો છે. પાકિસ્તાનને દુનિયાના સમુદાયથી અલગ પાડી દો તો પણ બેશરમને કશો ફરક પડતો નથી. અમેરિકાની ધમકીથી પાકિસ્તાન ડરતો નથી અને હમણા પાકિસ્તાનની મદદથી તાલિબાને અફઘાનિસ્તાનના કાબુલમાં ત્રાસવાદી હુમલો કરાવ્યો જેમાં ૧૦૫ નાગરિકો અને અધિકારીઓ માર્યા ગયા.

યુદ્ધ નહીં કરવાનાં ભારત પાસે અનેક કારણો છે, ઘણાં વાજબી પણ છે. ભારત એક વિકાસશીલ દેશ છે અને પ્રગતિ કરી રહ્યો છે. યુદ્ધ બને ત્યાં સુધી નિવારવું જોઈએ પણ આ આપણે સામે ચાલીને યુદ્ધ ન કરવું તે માટેનો નિયમ છે. પાકિસ્તાન અઘોષિત યુદ્ધ આદરે ત્યારે ભારતે યુદ્ધ ન કરવું તેવો નિયમ અપનાવી શકાય નહીં. પ્રથમ તો તેને ભારત તરફથી મળતું પાણી બંધ કરો. કાશ્મીરી નેતાઓને જેલમાં પૂરી દો. તેઓને મળતી અબજો રૂપિયાની સહાયનો પ્રવાહ બંધ કરો. પથ્થરબાજો પર કોઈ મહેરબાની ન કરો. દિલ્હીમાં રાજદૂતાવાસનો દુરુપયોગ અટકાવો તો સરકારની નીતિમાં કોઈ ગંભીરતા દેખાય. સમય પ્રમાણે નીતિ બદલવી પડશે અને આ સમય પાકિસ્તાને ભારત પર ઠોકી બેસાડયો છે તેથી દુનિયાના સમુદાયની ચિંતા કરવાની જરૂર નથી. ઇઝરાયેલે ક્યારેય આવી ફાલતું ચિંતા કરી નથી. છતાં આર્થિક પ્રગતિ પણ અદ્ભુત કરી છે.