CWG-2018: ગોલ્ડન ગર્લ સાઇનાએ કહ્યું, જીવનમાં ક્યારેય આશા છોડી ન હતી - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • CWG-2018: ગોલ્ડન ગર્લ સાઇનાએ કહ્યું, જીવનમાં ક્યારેય આશા છોડી ન હતી

CWG-2018: ગોલ્ડન ગર્લ સાઇનાએ કહ્યું, જીવનમાં ક્યારેય આશા છોડી ન હતી

 | 4:15 pm IST

દેશ માટે CWG-18માં ગોલ્ડ મેડલ મેળવનાર સાઇના નહેવાલે ઓલિમ્પિક 2016માં મેડલ મેળવવાની આશા સાથે રિયો ડી જાનેરોમાં પહોંચી હતી પરંતુ બીજી જ મેચમાં સ્પર્ધામાંથી બહાર ફેકાંઈ ગઈ હતી. ત્યારે તે પછી પોતાની ઈજાના કારણે એટલી ચિંતા વધી ગઈ કે તેના ભવિષ્યમાં રમવા પર જ સવાલો ઉઠવા લાગ્યા હતા પરંતુ સાઇના એમ હાર માનવાની સ્થિતિમાં ન હતી.

લગભગ 18 મહિના સુધી પ્રેક્ટિસ બાદ દુનિયાની ભૂતપૂર્વ નંબર 1 ખેલાડીએ બેડમિંટનના કોર્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. વર્ષ 2016માં ઈજા અને તેના ઓપરેશન બાદ સાઇનાની ફિટનેસ અને કરિયરને લઇને ઘણાં સવાલ ઉઠી રહ્યા હતા. પરંતુ રવિવારે તેણે પોતાના બધા જ ટીકાકારોને સણસણતો જવાબ આપી દીધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ મેચમાં ગોલ્ડ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં બે સિંગલ મેચમાં ગોલ્ડ જીતનાર ભારત તરફથી પહેલી બેડમિંટન ખેલાડી બની ગઈ છે.

હાલ રેંકિંગ મુજબ બેડમિંટનમાં વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી પી.વી. સિંધુ સામે સાઇનાએ 21-18, 23-21થી જીત મેળવી હતી. સાઇના આ મેચમાં ખૂબ જ આક્રમક બેડમિંટન રમી હતી. મેચના બીજા રાઉન્ડમાં પાછળ રહી ગયા બાદ પણ તેણે જબરજસ્ત કમબેક કર્યું હતું. આ સાથે જ હાલ વિશ્વમાં 12માં ક્રમે પહોંચી ગયેલી સાઇનાએ સિંધુ સામે પોતાના રેકોર્ડને 4-1 કરી લીધો હતો.

આ જીત પછી સાઇનાએ કહ્યું કે, મારે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેનાથી મને, ગોપી સરને અને અમારા ફિઝિયો થેરાપિસ્ટ ક્રિસ્ટોફર પેદ્રાને લાગ્યું કે અમારે હજુ મહેનત કરવી પડશે અને મે મારા એ ક્ષેત્રોને વધુ સારા કર્યા જેમાં મારે થોડી વધુ મેહનતની જરૂર હતી. આ સાથે જ તેણેકહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને ખુશ છું. આ એક પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ છે અને અહીં આવતો દરેક ખેલાડી પોતાના દેશ માટે આ જ કરવા માગે છે.

સાઇનાએ પોતાની જીત અંગે વાત કરતાં કહ્યું કે, જીવનમાં ક્યારેય આશા છોડી નહોતી. હું ઈજાથી ઉપર ઉઠીને ટૂર્નામેન્ટમાં પરત ફરવા માગતી હતી. હું વધુ સકારાત્મક ખેલાડી બનવા માંગતી હતી. તેની ઇજા અંગેના સવાલનો જવાબ આપતા સાઇનાએ કહ્યું કે, અત્યારે મારી સ્થિતિ સામાન્ય છે. તેમજ આગામી સમયમાં હું વધુ ફીટ થઇને રમવા માગું છું. ઓપરેશન બાદ સાઇનાએ 2016માં મકાઊ ઓપનથી કોર્ટમાં કમબેક કર્યું હતું. જેમાં તે ક્વોર્ટર ફાઇલન સુધી પહોચી શકી હતી. ત્યારે તેને વિશ્વની 266 નંબરની ચીનની ખેલાડીથી હારનો સામનો કરવો પડ્યો હતો.

સાઇનાએ પોતાની જીત માટે કોચ પુલેલા ગોપીચંદ અને ફિઝિયો પેદ્રાને શ્રેય આપે છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે ટોપ 15ના બધા ખેલાડીઓ ઝડપી, ફિટ અને ખૂબ જ મજબૂત છે. તેમની સામે મેચ ખૂબ જ મુશ્કેલ હોય છે. આવું મારી સાથે સેમીફાઇનલ અને ફાઇનલમાં થયું હતું. બંને મેચ ખૂબ જ મુશ્કેલ હતી. માટે કોર્ટ પર મારા પ્રદર્શનમાં જે સુધાર જુવો છો તેની પાછળ ગોપી સરની ભૂમિકા ખૂબ મોટી છે. સાથે જ મારા પગને મજબૂત કરવા માટે અમારા ફિઝિયોથેરાપિસ્ટ ક્રિસ્ટોફરની ટ્રેનિંગને બધો શ્રેય જાય છે.