સીઆરપીએફ કેમ્પમાં ૩૨ કલાક પછી બે આતંકી ઠાર - Sandesh
  • Home
  • Ahmedabad
  • સીઆરપીએફ કેમ્પમાં ૩૨ કલાક પછી બે આતંકી ઠાર

સીઆરપીએફ કેમ્પમાં ૩૨ કલાક પછી બે આતંકી ઠાર

 | 5:17 am IST

જમ્મુ :

કાશ્મીરનાં જમ્મુમાં મંગળવારે સવારે દોમાના સૈન્ય છાવણી પર ફરી એકવાર આતંકી હુમલો કરાયો હતો. જો કે સૈન્ય છાવણીનાં ગેટ પર તહેનાત સુરક્ષાજવાનોની સતર્કતાને કારણે આ હુમલો નિષ્ફળ બનાવાયો હતો. પોલીસનાં જણાવ્યા મુજબ સવારે ૪.૩૦ કલાકે મોટરસાઇકલ પર આવેલા બે આતંકીઓએ ગેટ પર ઊભેલા જવાનો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. ભારતનાં સૈનિકોએ વળતો ગોળીબાર કરતા બંને આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આતંકીઓને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

બીજી તરફ શ્રીનગરનાં કરણનગર ખાતે સીઆરપીએફ કેમ્પ પર ૩૨ કલાક ચાલેલી સૈન્ય કાર્યવાહી પછી બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માનવ વસતી અને રહેણાક વિસ્તારને કારણે આતંકીઓને ઠાર મારવામાં વિલંબ થયો હતો. હજી કોઈ આતંકી છુપાયો હોય તો તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રખાયું હતું. કાશ્મીરના આઈજીપી સ્વયંપ્રકાશ પાણીએ એન્કાઉટન્ર સમાપ્ત થયાની જાહેરાત કરી હતી. જો કે કોઈ આતંકી છુપાયા હોય તો તેને શોધવાનું અભિયાન ચાલુ રખાયું છે. આ વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા સૈનિકો પર પથ્થરમારો શરૂ કરાયો હતો. સુરક્ષા દળોએ આ વિસ્તારને સોમવારે રાત્રે ખાલી કરાવ્યો હતો અને ફાયરિંગ રોક્યું હતું. સોમવારે આતંકીઓનાં ફાયરિંગમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. લશ્કર-એ -તોયબા દ્વારા આ હુમલો કરાયો હતો. આતંકીઓ પાસેથી મોટા જથ્થામાં આધુનિક હથિયારો મળી આવ્યા હતા.

ત્રીજી તરફ સુંજુવાન આર્મી કેમ્પ પરના હુમલામાં છઠ્ઠા જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ સુંજુવાન હુમલામાં મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો હતો.

મોદીની ૫૬ ઈંચની છાતી એક વધુ જુઠ્ઠાણું : આઝાદ

કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, મોદીની ૫૬ ઈંચની છાતી એક વધુ જુઠ્ઠાણું છે. ૭૦ વર્ષમાં આ સરકાર સૌથી નબળામાં નબળી સરકાર છે. અગાઉની સરકારો સત્તા પર હતી ત્યારે કાશ્મીરમાં આટલા હુમલા થયા ન હતા.

ભારતને તેની ભાષામાં જ જવાબ આપીશું : પાક.

છેલ્લા ચાર દિવસથી કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલા પછી જો ભારત પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરશે કે હુમલો કરશે તો ભારતને તેની ભાષામાં જ આક્રમક જવાબ આપીશું તેવી ધમકી પાકિસ્તાને આપી હતી. પાક.નાં સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીરે કહ્યું કે જો ભારત કોઈ આક્રમક પગલું ભરશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું.

લોખંડનું પાતળું પતરું તોડીને આતંકીઓ ઘુસ્યા

સુંજુવાન આર્મી કેમ્પની બાજુમાંથી પસાર થતા નાળા પર લોખંડનું પાતળું પતરું ફિટ કરવામાં આવ્યું હતું જેને કાપીને આતંકીઓ ત્યાંથી કેમ્પમાં ઘુસ્યા હોવાનું માનવામાં આવે છે. આમ કાશ્મીરમાં આર્મી કેમ્પની આસપાસ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરાઈ ન હોવાની સત્તાવાળાઓની પોલ ખૂલી ગઈ હતી.

સુંજુવાન હુમલામાં સાત શહીદો પૈકી પાંચ કાશ્મીરી મુસલમાન

સુંજુવાન હુમલામાં જે ૭ જવાનો શહીદ થયા તે પૈકી પાંચ કાશ્મીરી મુસલમાન હતા તેમ AIMIMનાં પ્રમુખ ઓવૈસીએ જણાવ્યું હતું. જનાજામાં લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ભાજપ અને પીડીપી સરકાર સાથે બેસીને મલાઈ ખાઈ રહી છે.

મેજરે ભાનમાં આવતા પૂછયું, આતંકીઓનું શું થયું?

સુંજુવાન હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મેજર અભિજિતની સર્જરી કરવી પડી હતી. આમ તેઓ હોસ્પિટલમાં સારવાર વખતે ૩-૪ દિવસ દુનિયાના સમાચારોથી અલિપ્ત હતા. તેઓ સર્જરી પછી ભાનમાં આવ્યા ત્યારે સૌથી પહેલા તેમણે સાથીઓને સવાલ પૂછયો હતો કે, આતંકીઓનું શું થયું? તેઓ તબિયત સારી થાય કે તરત જ ફિલ્ડમાં જવા અને ફરી હથિયાર ઊચકીને લડવા માટે તત્પર હતા.