ચેતી જજો ગુજરાતીઓ, 48 કલાકમાં ગુજરાતમાં ત્રાટકશે ''ઓખી'', તંત્ર એલર્ટ પર - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Gujarat
 • ચેતી જજો ગુજરાતીઓ, 48 કલાકમાં ગુજરાતમાં ત્રાટકશે ”ઓખી”, તંત્ર એલર્ટ પર

ચેતી જજો ગુજરાતીઓ, 48 કલાકમાં ગુજરાતમાં ત્રાટકશે ”ઓખી”, તંત્ર એલર્ટ પર

 | 2:46 pm IST

તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપને ધમરોળ્યા બાદ ચક્રવાત ઓખી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં 48 કલાકમાં ગમે ત્યારે ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે તેવી આગાહી કરી દેવામાં આવી છે. આ અંગે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાત્કાલિક બેઠક મળી હતી. આ બાદ મહેસૂલ સચિવ પંકજ કુમારની પણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમા ઓખી વાવાઝોડને લઈને તંત્ર એલર્ટ થયું છે તેવી માહિતી તેમજ ક્યાં ક્યાં કેવું મેનેજમેન્ટ છે તેની માહિતી આપવામાં આવી હતી. વાવાઝોડાથી રાજ્યના સુરતની આજુબાજુના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 5મી ડિસેમ્બરની મદ્યરાતથી વાવાઝોડાની અસર શરૂ થશે. જેમાં 50થી 70 કિમીની ઝડપે પવન ફુંકાશે. આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ પણ ખડેપગે તૈનાત કરી દેવાઈ છે.

ઓખી વાવાઝોડાને લઈ તંત્ર બન્યુ એલર્ટ છે. ગાંધીનગર ખાતે યોજાયેલી મીટિંગમાં હવામાન વિભાગના જયંત સરકાર પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમા માહિતી અપાઈ હતી કે, વાવાઝોડુ ઓખી ગુજરાત તરફ નબળુ પડી આગળ વધી રહયુ છે. સુરત નવસારીના દરીયાકિનારામાંથી જમીનમાં દાખલ ગુજરાતમાં એન્‍ટ્રી મારતા નબડુ પડી જશે.

 • નવસારીમાં દરિયા કિનારાના 7 ગામોને એલર્ટ કરી દેવાયા છે. એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરી દેવાઈ છે.
 • ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, દીવમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
 • ઓખી વાવાઝોડુ આવતીકાલે મધ્યરાત્રિએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે.
 • 50થી 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
 • ગુજરાતમાં પ્રવેશ કરતા વાવાઝોડુ નબળું પડશે
 • દરિયાનાં મોજાની 1થી 2 ફૂટ ઉંચા ઉછળશે
 • માછીમારોને દરિયામાંથી પરત ફરવા અંગે કરાઈ જાણ
 • તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી
 • ઘોઘા – દહેજ રો – રો ફેરી 6 ડિસેમ્બર સુધી બંધ કરાઈ
 • રાજ્યોના મોટાભાગના શહેરોમાં વરસાદી વાતાવરણ છવાયુ છે

દક્ષિણ સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના વિસ્‍તારોમાં માવઠાની સંભાવના હવામાન વિભાગે કરી છે. રાજુલા, ભાવનગર, લિંબડી, નવસારી, સુરત, અંકલેશ્‍વર અમદાવાદની આજુ બાજુમાં માવઠુ થશે. દક્ષિણ ભારતમાં તાંડવ મચાવનાર તોફાન ઓખીના કારણે હવામાન વિભાગે એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્‍તાર માટે છે. હવામાન વિભાગે આપેલી ચેતવણીના કારણે વિધાનસભા ચુંટણીના પ્રચારને પણ અસર પડે તેવી શકયતા છે. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબકકા માટે ૧૮ ડિસેમ્‍બરે મતદાન યોજવાનું છે.

વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, તથા સૌરાષ્‍ટ્રના બોટાદ, અમરેલી, રાજકોટ, ગિરસોમનાથ તેમજ ભાવનગરમાં વરસાદની પણ શકયતા દશાર્વી છે. આ ઉપરાંત વેરાવળ, માંગરોળ બંદર પર ૨ નંબરનું સિગ્નલ લગાવાયુ છે. હવામાન વિભાગે માછીમારોને દરિયોના ખેડવાની સુચના આપી છે તેમજ ચેતવણીમાં એ પણ જણાવાયું છે કે આ દરમિયાન ૬૫ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ફુંકાવાની શકયતા છે.

ઓખી ચક્રવાતને લઈ નેવીએ ગુમ થયેલી બોટનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં 250થઈ વધુ બોટને શોધવાનું કામ ચાલી રહ્યુ છે. સૂત્રો અનુસાર, મુંબઈ અને આસપાસની 250 જેટલી બોટો ગુમ છે. જેના માટે 5 જેટલા હેલિકોપ્ટરની મદદ સર્ચ ઓપરેશનમાં લેવાશે.

પોરબંદરની પરિસ્થિતિ
ઓખી વાવાઝોડાને કારણે પોરબંદરના દરિયા કિનારા પરથી પણ સમુદ્ર ખેડવા ગયેલી બોટ કિનારા પર પરત ફરી ગઈ છે. મોટાભાગની ફિશીંગ બોટ પાછી આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 500 જેટલી બોટ સાથે 3000 માછીમારો દરિયો ખેડવા ગયા હતા. તમામ બોટ સાંજ સુધી કિનારે પરત ફરશે.

લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુમાં વિનાશનું તાંડવ
ચક્રવાત ઓખીએ લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુમાં ભારે વિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં 22 લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે અને 700થી વધુ માછીમારોને બચાવી લેવાયા છે. હજુ 115 માછીમારો લાપતા હોવાનું અનુમાન છે. સરકાર દ્વારા જે રીતે બચાવકાર્ય હાથ ધરાયાં તેની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. દરિયાકિનારના વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. તેમણે સરકાર સમક્ષ નુકસાન પામેલી દરિયાઈ દીવાલોને ફરી બનાવવાની અને દરિયાકિનારા પર રહેતાં લોકોનું પુનર્વસન કરવાની માગ કરી છે. દરિયામાં ફસાયેલા માછીમારોને બચાવવા હવે સ્થાનિકો દરિયામાં જવા લાગ્યાં છે. સરકાર દ્વારા અપાયેલી ચેતવણીને અવગણી 40 કરતાં વધુ બોટમાં માછીમારો પોતાના સ્વજનોને શોધવા નીકળી પડયાં છે.