'૯૮ની જેમ ભરતી પર કાપ મૂકવા સરકારની ગંભીર વિચારણા - Sandesh
  • Home
  • Gujarat
  • ‘૯૮ની જેમ ભરતી પર કાપ મૂકવા સરકારની ગંભીર વિચારણા

‘૯૮ની જેમ ભરતી પર કાપ મૂકવા સરકારની ગંભીર વિચારણા

 | 1:59 am IST

। ગાંધીનગર ।

આર્થિક મોરચે સદ્ધરતાના દાવા કર્યા કરતી ગુજરાત સરકારની હાલત ત્રણ અઠવાડિયાવના લોકડાઉનમાં ડામાડોળ થઈ ગઈ છે અને વધુ ૧૯ દિવસની તાળાબંધી જાહેર થતાં આર્થિક સંક્ટ ઓર કપરું બનવાનું છે, ત્યારે રાજ્ય સરકારે નવી ભરતી બંધ કરવાની, નવી યોજનાઓ સહિત મૂડીગત કામો વિલંબમાં મૂકવાની તેમજ મુલતવી રાખી શકાય તેવા આયોજનો હાલ પૂરતા પડતા મૂકવાની ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. મોટે ભાગે ચાલુ સપ્તાહના અંત સુધીમાં આ સંદર્ભે નિર્ણય લેવાઈ જશે, તેમ જણાવાઈ રહ્યું છે.

સરકારી ભરતી ઉપર આંશિક કે સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની બાબત, આમાં સૌથી કઠોર અને સામાન્ય લોકોને ગંભીર અસર કરનારું પગલું હશે, કેમ કે બેરોજગારી ૪૫ વર્ષની ઐતિહાસિક ટોચે છે અને સરકારી નોકરી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો વલખાં મારી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લે કેશુભાઈ પટેલની સરકાર વખતે ૧૯૯૮માં ચોતરફી આર્થિક સંક્ટના કારણે નવી સરકારી ભરતી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.  આરોગ્ય વિભાગમાં નર્સ, ગૃહમાં પોલીસ કોન્સ્ટેબલ તથા શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયકની ભરતીમાં જ છૂટ આપવામાં આવી હતી. સરકારી ભરતી ઉપર આંશિક પ્રતિબંધ છેક ૨૦૦૬ સુધી રહ્યો હતો. રૂપાણી સરકાર હવે આ દિશામાં કઠોર મને પગલાં લેવાનું વિચારી રહી છે. તત્કાલિન કેશુભાઈ સરકારે જરૂરી પગલાં લેતાં પૂર્વે છ કેબિનેટ મંત્રીઓની સમિતિ રચી એની પાસેથી ભલામણો મેળવી હતી. વર્તમાન સરકાર આવી રીતે પ્રક્રિયામાં આગળ વધી શકે તેમ વિશ્વાસુ સૂત્રો જણાવી રહ્યા છે.

બીજો કઠોરતમ નિર્ણય બધાં જ કેપિટલ વર્કસ ઢીલમાં પાડવાનો હોઈ શકે. મતલબ ૨૦૨૦-૨૧ના બજેટની નવી કોઈ પણ યોજના માટે ત્રણથી છ મહિના સુધી મંજૂરી ના અપાય, એટલે નવી ટેન્ડરિંગ પ્રક્રિયા તો ખોરવાય જ જશે. માત્ર ચાલુ યોજનાઓનાં જ કામો થાય અને એમાંય ૨૫-૩૦ ટકા કાપ લદાઈ શકે.  સૂત્રો કહે છે કે, કરકસરના આ પગલાં લદાયા બાદ વાઇબ્રન્ટના તાયફાં સરકારને કમને બંધ કરવા પડશે, એ સાથે સરકારી વિભાગો દ્વારા નવી બિલ્ડિંગો, નવી કચેરી સ્થાપવાની પ્રવૃત્તિ, આયોજન ઉપર રોક લાગી જશે, શાળાઓના ઓરડા કે સરકારી આવાસ યોજનાઓ બાંધવાનું કામ પડતું મુકાશે તથા સરકારી વિભાગો-કચેરીઓ, નવું ર્ફિનચર, નવા એસી, નવી ગાડીઓ વસાવી પણ નહીં શકે.

આ બધાં કઠોર પગલાંની વિચારણા એટલે હાથ ધરવી પડી છે, કારણ કે કેન્દ્ર સરકાર પાસે રૂ. ૫ હજાર કરોડનું જીએસટી વળતર સલવાઈ ગયું છે, ૨૦ મી માર્ચથી એપ્રિલ આખો મહિનો- પેટ્રોલ, ડીઝલ, સીએનજીની આશરે રૂ. ૩ હજાર કરોડની આવક, તેમજ મોટર વ્હીકલ ટેક્સની તથા સ્ટેમ્પ ડયૂટીની કરોડોની આવક ગુમાવવી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન