Cyclone Titli Makes Landfall In Gopalpur Odisha, School-College Closed Districts On Alert
  • Home
  • Featured
  • ઓરિસ્સા પહોંચ્યું ‘તિતલી’ : ભારે વરસાદ, અનેક ઝાડ-વિજળીના થાંભલાઓ જમીનદોસ્ત

ઓરિસ્સા પહોંચ્યું ‘તિતલી’ : ભારે વરસાદ, અનેક ઝાડ-વિજળીના થાંભલાઓ જમીનદોસ્ત

 | 9:09 am IST

બંગાળની ખાડીમાં સર્જાયેલાં સાઇક્લોન તિતલીએ બુધવારે પ્રચંડ તોફાની ચક્રવાતને લઈને રેડ એલર્ટની જાહેરાત વચ્ચે વાવાઝોડાએ ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં એન્ટ્રી મારી દીધી છે. આજે સવારથી જ ઓરિસ્સાના સમુદ્રી કિનારા ગોપાલપુરમાં તિતલી ચક્રવાતનું ભયાનક રૂપ જોવા મળ્યું છે. ગોપાલપુરમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો અને વિજળીના થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયં છે. અહીં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે.

સમુદ્રી કિનારા વિસ્તારોમાં સૂસવાટાભર્યા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગે ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ઉગ્ર બની સાઇક્લોનમાં તબદીલ થઈ ગયું હતું. બંગાળની ખાડી પર કેન્દ્રિત તિતલી 14 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઓરિસ્સા અને આંધ્રના દરિયાકિનારા તરફ આગળ વધ્યું હતું. અમેરિકી નેવીના જોઇન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, ચક્રવાત તિતલીની આંખનું નિર્માણ શરૂ થઈ ગયું છે અને તે એક પ્રચંડ વાવાઝોડામાં તબદીલ થયો છે.

હાલ ગોપાલપુરમાં પવનોની ગતિ 102 અને આંધ્ર પ્રદેશના કલિંગપત્તનમમાં 56 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાઈ રહ્યું છે. ઓરિસ્સાના સ્પેશિયલ રિલીફી કમિશનર બિશ્નુપદા સેઠીએ જણાવ્યું હતું કે, રાજ્યના 30માંથી 17 જિલ્લામાં રેડ એલર્ટની સૂચના અપાઈ છે. સેના, એરફોર્સ અને નેવીને એલર્ટ પર રહેવાના આદેશ અપાયા છે.

હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, ચક્રવાતને કારણે 165 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. ચક્રવાતની અસરને કારણે ઓરિસ્સાના ગંજમ, ગજપતિ, પુરી, બાલાસોર અને કેન્દ્રપાડા જિલ્લામાં ભારે વરસાદ બુધવાર બપોરથી જ શરૂ થઈ ગયો હતો.

ભુવનેશ્વરના હવામાન કચેરીના ડિરેક્ટર આર. આર. બિશ્વાસે જણાવ્યું હતું કે, ચક્રવાત તિતલી ઓરિસ્સામાંથી પસાર થઈ ઉત્તર તરફ પશ્ચિમ બંગાળનાં ગંગાનાં મેદાનો તરફ આગળ વધી નબળો પડશે. ચક્રવાત તિતલી આંધ્ર પ્રદેશનાં વિશાખાપટ્ટનમ, વિજિયાનગરમ અને શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વિનાશ વેરે તેવી સંભાવના છે. ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં વિનાશ વેર્યા બાદ ચક્રવાત તિતલી પશ્ચિમ બંગાળના ગંગા મેદાની વિસ્તારો તરફ આગળ વધી ભારે વરસાદ વરસાવે તેવી સંભાવના છે.

માછીમારોને શુક્રવાર સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાતને કારણે દરિયામાં 1 મીટર ઊંચાં મોજાં ઊછળવાની સંભાવના છે તેથી માછીમારોને શુક્રવાર સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર બંગાળની ખાડી અને ઓરિસ્સાના દરિયાકિનારામાં નહીં જવા માછીમારોને સૂચના અપાઈ છે. ઓરિસ્સાનાં તમામ બંદરો પર એલડબ્લ્યૂ-ફોર સિગ્નલ લગાવવામાં આવ્યાં છે.

ચક્રવાતના માર્ગમાં આવતાં ઓરિસ્સાના 4 જિલ્લામાં બુધવારથી શાળા-કોલેજો બંધ

ઓરિસ્સાના મુખ્યસચિવ એ. પી. પાધીએ જણાવ્યું હતું કે, ચક્રવાત તિતલીના માર્ગમાં આવતાં ગંજમ, ગજપતિ, પુરી અને જગતસિંહપુર એમ ચાર જિલ્લામાં આંગણવાડી, શાળા, કોલેજો અને અન્ય શિક્ષણસંસ્થાઓને બુધવારથી જ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ચક્રવાત ત્રાટક્યા પછીની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અન્ય જિલ્લાની શિક્ષણસંસ્થાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.

અરબી સમુદ્રમાં સાઇક્લોન લુબાન, કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં પણ સાઇક્લોન લુબાન સક્રિય બન્યું છે. અત્યારે સાઇક્લોન લુબાન પશ્ચિમ -મધ્ય અને દક્ષિણ -પશ્ચિમ અરબી સમુદ્રમાં ઓમાનથી 800 કિમી અને યમનથી 680 કિમી દૂર સ્થિર છે. ઔસાઇક્લોન લુબાનની અસર અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લુબાનની અસરને કારણે કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં સાઈક્લોન લુબાન યમન અને ઓમાનના દરિયાકિનારા તરફ આગળ વધવાની સંભાવના છે. સાઇક્લોન લુબાનની સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર પણ અસર પડી શકે છે.