સાઉદી અરામ્કોમાં ક્રૂડનું ઉત્પાદન ૫૦% ઘટયું, ભાવ ભડકે બળશે - Sandesh
  • Home
  • World
  • સાઉદી અરામ્કોમાં ક્રૂડનું ઉત્પાદન ૫૦% ઘટયું, ભાવ ભડકે બળશે

સાઉદી અરામ્કોમાં ક્રૂડનું ઉત્પાદન ૫૦% ઘટયું, ભાવ ભડકે બળશે

 | 3:04 am IST

। દુબઇ ।

યમનના હૌથી આતંકવાદીઓએ શનિવારે સાઉદી અરબના વિશ્વના સૌથી મોટા ઓઇલ પ્રોસેસિંગ એકમ અને મોટા ઓઇલ ફિલ્ડ પર ડ્રોન હુમલો કર્યા બાદ ભયાનક આગ ફાટી નીકળતા વિશ્વના સૌથી મોટા ક્રૂડ નિકાસકાર દેશમાં ક્રૂડનો પૂરવઠો ૫૦ ટકા ઘટી ગયો હતો. તાજેતરના સપ્તાહે સાઉદી અરબના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સંખ્યાબંધ ડ્રોન હુમલા કરાયા હતા જેમાં આ સૌથી ભયાનક હુમલો સાબિત થયો છે. સાઉદી પ્રેસ એજન્સી દ્વારા જારી કરાયેલા એનર્જી મિનિસ્ટર પ્રિન્સ અબ્દુલ અઝિઝ બિન સલમાનના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ડ્રોન હુમલાના પગલે અબકૈક ઓઇલ પ્રોસેસિંગ ફેસિલિટી અને ખુરૈસ ઓઇલ ફિલ્ડ ખાતે પ્રોડક્શન ઓપરેશનો સ્થગિત કરી દેવાયાં છે. ડ્રોન હુમલાના કારણે ગેસનું ઉત્પાદન પણ સ્થગિત થઈ ગયું છે જેના પગલે ઇથેન અને નેચરલ ગેસ લિક્વિડનું ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું છે.

સાઉદી અરામ્કો કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને એકમોમાં લાગેલી આગના કારણે ક્રૂડના સપ્લાયમાં અંદાજિત ૫૭ લાખ બેરલનો ઘટાડો નોંધાયો છે. કંપની તેની પાસે ઉપલબ્ધ અનામત જથ્થામાંથી પુરવઠો યથાવત કરવાના પ્રયાસ કરી રહી છે. વધુ માહિતી આગામી ૪૮ કલાકમાં જાહેર કરાશે. કંપનીના સીઇઓ આમિન નાસેરે જણાવ્યું હતું કે, હૌથીના ડ્રોન હુમલામાં કોઈને ઈજા પહોંચી નથી. ઇમર્જન્સી સેવાના કર્મચારીઓએ આગને કાબૂમાં લઈ લેતાં હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અમે બંને એકમમાં કામ ફરી શરૂ કરવા પ્રયાસ કરી રહ્યાં છીએ.

માસિક ૧૫૦ મિલિયન બેરલ ક્રૂડની અછત સર્જાવાનો ભય

બંને જાયન્ટ ક્રૂડ એકમો ખાતે કામ બંધ થતાં વિશ્વની રોજિંદી ક્રૂડ ખપતના પાંચ ટકા જેટલા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સાઉદી અરબ દરરોજ ૯૮.૫૦ લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન કરે છે જેમાંથી ૫૭ લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન સ્થગિત થઈ ગયું છે. સાઉદી અરામ્કોના જણાવ્યા અનુસાર તે ટૂંકસમયમાં આ હુમલાની અસરમાંથી બહાર આવી જશે પરંતુ જો તેમ નહીં થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં માસિક ૧૫૦ મિલિયન બેરલ ક્રૂડની અછત સર્જાશે.

ક્રૂડની કિંમતોમાં ૩૦ ટકાનો વધારો થવાની સંભાવના

આંતરરાષ્ટ્રીય બજારમાં આવતું ૧૦ ટકા ક્રૂડ ઓઇલ સાઉદી અરબથી આવે છે. સાઉદીમાં ઉત્પાદનના ઘટાડાનો અર્થ એ છે કે, ક્રૂડ તેલની કિંમતોમાં વધારો થશે. ર્મોર્નિંગ સ્ટારના ડિરેક્ટર સેન્ડી ફિલ્ડને જણાવ્યું હતું કે, સોમવારે બજાર ખૂલે ત્યાં સુધીમાં ક્રૂડની કિંમતોમાં ૩૦ ટકાનો વધારો થઈ શકે છે. સોમવારે બજારો ખૂલતાંની સાથે ક્રૂડની કિંમતોમાં બેરલ દીઠ પાંચથી દસ અમેરિકન ડોલરનો વધારો થવાની સંભાવના છે.

સાઉદી અરામ્કોના ઓઇલ એકમોમાં ડ્રોન હુમલા માટે ઇરાન જવાબદાર : માઇક પોમ્પિઓ

અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિઓએ સાઉદીમાં ડ્રોન હુમલા માટે ઇરાનને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વિશ્વના એનર્જી સપ્લાય પર અણધાર્યો હુમલો છે. હૌથી આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાના કોઈ પુરાવા નથી. વિશ્વમાં ક્રુડનો પુરવઠો યથાવત રહે તે અમેરિકા સુનિશ્ચિત કરશે.

અમેરિકાના વિમાનવાહક જહાજો અને એરબેઝ અમારા મિસાઇલની રેન્જમાં : ઇરાનની ધમકી

ઇરાન દ્વારા હુમલો કરાયો હોવાના આરોપો નકારી કાઢતાં ઇરાને રવિવારે ચેતવણી આપી હતી કે અમેરિકાના એરબેઝ અને વિમાનવાહક જહાજો અમારા મિસાઇલોની રેન્જમાં છે. ઇરાનના વિદેશમંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મૌસાવીએ જણાવ્યું હતું કે, અમેરિકાના આરોપો પાયાવિહોણા છે. ઇરાન સંપૂર્ણ કક્ષાના યુદ્ધ માટે તૈયાર છે.

ભારતની આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલને ફટકો પડશે

ભારત ક્રૂડની સૌથી વધુ ખરીદી ઇરાક, સાઉદી અરબ અને ઇરાન પાસેથી કરે છે. ૨૦૧૮-૧૯માં ભારતે ઇરાક પાસેથી ૪.૬૬ કરોડ ટન, સાઉદી અરબ પાસેથી ૪.૦૩ કરોડ ટન અને ઇરાન પાસેથી ૨.૩૯ કરોડ ટન ક્રૂડ તેલની ખરીદી કરી હતી. ક્રૂડ તેલના ભાવવધારાની અસર વિશ્વ સહિત ભારતને પણ થઈ શકે છે કારણ કે ભારત તેની ઊર્જા જરૂરિયાતના ૮૫ ટકાની આયાત કરે છે. જેના કારણે ભારતની આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલ જેવી કંપનીઓને ફટકો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન