Cyber criminals Adopt new method of withdrawing money from bank account without OPT
  • Home
  • Business
  • ચેતજો! સાયબર ક્રિમિનલ્સે અપનાવી એવી જાદુઈ તરકીબ કે OTP વિના પણ ખાતામાંથી નાણાં સફાચટ

ચેતજો! સાયબર ક્રિમિનલ્સે અપનાવી એવી જાદુઈ તરકીબ કે OTP વિના પણ ખાતામાંથી નાણાં સફાચટ

 | 10:15 am IST

ડિજિટલાઇઝેશનના આ યુગમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. અવનવી તરકીબ અપનાવી ડિજિટલ ક્રાઇમને અંજામ આપતા સાયબર ક્રિમિનલ્સ દિનબદિન વધુ અપડેટ થઇ રહ્યા છે તો પોલીસ આ આધુનિક ક્રાઈમ સામે ધરાર લાચાર પુરવાર થઇ રહી છે. અત્યાર સુધી એટીએમ હેકિંગ, એટીએમ, ક્લોનિંગ, ટેલિફિશિંગ કે બેંક ઓફિસરના નામે ઓટીપી માંગી બેંક એકાઉન્ટ સફાચટ કરી નાંખતા ભેજાબાજોએ હવે ઓટીપી માંગ્યા વગર ફ્રોડ કરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે.

પહેલા ભેજાબાજો બેંકના ઓફિસર તરીકે કોલ કરી કેવાયસી અપડેટ કરવાના બહાને કે એટીએમ કાર્ડ-ક્રેડિટ કાર્ડ બ્લોક થઇ ગયો હોવાનું કહી પીન નંબર અને બાદમાં મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) લઇ બેંક એકાઉન્ટના પાવર હસ્તગત કરી બારોબર બેંક બેલેન્સ ઝીરો કરી નાંખતા હતા.

છેલ્લા પાંચેક વર્ષમાં ભેજાબાજો આ રીતે સંખ્યાબંધ લોકોની બેંકમાં મૂકેલી બચત ઓહિયા કરી ગયા છે. ઓટીપી માંગી બેંક એકાઉન્ટ હેક કરવાના આ બનાવો સામે પોલીસ માથું ખંજવાળી રહી છે ત્યારે હવે ભેજાબાજો ઓટીપી માંગ્યા વગર પોતાના મનસૂબા પાર પાડી રહ્યા છે.

લોન કે જોબની ઓફર કરી વ્યક્તિને વિશ્વાસમાં લીધા બાદ મોબાઇલ પર મેસેજ સાથે લિંક મોકલવામાં આવે છે. આ લિંક પર ક્લિક થતા જ મોબાઇલના એક્સેસ પાવર ભેજાબાજ પાસે આવી જાય છે. આ રીતે મોબાઇલના પર્સનલ ડેટાની સાથોસાથ બેંક ડિટેલ્સ થકી ભેજાબાજો બેંકમાંથી નાણાં બારોબાર ટ્રાન્સફર કરી ગુનાને અંજામ આપી રહ્યા છે.

કિસ્સો-1
અડાજણના એક યુવકે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. યુવકે બેંકના નામે કોલ કરી વાતોમાં ભોળવી કેવાયસી ઓનલાઇન એપથી અપડેટ કરી શકો છો. એમ કહી એક લિંક મોકલી આપી હતી. જે લિંક પર ક્લિક કરાતા જ મોબાઇલ કોમ્પ્રોમાઈઝ થઇ ગયો હતો અને ભેજાબાજો રિમોટની જેમ મોબાઇલનો યુઝ કરી બેંક એકાઉન્ટની ડિટેઈલ્સ મેળવી લીધી હતી. આ ડિટેઈલને આધારે તેના ખાતામાં રહેલી રકમ બારોબાર ઉપાડી લીધી હતી.

કિસ્સો-2
મહિધરપુરાના એક વેપારીએ ઓએલએક્સ પર સોફો વેચવા મૂક્યો હતો. તેમના પર એક વ્યક્તિએ કોલ કરી પોતે દિલ્હીનો હોવાનું અને આ સોફો ખરીદવાની ઈચ્છા બતાવી હતી. જો કે, આ સોફો સુરતમાં રહેતા સંબંધીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું કહી બારોબર ડિલિવરી કરવાની વાત કરી હતી. જેનો એકસ્ટ્રા ચાર્જ ચૂકવવાની પણ તૈયારી બતાવી હતી. ત્યારબાદ વેપારીને એક લિંક મોકલી આપી હતી. વેપારીએ આ લિંક ઓપન કરતા જ હેકિંગનો ભોગ બન્યા હતા.

કિસ્સો-3
ઉધનાના યુવકને બેંક કે ફાઈનાન્સ કંપનીના નામે કોલ કરી લોનની ઓફર કરાઈ હતી. લોનની ઓફર સાથે લિંક મોકલાઇ હતી અને લિંક પર ક્લિક થતા જ મોબાઇલ કોમ્પ્રોમાઈઝ થઇ ગયો હતો. આકર્ષણ પગારે જોબની ઓફર કરીને પણ લિંકમોકલી હતી. આ લિંક યુવક દ્વારા ઓપન કરતાની સાથે જ હેકરોએ યુવકના મોબાઇલનો ડેટા પોતાના મોબાઇલમાં મેળવી લીધો હતો. આ રીતે છેતરપીંડી કરવાના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે.

કિસ્સો-4
નાનપુરા, ટીમલિયાવાડમાં આવેલા રાજેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મંથન રાજેશભાઇ જૈન કાપડિયા હેલ્થની પાછળ ટાઇલ્સની દુકાન ધરાવે છે. દરમિયાન ગત તા.9મીએ તેમને બે અજાણ્યા નંબર પરથી ટાઈલ્સ ખરીદવા સંદર્ભે કોલ આવ્યા હતા. કોલરે પેમેન્ટ ઓનલાઈન કરવા કહ્યું હતું. પેમેન્ટ સંબંધિત વાત થયા બાદ તેણે એક કોલ મોકલ્યો હતો. જે મંથન જૈને પોતાના મોબાઇલમાંથી સ્કેન કર્યો હતો. જો કે, કોડ સ્કેન કરતાની સાથે તેમના ખાતામાંથી રૂપિયા 45 હજાર ટ્રાન્સફર થઇ ગયા હતા.

પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો, અજાણી લિંક પર ક્લિક કરવી નહીં: સાયબર એક્સપર્ટ

સાયબર એક્સપર્ટ ડો. સ્નેહલ વકીલનાએ જણાવ્યું કે, જ્યારે પણ અજાણ્યા નંબર પરથી કોલ આવે અને શંકા જાય તો સામેવાળાને વાતોમાં ભોળવીને કે ખોટી માહિતી આપી કન્ફ્યુઝ કરી દેવા જોઇએ. હંમેશાં મોબાઇલ અને વિવિધ એપમાં સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઇએ. મોબાઇલમાં લાઈસન્સ વર્ઝનવાળા એન્ટિવાયર કે એન્ટિ માલવેર અપડેટ રાખવા જોઇએ. અજાણી લિંક પર ક્યારેય ક્લિક કરવી નહીં. કારણ કે, ક્લિક કરવાથી મોબાઈલમાં રહેલો ડેટા હેકરો દ્વારા હેક કરી લેવામાં આવતા હોય છે.

આ પણ જુઓ વીડિયો: રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન