વર્તમાનમાં જીવવું છે, પણ જીવી શકાય ખરું? - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • વર્તમાનમાં જીવવું છે, પણ જીવી શકાય ખરું?

વર્તમાનમાં જીવવું છે, પણ જીવી શકાય ખરું?

 | 3:25 am IST

કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

સુખી થવા માટેની જે કેટલીક સલાહો સહેલાઈથી મળે છે એમાંની એક સલાહ ‘વર્તમાનમાં જીવવા’ માટેની હોય છે. વીતી ગયેલા ભૂતકાળનો ભાર રાખવાના બદલે, અને જે ભવિષ્યકાળ આવ્યો નથી એ અંગે શેખચલ્લી જેવા સપનાંઓમાં રાચવાને બદલે વર્તમાનમાં જીવવાની સલાહ લાગે છે તો સાદી અને સરળ પણ વ્યવહારમાં માણસ ‘વર્તમાન’ માં જ જીવી શકે ખરો?

વિજ્ઞાાનની રીતે જોઈએ તો વર્તમાનકાળ એ સમયનો એવો કોઈ ચોક્કસ ટુકડો નથી કે જે સ્થિર હોય અને જેને સ્થગિત કરી શકાતો હોય. સમય તો વહેતો પ્રવાહ છે એને કેદ કરી શકાતો નથી. એક પળ આવે છે. બીજી પળ આવે છે, ત્રીજી પળ આવે છે અને આવેલી એ તમામ પળો એક પછી એક ચાલી જાય છે અને એવી જ નવી પળો એક પછી એક આવતી જાય છે. જે પળ વીતી ગઈ છે એ ભૂતકાળ બની ગઈ છે અને જે પળ આવી નથી એ ભવિષ્યકાળની પળ છે, ભવિષ્યની એ પળ જ વર્તમાન બની ન આવે એટલામાં તો ભૂતકાળ બની જાય છે. એ રીતે વર્તમાન એ કોઈ સ્વતંત્રકાળ નથી. આજનો વર્તમાન એ આવતી-કાલનો ભૂતકાળ છે.

એટલે વર્તમાનને હંમેશાં ભૂતકાળ વીંટળાયેલો જ હોય છે. વર્તમાનની પળોને આનંદથી માણવા માણસને કોરોકટાક વર્તમાન મળતો જ નથી અને એટલે જ વર્તમાનના પતંગને ચગાવવામાં ભૂતકાળની ગૂંચો એને હંમેશાં સતાવ્યા કરે છે.

સુખી દેખાતી વ્યક્તિની જિંદગીમાં પણ એણે જે પ્રાપ્ત કર્યું હોય છે. એ પ્રાપ્તિ માત્ર એની એકલાની હોઈ શક્તી નથી. એમાં ઘણી બધી વ્યક્તિનો ફાળો હોય છે. કેટલીક વસ્તુઓ એને પૂર્વજો તરફથી મળેલી હોય છે. કેટલીક વસ્તુઓ મિત્રો, સંબંધીઓને કારણે મળી હોય છે તો કેટલુંક દેશને કારણે, સમાજને કારણે, જાણીતા અને અજાણ્યાં અનેક લોકોને કારણે એની જિંદગી બની હોય છે, માત્ર એની પોતાની મહેનત કે આવડતથી જ એને બધું પ્રાપ્ત થયું હોતું નથી. માણસ જો એકલો જ હોય તો એ ગમે તેટલો શક્તિશાળી હોય તો પણ એને જે પ્રાપ્ત થયું હોય એમાંનું કેટલુંક તો મળી શકે જ નહીં.

અને એટલે જ માણસ પોતાના ભૂતકાળને દફનાવી દઈ શક્તો નથી કે ભૂતકાળને ભૂતકાળ જ રહેવા દઈ શક્તો નથી. બાહ્ય રીતે જે નથી દેખાતું એવું માણસની જિંદગીમાં ઘણું બનેલું હોય છે. ભૂતકાળના પાયા ઉપર જ એની વર્તમાનની ઈમારત ઊભેલી હોય છે. અનેક લોકોની મદદ અને ઉપકારોથી એ વર્તમાન જિંદગી સુધી પહોંચ્યો હોય છે. માત્ર નાણાંનું નહિ અનેક ઉપકારોનું, મહેરબાનીઓનું દેવું એના માથે હોય છે. વર્તમાનને માણી લેવાની અનુકૂળતા જ ક્યાં એને મળે છે? જિંદગી એને દોડાવતી જ રહે છે અને એ દોડતો જ રહે છે.

વર્તમાનને આનંદથી માણવા માટે, એનો વર્તમાન સુખદ હોય તો પણ, ભૂતકાળથી એ વીંટળાયેલો હોવાથી એ સ્વતંત્ર રીતે એને માણી શક્તો નથી.

માણસે વર્તમાનમાં જીવવું જોઈએ અને ભવિષ્યની નિરર્થક ચિંતાઓમાંથી છૂટી જવું જોઈએ એવી સલાહ પણ અપાય છે અને એના ટેકામાં મજબૂત દલીલ કરવામાં આવે છે કે આવતીકાલ એ તો ભરેલું નાળિયેર છે એ કેવું નીકળશે એ કોઈ જાણતું નથી. આ વાત ગમે તેટલી સાચી હોવા છતાં ચિંતા અને દેવું એ આધુનિક માણસ સાથે એવી રીતે સંકળાયેલાં છે કે એ જરાક ગફલતમાં રહે એટલે એ વધતાં જ જાય છે. ચિંતા ચિતા સમાન હોવા છતાં એમાંથી એ છૂટી શક્તો નથી.

મોંઘવારી વધતી જાય છે. બાળકોનું શિક્ષણ મોંઘું થતું જાય છે. મકાનભાડું પોસાતું નથી કે પોતાનું ઘર થઈ શક્તું નથી. દવાઓ કે માંદગીનું ખર્ચ નીકળતું નથી. દીકરો કે દીકરી મોટાં થયાં છે એમનાં લગ્નનો ખર્ચ ઊભેલો જ છે. માતા-પિતા મોટી ઉંમરનાં છે, હમણાં એમની તબિયતનો મોટો ખર્ચો તો ગમે ત્યારે આવી પડેલો જ છે. ચિંતા ન કરવી હોય તો પણ અનેક ચિંતાઓ માણસને ઘેરી વળેલી જ હોય છે. જિંદગી એવી છે કે એ સરળતાથી સીધી લીટીમાં ચાલતી જ નથી. ગણતરીઓ કોઈ સાચી પડતી નથી. કોઈકને કામધંધો મળતો નથી તો કોઈકને પગાર સમયસર મળતો નથી કે ધંધામાં મંદી નડે છે.

 

ઉંમર વધતી જાય એમ વર્તમાનને ભૂતકાળ વળગતો જાય છે અને ભવિષ્યની ચિંતાઓ પણ વધતી જાય છે. આમ વર્તમાનને સુંદર-સુખી બનાવીને એની દરેક પળને આનંદથી માણતા રહેવાની વાત તાત્ત્વિક રીતે સાચી અને સારી લાગતી હોવા છતાં વહેવારમાં એનો અમલ કરવાનું બહુ મુશ્કેલ હોય છે.

આનો અર્થ એવો નથી કે વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન જ ન કરવો અને ખોટી ચિંતાઓ અને વળગણોને કારણે દુઃખી જ થયા કરવું. આનો અર્થ એટલો છે કે માણસની ઈચ્છા મુજબ બધું થતું નથી. ભૂતકાળને એ પૂરેપૂરો તજી શક્તો નથી કે ભવિષ્યની ચિંતાઓ એ છોડી શક્તો નથી.

અહીં ઈસુને યાદ કરવા જેવા છે. ઈસુએ કહ્યું છે કે, ‘બાળક જેવું જીવો’ બાળક હંમેશાં વર્તમાનમાં જ જીવે છે. બાળકને ભૂતકાળ હોતો નથી અને ભવિષ્યની ચિંતાઓથી એ ઘેરાયેલું હોતું નથી. સામાન્ય માણસે પણ ભૂતકાળ ભૂલવો હોય અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત રહેવું હોય તો બાળકની જેમ જ્યારે એ જાગ્રત હોય ત્યારે જે રીતે સતત પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે એ રીતે કોઈક પ્રવૃત્તિ કે કામમાં વ્યસ્ત રહેતાં શીખી જવું જોઈએ. માણસ જ્યારે તન-મનથી કામ કરે છે ત્યારે ભૂતકાળ ભૂલી જાય છે અને આવતી દરેક પળ એના માટે વર્તમાન બનીને જે એની પાસે આવે છે. ભવિષ્યનાં ખોટાં સપનાં જોતાં રહેવાનાં બદલે કે ભવિષ્યની ચિંતા કરવાના બદલે માણસ એ વર્તમાનની પળને ફળદાયી બનાવી શકે છે. બાળક વર્તમાનમાં જીવે છે એ જ રીતે શ્રમ અને કામની સતત વ્યસ્તતા તમને વર્તમાનમાં જીવાડે છે.