કરોડોની કિંમતનું તા.પં. સંકુલ સમયાંતરે કાટમાળમાં ફેરવાયું - Sandesh
  • Home
  • Mehsana
  • કરોડોની કિંમતનું તા.પં. સંકુલ સમયાંતરે કાટમાળમાં ફેરવાયું

કરોડોની કિંમતનું તા.પં. સંકુલ સમયાંતરે કાટમાળમાં ફેરવાયું

 | 12:49 am IST

। મહેસાણા ।

મહેસાણા શહેર મધ્યે જ આવેલા તાલુકા સંકુલમાં દાયકાઓ  અગાઉ ટીડીઓ સહિત સ્ટાફ માટે નિર્માણ પામેલાં ક્વાટર્સ તેમજ  આરોગ્ય, મિકેનિકલ સિંચાઈ (પંચાયત)ની કચેરીઓની કરોડો  રૂપિયાની મિલકતો કાટમાળ બની ગઈ છે. આ ઈમારતોમાં પીંપળનાં  મોટાં વૃક્ષો ઉગી નીકળ્યાં છે, કેટલાંક વૃક્ષોની વિશાળ ડાળીઓ  આ ઈમારતોની છત ઉપર પથરાઈ છે, વિલાયતી નળિયાંથી  બનાવવામાં આવેલાં છાપરાં તૂટી પડયાં છે અને જે બીમ ઉપર  સ્લેબ ભરવામાં આવ્યા છે તે બીમ જ છતના સહારે લટકી રહ્યા છે.

શહેરની મધ્યમાં અને બજાર વચ્ચે આવેલી તાલુકા પંચાયત  સંકુલની આ જમીનની કિંમત કરોડો રૂપિયામાં જ અંકાઈ શકે તેમ  છે. સ્ટાફ ક્વાર્ટરમાં રહેવું પણ જોખમી છે. તેમ છતાં ન છૂટકે  એકાદ-બે પરિવારો વસવાટ કરે છે. એક ખખડધજ ઈમારતમાં આરોગ્ય  વિભાગની કચેરી ચાલે છે. એક સમયે કર્મચારીઓથી ધમધમતું  આ સંકુલ આજે બેહાલ બન્યું છે.

ઉલ્લેખપાત્ર છે કે, મહેસાણા તાલુકા પંચાયત સંકુલની આ  જમીન ખુલ્લી કરી નવનિર્માણ કરવામાં આવે તો અહીં બહુમાળી  સંકુલ બની શકે તેમ છે. સરકારી કચેરીઓ ઉપરાંત કોમર્શિયલ  કોમ્પલેક્ષ પણ બની શકે તેમ છે. છતાં ઈચ્છાશક્તિના અભાવે  કરોડોની આ મિલકત કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. અહેવાલ વચ્ચે  ઈન્સેટ કરેલી તસ્વીરમાં મહેસાણા તાલુકા પંચાયત સંકુલમાં  આવેલી ઈમારતોની દુર્દશાને ઉજાગર કરે છે. શહેરમાં સ્ટેશન રોડ  ઉપર સાધુઓના ઉતારા માટે વપરાતી ધર્મશાળાને તોડી જેમ  વિશાળ વ્યાપારી સંકુલ ઉભું કરાયું તેમ આ સ્થળે પણ આયોજન  કરાય તો સ્વભંડોળની આવકમાં વધારો થઈ શકે તેમ છે.