દલિતોને ખુશ કરવાનાં ચક્કરમાં ભાજપથી સવર્ણ મતદારો નારાજ - Sandesh
  • Home
  • Columnist
  • દલિતોને ખુશ કરવાનાં ચક્કરમાં ભાજપથી સવર્ણ મતદારો નારાજ

દલિતોને ખુશ કરવાનાં ચક્કરમાં ભાજપથી સવર્ણ મતદારો નારાજ

 | 1:01 am IST

સ્નેપ શોટ

એસસી, એસટી એક્ટના વિરોધમાં સવર્ણોએ આપેલાં ભારત બંધનાં એલાનની અસર  યુપી, એમપી, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળી હતી. આ પાંચ રાજ્યોમાં ઠેર ઠેર લોકોનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. કેટલીક જગ્યાએ ટ્રેનોને રોકવામાં આવી હતી, રસ્તા પર ચક્કાજામ કર્યો હતો, ટાયરો સળગાવવામાં આવ્યાં હતાં. દેશનાં અન્ય રાજ્યોમાં સવર્ણોએ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડયો હતો. સવર્ણોનો આ વિરોધ હિંસાત્મક નહીં રહેતાં આજ પૂરતી સરકારને નિરાંત થઈ હતી, પરંતુ ભાજપ સરકારની વોટબેન્ક સવર્ણોની ગણાય છે અને સવર્ણો સરકારના વિરોધમાં રસ્તા પર ઊતર્યાં છે તે ભાજપપાર્ટી માટે એક ચિંતાજનક વિષય બની ગયો છે.

એસસી, એસસી એક્ટ અંગેનો સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટે આ કાયદામાં સુધારો કરતાં ગરમાયો હતો. દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ પર થતા અત્યાચારો અને તેમની સાથેનો ભેદભાવ રોકવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર રોકથામ એક્ટ ૧૯૮૯ બનાવવામાં આવ્યો હતો.  આ એક્ટમાં સમાજના પછાતવર્ગો અને જાતિઓને સમાજમાં એક સરખો દરજ્જો આપવા માટે કેટલાક નિયમો બનાવાયા હતા અને આ જાતિઓ વિરુદ્ધ અત્યાચાર કે અન્યાય કરનાર સામે કડક કાયદા અને જોગવાઈ કરાઈ હતી.  સુપ્રીમ કોર્ટ સમક્ષ એસટી, એસટી એક્ટનો દુરુપયોગ થતો હોવાની યાચિકા દાખલ થઈ હતી અને આ એક્ટમાં સુધારો કરવા અંગેની માગ કરાઈ હતી, જેનો ચુકાદો સુપ્રીમ કોર્ટે  આપ્યો હતો અને એસસી, એસટી એક્ટમાં કેટલાક સુધારા કર્યા હતા. જે અનુસાર આ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવે તો તરત આરોપીની  ધરપકડ નહીં કરવામાં આવે. કોર્ટે  કહ્યું હતું કે, ફરિયાદ પછી તરત એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે ફરિયાદ મળ્યા પછી ડીએસપી લેવલના પોલીસઅધિકારી દ્વારા તેની પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને પછી આ તપાસ સાત દિવસમાં સમેટી ડીએસપીને યોગ્ય લાગશે તો ફરિયાદ દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે આ એક્ટનો ખોટો દુરુપયોગ થતો હોવાનું માન્યું હતું અને સરકારી કર્મચારીઓ સામે જો આ કેસ હેઠળ ફરિયાદ દાખલ થાય તો આગોતરા જામીની પણ સગવડ આપી હતી.

સુપ્રીમ કોર્ટે એસસી, એસટી એક્ટમાં ફેરફાર કરતાં દેશના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. એક્ટમાં ફેરફારના વિરોધમાં ૨જી એપ્રિલે દેશનાં દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. આ બંધ દરમિયાન દેશભરમાં અને ખાસ કરીને હિન્દી બેલ્ટનાં રાજ્યોમાં ભારે તોફાનો થયાં હતાં અને ૨૦ હજાર કરોડનું નુકસાન નોંધાયું હતું.  દેશનાં દલિત સંગઠનોએ એસસી, એસટી એક્ટમાં ફેરફારને પોતાની તરફ અન્યાય અને ભેદભાવ તરીકે ઓળખાવ્યો હતો અને  આ એક્ટમાં સહેજ પણ ફેરફાર નહીં કરવાની માગણી કરી હતી. દેશભરનાં દલિત સંગઠનો સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એક થઈ ગયાં હતાં ત્યારે વિપક્ષોએ પણ દલિત સંગઠનોની હામાં હા પુરાવી હતી.  એનડીએ સર્મિથત પાર્ટીના આગેવાન જેવા કે રામવિલાસ પાસવાને પણ આ એક્ટમાં ફેરફાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આને કારણે ભાજપ સરકાર ભીંસમાં મુકાઈ હતી અને એક્ટમાં ફરી પાછો ફેરફાર કરવાની બાંયધરી આપી હતી.

એનડીએની સરકારે ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં એસસી, એસટી સંશોધક વિધાયક ૨૦૧૮ રજૂ કરી મૂળ કાયદામાં ધારા ૧૮એ જોડી હતી. આનાથી એસસી, એસટી એક્ટનો જે જૂનો કાયદો હતો તે જ ચાલુ રાખવાનો નિર્ણય લોકસભામાં સર્વાનુમતે લેવાયો હતો. આને કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ફેરફાર આ એક્ટમાં કરાયા હતા તે રદ થઈ ગયા હતા, આથી હવે, એસસી, એસટી એક્ટ હેઠળ જેવી ફરિયાદ દાખલ થશે કે તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવશે આ ઉપરાંત આરોપીને આગોતરા જામીન પણ નહીં મળે તથા આરોપીને માત્ર હાઇકોર્ટમાંથી જ જામીન મળી શકશે તથા ફરિયાદની તપાસ હવે ઇન્સ્પેક્ટર લેવલના ઓફિસર કરશે તથા જાતિસૂચક શબ્દો ઉચ્ચારનાર સામે પણ ફરિયાદ દાખલ થઈ શકશે. હવે સરકારી અધિકારીઓ પર પણ ફરિયાદ કરવા માટે તપાસ એજન્સીના અધિકારીઓની મંજૂરી લેવાની જરૂરત રહેશે નહીં.

લોકસભામાં આ સુધારા સર્વાનુમતે મંજૂર થતાં ફરી એસસી, એસટી એક્ટનો મૂળભૂત કાયદો અમલમાં આવી ગયો છે અને તેને કારણે દેશની સવર્ણ જાતિઓ રોષે ભરાઈ છે. એ હકીકત હતી કે એસસી, એસટી એક્ટના કાયદાનો  દુરુપયોગ કેટલીક જગ્યાએ થયો હતો. આ કાયદાની ઓથ હેઠળ કેટલાક નિર્દોષોને જેલમાં  રહેવાનો વખત આવ્યો હતો.  આ વાત સુપ્રીમ કોર્ટે પણ કબૂલી હતી. સવર્ણ જાતિના આગેવાનોનો આક્ષેપ છે કે,  દેશના બહુમતી મતદારો એસસી, એસટીના હોય સરકારે તેમને ખુશ રાખવા સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી છે અને  સુપ્રીમ કોર્ટે કરેલા કાયદાના સુધારાને ચાતરી જઈને ફરી પાછો  મૂળભૂત એસસી, એસટી એક્ટને દેશની ઉપર થોપી દીધો છે. સવર્ણ આગેવાનોનો રોષ એ વાતનો છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે તમામ પાસાઓના ગુણદોષ જોઈને એક્ટમાં સુધારો કર્યો હતો ત્યારે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવાની શું જરૂર હતી? સવર્ણ જાતિના આગેવાનોનો દાવો છે ભાજપ સરકારને અમે વોટ આપીને જિતાડી છે પરંતુ ભાજપ સરકારે એસસી, એસટી એક્ટને યથાવત્ રાખીને સવર્ણો જોડે અન્યાય કર્યો છે.

સવર્ણ જાતિઓએ ભારત બંધનું એલાન આપતાં ભાજપ સરકાર સમસમી ગઈ હતી અને સવર્ણ જાતિઓની નારાજગી કેવી રીતે દૂર કરવી  તે અંગે ભાજપની નેતાગીરી કામે લાગી હતી,  જોકે સત્તાવાર રીતે હજુ ભાજપ તરફથી આ અંગે કોઈ જ નિવેદન આવ્યું નથી, પરંતુ પાર્ટીના નેતાઓ આ પ્રકરણને ચગાવવા માટે કોંગ્રેસ પર દોષારોપણ કરી રહ્યા છે, જ્યારે ભાજપના સાંસદ કલરાજ મિશ્રાએ જાહેરમાં કબૂલ્યું હતું કે, એસસી, એસટી એક્ટનો ગ્રાઉન્ડલેવલ પર દુરુપયોગ થાય છે તે સાચી વાત છે.

ભાજપ માટે એસસી, એસટી એક્ટનો મુદ્દો એ પગમાં ફસાઈ ગયેલા કાંટા જેવી બાબત બની ગઈ છે. એસસી, એસટી એક્ટને યથાવત્ રાખીને નારાજ થયેલા દલિત અને આદિવાસી મતદારોને ખુશ કરવાનો ભાજપનો ઇરાદો છે પરંતુ આ કાર્યવાહીમાં ભાજપની વોટબેન્ક ગણાતા સવર્ણ મતદારો નારાજ થઈ ગયા છે જે ભાજપ માટે ચિંતાજનક વાત છે.