ચેક ચોરી કેસ : SRP કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા કાર્યવાહી શરૂ કરાઇ

10

બાયડ, તા.૧૬

માલપુરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા શાખામાં નડીયાદ એસ.આર.પી. ગૃપની કચેરીમાંથી એસ.આર.પી. કોન્સ્ટેબલે ચેક ચોર્યા પછી શાળાના ખાતામાં ચેક જમા કરાવનાર જવાન કાળુ પુના બારીયા સામે ગુનો દાખલ થતાંની સાથે જ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એસ.આર.પી. ગૃપના અધિક્ષકે પોલીસ પાસેથી એફ.આઈ.આર.ની નકલ લઈ તાત્કાલિક સસ્પેન્ડ કરવાનું મન બનાવી લેતાં એસ.આર.પી. કોન્સ્ટેબલને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

વિરપુરના અને નડીયાદ એસ.આર.પી. ગૃપમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કાળુ પુના બારીયા સાથે ઘટીત થયું છે. નડીયાદ એસ.આર.પી. ગૃપ-૭ માંથી કોન્સ્ટેબલે ચેકની ચોરી કરી હતી અને ચોરાઉ ચેકમાં રૂ.૪,૩ર,૦૦૦ની રકમ ભરી બોગસ સહી-સિક્કા તેમજ ચેક ખોટો હોવાનું પોતે જાણતો હોવા છતાં માલપુર તાલુકાના ડામોરનામુવાડાના સાળા કાન્તિભાઈ અમરાભાઈ ડામોરના માલપુર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા શાખાના બેન્ક ખાતામાં જમા કરાવતાં ઠગાઈનો આપો આપ પર્દાફાશ થતાં એસ.આર.પી. ગૃપ ખુદ ચોંકી ઉઠયું હતું. તપાસ કરતાં એસ.આર.પી. કોન્સ્ટેબલે તા.૧૪-ર-૧૧ના સમયગાળામાં બેન્કમાં રજૂ કરેલા ચેકની ચોરી કરી હતી અને રૂપિયાની લ્હાયમાં સાળાના ખાતામાં બેન્કમાં ચેક જમા કરાવી ગુનાહીત કાવતરૂ ગુપ્ત રીતે રચ્યું હતું પરંતુ આખરે ભાંડો ફૂટી જતાં પોલીસ ફરિયાદ થઈ છે. માલપુર પોલીસ સ્ટેશનમાં નડીયાદ એસ.આર.પી. ગૃપના કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાંની સાથે જ તેની સામે સસ્પેન્ડની કાર્યવાહી કરવા માટેના ચક્રો તેજ બનાવાય છે.

પોલીસ પાસેથી એસ.આર.પી. અધિક્ષકે એફ.આઈ.આર.ની નકલ તાત્કાલિક મેળવી લીધા પછી ગમે ત્યારે એસ.આર.પી. કોન્સ્ટેબલ સસ્પેન્ડ થાય તેમ છે. રૂપિયાની લાલચમાં ભાનભૂલી ખાખી વર્દીધારી જવાને ખુદના ગૃપમાંથી જ ચેક ચોરી કરતાં હવે કાયમને માટે પગારદાર નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.