સંસ્કૃતિને સતત ટકાવી રાખનાર એ ધર્મવીરો - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • સંસ્કૃતિને સતત ટકાવી રાખનાર એ ધર્મવીરો

સંસ્કૃતિને સતત ટકાવી રાખનાર એ ધર્મવીરો

 | 1:39 am IST

ભારતની સંસ્કૃતિ ઉપર અનેક સદીઓથી પ્રહારો થયા છે, પરંતુ તે કડડભૂસ થઈને તૂટી નથી પડી. એવી કઈ સંજીવની છે તેની પાસે કે જેથી એ સંસ્કૃતિની હસ્તી ક્યારેય મળતી નથી? એ સંજીવની છે- આ ધરતી ઉપર પ્રગટેલા શહિદો, સંતો, ઋષિમુનિઓ અને અવતારો કે જેમણે ધર્મની જ્યારે જ્યારે ગ્લાનિ થઈ છે ત્યારે- ત્યારે પ્રગટ થઈને તેને જીવંત રાખી છે. જેમ ભારત દેશ માટે કેટલાય વીરોએ શહિદી વહોરી છે તો કેટલાય વિરલાઓએ ધર્મને માટે બલિદાનો આપ્યાં છે. જે આપણા ધર્મશાસ્ત્રોનાં પાનાં ઉથલાવીએ તો ઔખબર પડે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ સોરઠની ધીંગી ધરતી ઉપર આવેલું મેડી નામનું ગામ એ ધર્મના બલિદાનની ગાથા માટે સુવર્ણાક્ષરે આલેખાયું છે.

આ મેડી ગામમાં થોડા-થોડા ધાર્મિક માણસો વસે. સાધુ-સંતો-કોઈ આવી જાય તો ઉતારા-પાણી-જમવાની વ્યવસ્થા પણ કરી આપે અને થોડો સમય કાઢી ભગવદ્- ભક્તિ પણ કરે. આવા આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો પધાર્યા. ધાર્મિક માણસોએ કથાવાર્તાનો લાભ લીધો. તેમાં ૧૨ વર્ષનો બાળુડો હીરો પણ

આવી ગયો. સંતોની વાણી સાંભળી હૃદય વિંધાઈ ગયું. ગળામાં કંઠી અને કપાળમાં તિલક-ચાંદલો અને હાથમાં માળા ફેરવતો-ફેરવતો તે પોતાના ઘરે ગયો. ત્યાં તો તેના બાપે હીરાને આવી રીતે ભગત થઈ ગયેલો જોઈ રાડ પાડી અને લાકડીએ-લાકડીએ મારવા જ માંડયો. તું સ્વામિનારાયણીયો કેમ થયો? માળા-પૂજાપાઠ લઈ લીધાં અને બંધ ઓરડામાં હીરાને પૂરી દીધો અને કહ્યું કે, જો ભૂલે પણ સ્વામિનારાયણનું નામ લીધું છે તો જીવતો મારી નાખીશ…

હીરા ભગત તો બીજા દિવસેય ખાધા-પીધા વિના સ્વામિનારાયણ- સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવા લાગ્યા અને ભગવાન સાથે એક તાર જોડાઈ ગયા, પરંતુ તેમના બાપના કાનમાં સ્વામિનારાયણ શબ્દ સંભળાવાથી કાનમાં ઊનું તેલ રેડાયું. ઓરડામાંથી બહાર કાઢી તરત ભગતને વાડીએ લઈ ગયો અને ગાડામાં ભોર ભર્યો અને બળદને ગળે બાંધવાના જોતરે તેમને બાંધી દીધા અને કહ્યું કે, તું આ સ્વામિનારાયણનું નામ અને તારો બધો આ ધર્મ મૂકી દે. નહીંતર હું ગાડું ઉલાળી તને મારી નાખીશ. બોલ! કાયમ માટે ધર્મ મૂકવો છે કે પછી ભોર ઉલાળું.

ત્યારે હીરા ભગતને ખરેખર હીરા (ડાયમંડ) જેવા મજબૂત બનીને જવાબ આપ્યો કે, હું તો મોતની બીકથી ધર્મ  નહીં મૂકું. દોરડું ગળે આવશે તો ફાંસીએ ચડી જઈશ પણ ધર્મનો ત્યાગ નહીં કરું. ધર્મને માટે મરવું તેને તો હું મંગળ જાણું છું.

મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ.

કબ મરીઓ કબ ભેટીઓ, પુરન પરમાનંદ.

હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો એ ન્યાયે તમે મને મારી નાંખશો તો હું શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં પહોંચી જઈશ અને અનાદિમુક્તો ભેળો મૂર્તિનું સુખ લઈશ એથી બીજા મારાં કયાં અહોભાગ્ય હોઈ શકે?

બાર વર્ષના બાળુડાની આવી વાત સાંભળી નરાધમ બાપને સહેજ પણ દયા ન આવી અને તેણે ગાડાંને ઉલાળી દીધું અને હીરા ભગતના ગળામાં ફાંસો આવી ગયો. ધર્મને માટે હીરા ભગત ફાંસીના માંચડે ચડી ગયા. પરંતુ ધર્મને મૂક્યો નથી. આજે સારાય ભારતમાં દરેક ધર્મો ફૂલ્યા-ફાલ્યા છે. ઠેર-ઠેર દેવાલયો-મંદિરો અને સંસ્કારના કેન્દ્રોની મોટી-મોટી ઈમારતો દ્રશ્યમાન થાય છે કારણ કે તેના પાયામાં આવા કેટલાય ધર્મવીરોએ પ્રાણનાં બલિદાનો આપ્યાં છે માટે જ આ ઈમારતો પર અનેક હુમલાઓ થાય છે પણ તે ડગતી નથી.

આજેય ભારત આવા ધર્મવીરો અને દેશ માટે બલિદાનો આપનારા સમરાંગણના વીરોની રાહ જુએ છે કે, જે ભારત માતાની આણ-આબરૂને નવખંડમાંહી પ્રસરાવે. તો આપણે સહુએ એ કાર્ય માટે સદાય તૈયાર રહેવાનું છે.

– સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

[email protected]@com