તાલિબાનનો ઉદય : વિશ્વ માટે ડેન્જરસ સિગ્નલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • તાલિબાનનો ઉદય : વિશ્વ માટે ડેન્જરસ સિગ્નલ

તાલિબાનનો ઉદય : વિશ્વ માટે ડેન્જરસ સિગ્નલ

 | 7:42 am IST
  • Share

અનુસંધાન : દેવેન્દ્ર પટેલ

આખા વિશ્વના મીડિયામાં અફઘાનિસ્તાન આજકાલ ચર્ચાનો વિષય છે. અફઘાનિસ્તાન કરતાં અમેરિકાએ જે રીતે અફઘાનિસ્તાનમાંથી અધૂરા મિશને એક્ઝિટ કરી તે બાબતની ચર્ચા વધુ છે. અમેરિકા તેનું કોઈપણ મિશન પાર પાડયા વિના જ પલાયન થવાની વૃત્તિ ધરાવે છે અને છેલ્લે એણે પૂરું પ્લાનિંગ કર્યા વિના જ જે રીતે અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી તેના કારણે અફઘાનિસ્તાનના લોકો જ તાલિબાનોના ત્રાસવાદથી તેમનો દેશ છોડવા મજબૂર બન્યા છે. સ્ત્રીઓની હાલત તો દયાજનક છે. અમેરિકાની રવાનગીથી હવે એશિયામાં તાલિબાનોના કબજા હેઠળના અફઘાનિસ્તાન, ચીન, રશિયા, પાકિસ્તાન, ઇરાન અને તુર્કી જેવા દેશોની એક નવી જ ધરીએ આકાર લીધો છે. જે એક ડેન્જરસ સિગ્નલ છે.

વિશ્વ જમાદાર તરીકે પોતાની જાતને ઓળખાવતા અમેરિકાએ ખાનગીમાં તાલિબાનો સાથે સમજૂતી કરી લીધી કે પોતાના સૈનિકોના જીવ બચાવવા રવાનગી કરી તે જોતાં એ કળવું મુશ્કેલ છે કે અફઘાનિસ્તાનના મુદ્દે અમેરિકા જીત હાંસલ કરનાર ‘હીરો’ છે કે જીવ બચાવીને ભાગેલો ખલનાયક છે?

અમેરિકાએ જે રીતે પોતાની ગેરજવાબદારીભર્યું વર્તન કર્યું છે તે જોતાં અફઘાનિસ્તાનના લાખો લોકોને તેણે કટ્ટર આતંકવાદીઓના ભરોસે છોડી દીધા છે. અમેરિકાએ જો આ રીતે પલાયન જ થવું હતું તો ૨૦ વર્ષ સુધી શું તેણે બેવકૂફી ઔજ કરી?

અમેરિકામાં તેમના પ્રેસિડેન્ટ જો ઔબાઇડેનને જે પ્રશ્નો પુછાય છે તે જોતાં તેમના જ નાગરિકોને હવે જો બાઇડેનની એક જવાબદાર પ્રેસિડેન્ટ તરીકેની કાર્યક્ષમતા પર ભરોસો રહ્યો નથી. તાલિબાનોને કાબુલ સુધી પહોંચવામાં ૯૦ દિવસ લાગશે તેવો અમેરિકન ગુપ્તચર એજન્સીઓનો રિપોર્ટ ખોટો પડયો છે. ૯૦ દિવસના બદલે તાલિબાનોએ નવ જ દિવસમાં કાબુલનો કબજો લઈ લીધો. સાચી વાત એ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટે તેમના નાગરિકોને વાકેફ કર્યા વગર જ અમેરિકાનું અફઘાન-મિશન અધૂરું છોડી દીધું.

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેનના આ નિર્ણયે છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન અમેરિકાને તથા તેના સૈન્યને મદદ કરનાર અફઘાન નાગરિકો માટે પણ મોટું જોખમ ઊભું કરી દીધું છે. કારણ કે તાલિબાનો પાસે હવે એ ડેટા પણ ઉપલબ્ધ છે કે કયા કયા  અફઘાની નાગરિકો અમેરિકન લશ્કરને અને અશરફ ગનીની સરકારને મદદ કરતા હતા. તાલિબાનો હવે અમેરિકાના સમર્થક એવા અફઘાન નાગરિકોને  વીણી વીણીને મોતને ઔઘાટ ઉતારશે.

ઈતિહાસ એવો છે કે ૨૦૧૪માં અમેરિકાના તે વખતના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારથી જ તાલિબાનોએ મજબૂત થવાની શરૃઆત કરી દીધી હતી. ૨૦૧૮માં દોહા-સમજૂતી બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનના મુદ્દે હાથ જ અદ્ધર કરી લીધા હતા. સાચી વાત એ છે કે એ પછી તાલિબાનોએ અમેરિકી સૈન્ય અને અડ્ડાઓ પર હુમલા કરવાના બંધ કરી દીધા હતા અને આ વાત અમેરિકાએ બધાથી છુપાવી હતી. તે પછી અમેરિકાના તે વખતના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પછી જો બાઇડેન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા અને જો બાઇડેને કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી અલ કાયદાને ખતમ કરવાનો મકસદ પૂરો થઈ ગયો છે તેથી અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દેવું. વાસ્તવિક્તા એ છે કે અલ-કાયદા અને તાલિબાનો વચ્ચે કોઈ જ ફરક નથી. ભૂત ગયું તો પલીત આવ્યું.

અમેરિકાએ છેલ્લા ૨૦ વર્ષમાં  અફઘાનિસ્તાનમાં ૮૦૦ લાખ રૃપિયા (ભારતીય કરન્સી પ્રમાણે) ખર્ચ્યા છે. આ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં અઢી લાખ લોકો માર્યા ગયા. અમેરિકા અને નાટોના લગભગ ૫,૦૦૦ સૈનિકો માર્યા ગયા. અફઘાન સૈન્ય અને પોલીસના લગભગ ૫૦,૦૦૦ લોકો માર્યા ગયા. ૭૦ હજાર અફઘાની નાગરિકો માર્યા ગયા જેમાં ૧૧,૦૦૦થી વધુ તો મહિલાઓ અને બાળકો હતા.

આ ૨૦ વર્ષ દરમિયાન ૫૦,૦૦૦ તાલિબાનો પણ માર્યા ગયા. ૨૦૦૧માં અમેરિકાએ ફક્ત ૧,૩૦૦ સૈનિકો અફઘાનિસ્તાનમાં મોકલ્યા હતા પરંતુ ૧૦ વર્ષ બાદ તે સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ. જો બાઇડેનનું કહેવું છે કે હજુ ઔલડાઈ ચાલુ રહેત તો વધુ અમેરિકન સૈનિકો માર્યા જાત.

આ વાતનું ભાન અમેરિકાને પહેલાં કેમ ના થયું ? વિયેતનામમાં પણ તેણે હજારો સૈનિકો ગુમાવ્યા હતા. વિયેતનામના ગામડાંઓ પર એણે પ્રતિબંધિત નેપામ બોમ્બ ઝીંક્યા હતા. કેટલીક વિયેતનામી મહિલાઓ પર અમેરિકી ઔસૈનિકોએ બળાત્કાર કર્યા હોવાના આરોપો લગાવાયા હતા.

ખરી વાત તો એ છે કે દુનિયાના નાનામાં નાના દેશમાં કાંઈ થાય  તો અમેરિકા મેદાનમાં આવી જતું હતું પરંતુ તે દિવસો હવે ગયા.  ખરી વાત એ છે કે અફઘાનિસ્તાનમાંથી રશિયનોને હટાવવા એણે જ તાલિબાનોને મદદ કરી હવે એનું રૃખ બદલાયું છે. તાલિબાનોને પણ એ વાતની ખબર પડતી નથી કે વિશ્વની મહાસત્તાઓ માટે અફઘાનિસ્તાન એક રણભૂમિ છે. અમેરિકા અને રશિયા, ચીન જેવા દેશો સામે લડવા  ઔમાટે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કરતું રહ્યું.

ખેર !

૨૦ વર્ષ બાદ અમેરિકાને હવે સમજાયું છે કે અત્યાર સુધીમાં આપણે અફઘાનિસ્તાનમાં રહી હજારો સૈનિકો અને નાણાં ગુમાવ્યાં. અમેરિકાની પ્રજાનો એક સમૂહ આ દૃષ્ટિકોણથી જો બાઇડેનના નિર્ણયને સાચો  પણ માને છે. અમેરિકન સૈન્યની વાપસી બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહેલા તેના નાગરિકોને  પણ પાછા લાવવા માટે પોતાના ૬,૦૦૦ સૈનિકો કાબુલ એરપોર્ટ પર તૈનાત કર્યા. જો બાઇડેનને તેના  સૈનિકોને પાછા બોલાવતા પહેલાં શસ્ત્રવિહીન તેના નાગરિકોને વહેલા પાછા લાવી દેવાની જરૃર હતી. અલકાયદા અને તાલિબાનો પર ઝનૂન બતાવવાવાળી અમેરિકાની જનતાને હવે કાબુલ એરપોર્ટ પર હવાઈ જહાજ પર લટકતા નીચે પડીને મોતને ભેટતા અને કાંટાળી તારની વાડ પર બાળકીને ઉછાળવાની તસવીર વિચલિત કરી શકે છે.

હવે અમેરિકાની જનતા માટે જો ઔબાઇડેન જો હીરો છે તો ખલનાયક તાલિબાન હોવું જોઈએ. સવાલ એ છે કે એ હીરો કેવા જે ૨૦ વર્ષ સુધી જે ભૂમિ પર  જેમની સામે લડે છે તે જ ભૂમી પર તેમના જ દુશ્મનોને સત્તા અને પોતાના અબજોના શસ્ત્રો મફતમાં ભેટ આપી દે છે.

જો અમેરિકાની પ્રજાના એક સમૂહ માટે જો બાઇડેન નાયક છે તો તેમની પર ભરોસો મૂકનાર બિચારા, લાચાર ઔઅને નિર્દોષ અફઘાન પ્રજા માટે તેઓ ખલનાયક છે.

અફઘાન નાગરિકો માટે જો બાઇડેને કેવી મુશ્કેલી સર્જી છે તેનો મોટામાં મોટો નમૂનો એ છે કે તાલિબાનોના કહેવાથી કે પોતાના સમજણથી જો બાઇડેને અફઘાનિસ્તાનની બગદાદ જેલમાંથી ૫,૦૦૦ કેદીઓને છોડી મૂક્યા. આ કેદીઓમાં અલકાયદા, લશ્કર-એ- તોઇબા જૈશ, આઇ.એસ.આઇ. જેવા ખતરનાક આતંકવાદી સંગઠનોના ખતરનાક આતંકવાદીઓ હતા. શું એ બધા લોહી તરસ્યા આતંકવાદીઓને અમેરિકાએ નિર્દોષ અફઘાની નાગરિકો અને મહિલાઓને રંજાડવા છોડી દીધા?

એ વાત સાચી છે કે છેલ્લા ૨૦ વર્ષમાં અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરનાર અલ-કાયદાની  કમર તોડી નાખી અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને મારી નાખ્યો પરંતુ તેના વારસદારો આજે સક્રિય છે અને તે બદલો લેવાની ફિરાકમાં છે. બીજો એક ભય હક્કાની નેટવર્ક તરફથી પણ છે તેના નેતાઓ તાલિબાનો સાથે નવી સરકારમાં ભાગીદાર થવાની પેરવીમાં છે. આ સંગઠન આઇ.ડી.ડી. બ્લાસ્ટ કરવામાં માહેર છે. હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં ભૂમિગત લડાઈમાં અમેરિકાને સૌથી વધુ નુકસાન પહોંચાડયું હતું. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૧૨માં હક્કાની નેટવર્કને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

એ જે હોય તે !

સાચી વાત એ છે કે અમેરિકાએ સામે ચાલીને તાલિબાનોને અપાયેલી જીતથી બીજા દેશોમાં કાર્યરત આતંકવાદીઓને પણ હવે લાગશે કે અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ રવાના કરી સત્તા હાંસલ કરી શકાય છે. આ ઘટના બાદ વિશ્વના ઘણા બધા દેશોમાં આતંકવાદીઓની કટ્ટરતા વધશે અને આખા વિશ્વ માટે આ એક ડેન્જરસ સિગ્નલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન