કપ અને રકાબી-મેઇડ ફેર ઇચ અધર...!!! - Sandesh

કપ અને રકાબી-મેઇડ ફેર ઇચ અધર…!!!

 | 12:30 pm IST

કેટલાક લોકો ચા પીતી વેળાએ માત્ર ચા જ પીતા હોય છે. અમુક જ, લોકો એવા હોય છે, જેઓ ચા સાથે લિજ્જત પણ ગટગટાવતા હોય છે…! જેમને ‘લિજ્જત’ શું ચીજ છે – એની જ ખબર નથી, એવા ‘બેલિજ્જત’ લોકો ચા સાથે શિષ્ટાચાર ગટગટાવતા હોય છે. જોયું, હાસ્યલેખ પણ હવે એબ્સર્ડ બનતો જાય છે…!

મારે વાત કરવી છે રકાબીમાં રેડીને ચા પીવાની…!

દરેક જણ પોત-પોતાનાં ઘરમાં તો રકાબીમાં રેડીને જ ચા પીતો હોય છે, કારણ કે ઘરમાં તો એ પૂરેપૂરો સ્વતંત્ર અને પ્રજાસત્તાક છે…!

ફૂંકો મારી-મારીને ચા પીવાની જે લિજ્જત છે, એ પોતાના ઘર સિવાય બીજે ક્યાં મળે? એ તો ઠીક, પણ રકાબીમાંથી ‘સુડ… સુડ…, સુડ… સુડ…’ જેવો ધ્વનિ પેદા કરતાં જવું, વચ્ચે-વચ્ચે યથાશક્તિ ફૂંકો મારતા જવું અને ચાની એક-એક ચૂસકી લેતા જવું… અહાહાહા! આવો વૈભવ ખુદના ઘર સિવાય બીજે ક્યાં જોવા મળે?

જે મજા રકાબીમાં રેડીને ચા પીવામાં છે, એ કપમાંથી પીવામાં નથી સાચું કહું? કપથી ચા ક્યારે પીવાઈ ગઈ એના કરતાં કેવી ચા પીવાઈ ગઈ એનીય ખબર નથી પડતી. હમણાં કહ્યું એમ ‘સુડ… સુડ… સુડ… સુડ…’ જેવો મધુર ધ્વનિ પેદા કરતાં-કરતાં ચા પીવામાં મને સ્વાદ અને નાદ બંનેનો સાક્ષાત્કાર થતો હોય છે. કેટલાક સંગીતરસિયા તો આરોહમાં ચૂસકી ભરે અને અવરોહમાં ચૂસકી ઉતારી લે.’ચા ઘરાના’ના આવા ચૂસકીકારો આ રીતે પીવાતી ચાને સંગીતની પરિભાષામાં ‘દ્વિહોઠ તરંગ’ તરીકે પણ ઓળખાવે છે.

રકાબી વગર કપની કિંમત નથી, કારણ કે રકાબી સ્ત્રીલિંગ છે. રકાબી વગરનો કપ (ગમે તેટલો મોંઘો હોય તો પણ) ઓશિયાળો જ લાગવાનો. ચા, દૂધ કે કોફી સિવાય એને કોઈ સૂંઘે પણ નહીં. હા, બીમારીના સમયે ક્યારેક દવાપાત્ર બને-પણ, એ તો ક્યારેક જ! જ્યારે રકાબી તો રકાબી છે. કપમાં ચટણી ન રેડાય, રકાબીમાં ચોક્કસ રેડાય! કપમાં ભરાય. એ બધું તો ઠીક, પણ ભાવતું પ્રવાહી રકાબીમાંથી ખાલી થઈ જાય તો રકાબીને આસાનીથી જીભ વડે ચાટી શકાય. કપ માટે એ શક્ય નથી. રકાબીને વહાલ (આ રીતે!) થઈ શકે, એવું કપને કરવા જઈએ તો નાકનું ‘નાક’ જવાની શક્યતા પૂરેપૂરી!

રકાબી એકલી પડી હોય તો પણ એવી હાજરી વરતાય. પણ કપ ક્યાંક એકલો પડી રહ્યો હોય તો તડીપાર થયેલા વાંઢા જેવો લાગે.

માણસ કપમાંથી ચા પીએ છે કે રકાબીમાંથી, એના પરથી જાણી શકાય કે પીનારો સંકુચિત વૃત્તિવાળો છે કે ઉદાર વૃત્તિવાળો…! એ તો હજી સુધી કોઈ જ્યોતિષી-ખાસ તો સામુદ્રિકશાસ્ત્રીના ધ્યાનમાં નથી આવ્યું – નહીંતર, એ ભવિષ્ય જાણવા આવેલા જાતકને પહેલો પ્રશ્ન એ જ પૂછે છે કે તમે ચા શેમાંથી પીઓ છો – કપમાંથી કે રકાબીમાંથી? અને પેલો પોતાને સુધરેલો ગણાવવા એમ કહે કે હું તો કપમાંથી ચા પીઉં છું, તો જ્યોતિષી વિચારવાયુએ ચડી જાય કે એકસોને દસ ટકા, આ માણસ સંકુચિત દૃષ્ટિવાળો અને સંકુચિત મનોવૃત્તિવાળો છે. આની પાસેથી એડવાન્સ ફી લઈ લેવામાં જ ફયદો છે.

કપમાં ચા પીનારાઓને હું ‘કપવાદી’ કહું છું. આવા લોકો કપવૃત્તિવાળા હોય છે. કપવૃત્તિવાળો માણસ થોડાને ઝાઝામાં ફેરવી એક ભ્રમ ઊભો કરવામાં નિષ્ણાત હોય છે. કપની દુનિયામાં પણ રાજકારણ ઘૂસી ગયું છે. હવે તો બહારથી ખાસ્સા ઊંચા અને મોટા લાગતા કપ અંદરથી સાવ છીછરા હોય છે. આપણને પહેલી નજરે એમ જ લાગે કે, અરે… આટલી બધી ચા મારાથી નહીં પીવાય. પણ આપણે માંડ બે કે ત્રણ ચૂસકી ભરીએ ત્યાં તો કપ ખાલી! આવા કપને રાજકારણી કપ કહેવાય. બહારથી લાગે, એવું અંદરથી ન હોય! કપનિષ્ણાતો તો એવું પણ કહે છે કે ‘અ પર્સન હુ ડ્રિન્ક્સ ધ ટી બાય કપ, ઇઝ નોન એઝ અ મેન ઓફ કપ-ટી’. આ વાત કેટલા કપે, મતલબ કે કેટલા અંશે સાચી છે એ વિશે કપવાદીઓમાં જ વિવાદ ચાલી રહ્યો છે. ‘કપ-ટી’ લોકો કપમાંથી ચા પીતા હોય, પણ એવું માનવાને કોઈ કારણ નથી કે કપમાંથી ચા પીતા હોય એ બધા કપ-ટી જ હોય…! (મતલબ કે એના કરતાં પણ કંઈક વિશેષ હોય!)

મને તો રકાબીમાં રેડીને ચા પીનારા જ સજ્જન લાગે છે, કારણ કે હું ખુદ રકાબીમાં રેડીને ચા પીતો હોઉં છું!

ચાથી છલોછલ ભરેલી રકાબી તમે જોઈ છે? જાણે દરિયો જ જોઈ લો. રકાબીમાં ચા પીનારો હંમેશાં દરિયાદિલ હોય, ખુલ્લા મનનો અને નિખાલસ હોય. રકાબીને ક્યારેય કશું છુપાવવાનું નથી હોતું. જેની પાસે વિશાળતા છે એના મનમાં મેલ ન હોય. કપ પાસે વિશાળતા નથી. કપમાંથી ચા પીવાઈ ગયા છી તમે જો જો, તળિયે ચાના કૂચા આરામથી પડયા હશે…! રકાબીના મનમાં આવો મેલ ક્યારેય જોવા નહીં મળે. રકાબીમાં કપ જેવું કપટ જોવા નહીં મળે, કેમ કે એ સરળ છે. તમે એને કોઈપણ ઠેકાણેથી પકડો, તમને એ દઝાડશે નહીં. જ્યારે કપમાં આવી સરળતા નથી, એને તો તમારે નિશ્ચિત જગ્યાએથી જ પકડવા પડે, જો દાઝવું ન હોય તો…! તૂટી ગયેલા નાકાવાળા કપમાંથી ગરમાગરમ ચા પીવા જતાં બધાંની હાજરીમાં એ ક્યારે આપણું પણ નાક કાપી નાખે. કંઈ કહેવાય નહીં…!

કેટલીક હિંદી ફિલ્મોમાં જે રીતે હિરોઇનનું પાત્ર, માત્ર શોભાના ગાંઠિયા જેવું હોય છે, જેના ભાગે એવો કોઈ ‘પંચ’શીલ ડાયલોગ પણ નથી આવતો કે એવો કોઈ નોંધપાત્ર અભિનય કરવાનો અવસર નથી આવતો. એણે તો પેલો હીરો ગીત ગાતો હોય ત્યારે ક્યારેક આગળ-પાછળ તો ક્યારેક આજુબાજુ આવીને હાજરી પુરાવીને જતા રહેવાનું હોય છે. હીરોને લાગે કે સાથે કોઈક તો છે, અને ઓડિયન્સને લાગે કે હીરો આટલો એનર્જેટિક લાગે છે એ એના અભિનયને લીધે નહીં, પણ હિરોઇનની હાજરીના લીધે! કપ-રકાબીનું પણ આવું, હિંદી ફિલ્મોનાં નાયક-નાયિકા જેવું છે. રકાબીમાં ચા સંપન્ન કપ મુકાયો હોય, તેમ છતાં પીનારો, તો રકાબીને પેલી હિરોઇનની જેમ સાઇડમાં મૂકી રાખી, સીધો કપ જ ઉપાડીને ચા કે કોફીની ચૂસકી મારતો રહેશે. ક્યારેક તો રકાબીનો રોલ એક્સ્ટ્રા કલાકાર જેવો થઈ જતો હોય છે.

આમ છતાં પણ કપ-રકાબી માટે ચોક્કસ કહી શકાય કે – ‘ધેર આર મેઇડ ફેર ઇચ અધર’ રકાબીમાં કપ મૂક્યો હોય ત્યારે એવું લાગે, જાણે શિવલિંગ ન હોય…! કપ-રકાબીનું સાયુજ્ય પણ શિવ-પાર્વતી જેવું છે. બંનેમાં પહેલો નર જાતિ આવે છે!

સુગરક્યુબ :

– તેં કોરોના ટેસ્ટ કરાવ્યો, એનો રિપોર્ટ શું આવ્યો?

– નેગેટિવ!

– બોલો, રિપોર્ટમાં પણ નેગેટિવ?!

[email protected]

લાફ્ટર કાફે : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન