J&Kમાં આતંકીઓ સામે જીવ જોખમમાં મૂકીને લડતા જવાનોની સુરક્ષા માટે લેવાયું મોટું પગલું - Sandesh
  • Home
  • India
  • J&Kમાં આતંકીઓ સામે જીવ જોખમમાં મૂકીને લડતા જવાનોની સુરક્ષા માટે લેવાયું મોટું પગલું

J&Kમાં આતંકીઓ સામે જીવ જોખમમાં મૂકીને લડતા જવાનોની સુરક્ષા માટે લેવાયું મોટું પગલું

 | 10:31 am IST

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ સામે જીવના જોખમે લડત લડી રહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)એ પોતાના જવાનોની સુરક્ષા માટે 183 હળવા બુલેટપ્રુફ વાહન અને 27500 બુલેટપ્રુફ જેકેટ્સ ખરીદવાનો નિર્ણય લીધો છે. અઘિકારીનું કહેવું છે કે સરકાર હિજબુલ કમાન્ડર બુરહાન વાનીના મોત બાદથી બનેલી અશાંત પરિસ્થિતિમાં હિંસા સામે ઝઝૂમી રહેલા સુરક્ષાદળના જવાનોને સંપૂર્ણ સુરક્ષા આપવા માંગે છે.

CRPF, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના કાફલાને આતંકીઓ દ્વારા નિશાન બનાવાય છે. ગત કેટલાક વર્ષોમાં આ પ્રકારના હુમલાઓમાં લગભગ 150 જેટલા જવાનો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. એ વાત પણ સામે આવી છે કે આ હુમલામાં મોટા ભાગના મોત બુલેટપ્રુફ જેકેટની અછતના કારણે થયા છે. આ જેકેટ નાના હથિયારો અને રાઈફલોથી છોડાયેલી ગોળીઓ સામે જવાનોને સુરક્ષા આપે છે.

CRPF હાલ કુલ 27412 આંતરરાષ્ટ્રીય સ્તરના જેકેટ ખરીદી રહી છે. આ જેકેટ અમેરિકા અને યુનાઈટેડ કિંગડમ તથા ફ્રાન્સ જેવા અન્ય પશ્ચિમી દેશોના જવાનો ખાસ કરીને પહેરે છે. આ મહિનાની શરૂઆતમાં તેને લઈને એક ગ્લોબસ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. CRPFએ જિપ્સી અથવા રક્ષક જેવા 183 બુલેટપ્રુફ વાહન ખરીદવા માટે પણ ટેન્ડર બહાર પાડ્યું છે.

CRPFના ડાઈરેક્ટર જનરલ કે દુર્ગાપ્રસાદે એક અખબાર સાથે મુલાકાતમાં જણાવ્યું કે સારી ક્વોલિટીના ઉપકરણ અને વાહનોની લાંબા સમયથી ઉણપ લાગી રહી હતી પરંતુ હવે સરકારે સુરક્ષા ઉપકરણ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આપણા જવાનો ખુબ જ જોખમવાળા વિસ્તારોમાં કામ કરી રહ્યાં છે જેને કારણે આ ઉપકરણોની ખુબ જ જરૂર છે. જવાનોનું મનોબળ વધારવા માટે CRPFએ વીરતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જવાનોને ‘આઉટ ઓફ ટર્ન’ પ્રમોશન આપવાની પણ ભલામણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન