ચાલુ ઓપરેશને દુખાવો ઉપડતાં ડોક્ટરે ઘેનનું ઈન્જેક્શન આપ્યું - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ચાલુ ઓપરેશને દુખાવો ઉપડતાં ડોક્ટરે ઘેનનું ઈન્જેક્શન આપ્યું

ચાલુ ઓપરેશને દુખાવો ઉપડતાં ડોક્ટરે ઘેનનું ઈન્જેક્શન આપ્યું

 | 1:57 am IST

મંથનમંચ  :-  કે. વિભાવરી

પૂરબના સ્વભાવનો આ વિચાર આવતાં જ નિશાને ચિંતા થવા લાગી. મારા પૂરબે તો કદી કોઈનો નાનકડો છણકોય સાંભળ્યો નથી. હવે રીયલ લાઈફમાં તો એણે અનેક લોકોની ખરી-ખોટી વાતો સાંભળીને હસવામાં કાઢવાની થશે. અપમાન જેવું લાગે તો પણ સાંભળી લેવાનું થશે. પૂરબ આવું કરી શકશે?

તરત જ એના મનમાં ભગવાનની છબિ આવી ગઈ. એ મનોમન પ્રાર્થી રહી, હે ભગવાન પૂરબને સહન કરવાની શક્તિ આપજે!

બે મહિના સુધી વાય. કે. દીવાનસાહેબની ઓફિસમાં નોકરી કરતાં કરતાં પૂરબે કોર્ટમાં અવરજવર કરીને કેટલાક લોકો સાથે ઓળખાણ કરી લીધી. જુનિયર વકીલ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માગે તો શી રીતે કરી શકે એ જાણી લીધું. અનેક જુનિયર વકીલો ખુરશી ટેબલ લઈને કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એ જાણી લીધું.

ત્રીજા મહિને પૂરબે પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાનું મન બનાવી લીધું. ઘરમાંથી અને દોસ્તો પાસેથી કોઈક રીતે પૈસા ઊભા કરીને તેણે કોર્ટમાં પોતાનું સ્થાન મેળવી લીધું. હવે એ પોતાનો જ સાહેબ હતો. કોર્ટમાં આવીને બેસતો અને કોઈ અસીલ આવે તેની રાહ જોતો હતો. ધીમેધીમે ઓળખીતાઓ એની પાસે નાના નાના કેસ લઈને આવવા લાગ્યા.

એના સારા મિત્ર બની ગયેલા પાઠકે એને સલાહ આપી કે દોસ્ત શરૂઆતમાં તો માત્ર અરજી લખવાનુંય કામ મળે તો કરી લેવાનું. એક જ ધ્યેય રાખવાનો, સાંજ પડયે ખિસ્સામાં પૈસા આવવા જોઈએ. પૂરબે એ સલાહ માની પણ લીધી. એને સમજાઈ ગયું કે બધાની સામે નાના બનીને રહેવું જ પડશે. કામ નાનામાં નાનું હોય તો પણ એ કરવું જ પડશે. એને એ પણ સમજાઈ ગયું કે વાય. કે. દીવાન સાહેબ જેવા ટોચના ધારાશાસ્ત્રીઓએ પણ શરૂઆતમાં આવા દિવસો વીતાવવા જ પડયા છે.

સમય અને સંજોગો સાથે સમાધાન કરીને મન મારીને પૂરબે રોજ કોર્ટમાં જવાનું અને જે મળે એ કામ કરીને બે પૈસા કમાઈ લેવાની શરૂઆત કરી. સાહેબોના સહી સિક્કા કરાવવા જવું પડે તો મહેણા સાંભળવા પડતા હતા. એમના વર્તનમાં અપમાન કરવાનો પ્રયાસ પણ જોઈ શકાતો હતો. પરંતુ પૂરબે નક્કી કરી જ લીધું હતું કે આવા અપમાનો સહન કરીને જ સફળતા મળવાની છે તો સહન કરી લેવા!

જીવનમાં આગળ વધવા અને સંસાર ચલાવવા માટે પૈસા કમાવા જરૂરી છે એ સમજણના કારણે પૂરબ બધું સહન તો કરવા લાગ્યો હતો, પરંતુ એનું મન બળવો પોકાર્યા કરતું હતું.

મનનું શું એ તો માંકડું છે! એમ વિચારીને પૂરબ મનની વાત દબાવી દેતો અને કામ કરતો રહેતો હતો.

મનને મારીને કામ કરવાના કારણે હોય કે પછી આખો દિવસ ખુરશીમાં બેસી રહેવાના કારણે હોય કે પછી સતત ચિંતામાં જીવવાના કારણે હોય; પૂરબને પાઈલ્સ થઈ ગયા. એનો ઈલાજ કરવા દવાઓ લીધી, પરંતુ ફાયદો ન થયો. આખરે સ્થિતિ એવી થઈ ગઈ કે એનાથી બેસી જ ન શકાય. ત્યારે ડોક્ટરે સલાહ આપી કે ઓપરેશન કરવું જ પડશે.

એક બાજુ પૂરબ પાઈલ્સના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો અને એ જ દિવસે નિશા બીજા બાળકની ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ વખતે દીકરાનો જન્મ થયો.

આ બાજુ પૂરબનું પાઈલ્સનું ઓપરેશન ચાલતું હતું એ દરમિયાન એને આપવામાં આવેલો એનેસ્થેશિયા કોઈ કારણસર ઓછો પડયો હશે એટલે એની અસર ઉતરી ગઈ. પૂરબને અસહ્ય દુખાવો થવા લાગ્યો. ત્યારે ડોક્ટરે તેને ઘેનનું ઈન્જેક્શન આપવું પડયું. ઓપરેશન પછીય પીડાના કારણે પૂરબને ઊંઘ નહોતી આવતી એટલે ડોક્ટરે તેને રોજ ઊંઘની ગોળી લેવાની સલાહ આપી. ત્યારે કોઈનેય આ વાતનો અણસાર નહોતો કે કેવા ભારે અનિષ્ટના મૂળ નંખાઈ રહ્યાં છે.

[email protected]