બાંધ ગઠરિયા :  બહેતર જીવન અને વેતન આપતા દેશોમાં સિંગાપુર મોખરે - Sandesh
  • Home
  • India
  • બાંધ ગઠરિયા :  બહેતર જીવન અને વેતન આપતા દેશોમાં સિંગાપુર મોખરે

બાંધ ગઠરિયા :  બહેતર જીવન અને વેતન આપતા દેશોમાં સિંગાપુર મોખરે

 | 1:17 am IST

। નવી દિલ્હી ।

બધા જ જાણે છે કે પરદેશ જવાથી વેતન ઊંચું મળે છે. પરદેશ જવાની તૈયારી હોય તો  સ્વિટ્ઝરલેન્ડ,અમેરિકા કે હોંગકોંગ પહોંચતાં જ રૂપિયા ૧૫ લાખ સુધીનું વેતન મળતું હોય છે. આટલા ઊંચા પેકેજને નકારવું કદાચ મુશ્કેલ બની રહે. સ્થળાંતર કરીને પરદેશ ગયેલા લોકોનું સર્વેક્ષણ કરીને આ તારણ કાઢવામાં આવ્યું છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકી ૪૫ ટકાનું કહેવું છે કે તેઓ દેશમાં જે વેતન મેળવી રહ્યા હતા તેના કરતાં વધુ વેતન મળતું હોવાથી પરદેશગમન કર્યું હતું. તો ૨૮ ટકા લોકોએ કહ્યું હતું કે જોબમાં બઢતી મળવાથી પરદેશની વાટ પકડી હતી. સંગીન અર્થતંત્ર માટે પંકાયેલું સિંગાપુર બહેતર જીવન અને ઊંચા વેતન આપતાં વિશ્વના આવા સ્થાનોમાં સતત ચોથા વર્ષે મોખરે છે. સિંગાપુર રૂપિયા દોઢ કરોડ સુધીના વેતનની ઓફર કરે છે. વૈશ્વિક સરેરાશ કરતાં પણ આ વેતન બમણુ કહી શકાય. ન્યૂઝીલેન્ડ, જર્મની, કેનેડા કે સ્વિટ્ઝરલેન્ડને પાછળ રાખીને સિંગાપુર મોખરે રહ્યું છે.

એચસીબીસી દ્વારા પરદેશગમન કરી ગયેલા લોકો વિષે થયેલા સર્વેક્ષણમાં સિંગાપુરને રહેવા અને કામ કરવા માટેના શ્રેષ્ઠ સ્થાનનો દરજ્જો મળેલો છે. વિશ્વના સૌથી નાના દેશમાં વ્યક્તિને બહેતરે જીવન જીવવા માટે જેની શોધ હોય છે તે તમામ બાબતો ઉપલબ્ધ છે.

બહારથી આવીને વસનારાઓને આવકારવામાં સ્વિટ્ઝરલેન્ડ મોખરે છે. આ દેશમાં વ્યક્તિગત લાભો પણ સારા મળે છે. સ્વિડન એક એવો દેશ છે કે જે પારિવારિક જીવનને વધુ મહત્ત્વ આપે છે. સંતાનો અને પરિવાર તરફ અહીં વધુ ધ્યાન આપવામાં આવે છે. વૈશ્વિક સરેરાશ કરતાં અહીં પરદેશથી આવીને સ્થિર થયેલા લોકોને વાર્ષિક સરેરાશ ૨,૦૩,૦૦૦ ડોલરની આવક થાય છે. પરંતુ આ દેશમાં સંતાનોના ઉછેરનું ખર્ચ ઊંચું હોય છે. જોકે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં તમે પોતે સફળ ના હોવ તો વિદેશમાં જીવન જીવવાની તક મળવી મુશ્કેલ છે. ૩૧ દેશોની યાદીમાં ભારતનું સ્થાન આ વર્ષે બે ક્રમ પાછળ ગયું છે અને તે ૧૨મા ક્રમે રહ્યું છે.

ટોપ ટેન દેશ 

બહેતર જીવન અને ઊંચા વેતનના માપદંડોને ધ્યાને રાખતાં સિંગાપુર ટોચનું શહેર રહ્યું છે. ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને, જર્મની ત્રીજા,કેનેડા ચોથા, બહેરીન પાંચમા, ઓસ્ટ્રેલિયા છઠ્ઠા, સ્વિડન સાતમા, સ્વિટ્ઝરલેન્ડ આઠમા, તાઇવાન નવમા તો યુએઈ દશમા ક્રમે છે.