Dark Chocolate, Know Its Benefits for Blood Pressure
  • Home
  • Featured
  • બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે ડાર્ક ચોકલેટ, જાણો તેના ફાયદા

બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે ડાર્ક ચોકલેટ, જાણો તેના ફાયદા

 | 12:24 pm IST

ડાયટ ટિપ્સ : શુભાંગી ગૌર

જેમ સ્ત્રીઓને પાણીપૂરી જુએ અને કંટ્રોલ ન થાય, ભલે પછી ડાયટ કરતાં હોય તો પણ પાણીપૂરી ખાવાનું મન અચૂક થઇ જાય તેમ ચોકલેટ માટે પણ કંઇક આવું જ ક્રેવિંગ થતું હોય છે. ચોકલેટ દેખાય એટલે તેને ખાવાનું મન ચોક્કસ થઇ આવે. પણ ચોકલેટ ખાઇએ એટલે તરત જ વિચાર આવે કે ખાઇ તો લીધી પણ પાછળથી જે વજન વધશે તેને કઇ રીતે ઉતારીશ. જો કે હવે ગભરાવાની જરૂર નથી, કેમ કે ચોકલેટ ખાધા પછી તમને પસ્તાવો બિલકુલ નહીં થાય. અને તમે ચોકલેટ હસતાં હસતાં ખાઇ શકશો, કેમ કે તે તમારા શરીર માટે ખૂબ જ ગુણકારી સાબિત થઇ શકે છે.

શરત માત્ર એટલી જ કે તે ડાર્ક ચોકલેટ હોવી જોઇએ. ડાર્ક ચોકલેટ ડાયટ કરતાં લોકો પોતાના ડાયટ ચાર્ટમાં પણ એડ કરી શકે છે, કેમ કે તે વજન ઓછું કરવામાં પણ આપણને ઉપયોગી સાબિત થાય છે. માટે જો તમે ડાયટ કરી રહ્યાં હોવ અને શરીરની કાળજી રાખવાની ઇચ્છા રાખતાં હોવ તો નિશ્ચિત બનીને ડાર્ક ચોકલેટ ખાઇ શકો છો. તે આપણને કઇ રીતે મદદરૂપ થશે તે વિશે થોડી વિગતે જાણકારી મેળવી લઇએ.

બ્લડ પ્રેશરમાં ફાયદાકારક  

સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટમાં રહેલું મેગ્નેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને બીપીની તકલીફ હોય, ખાસ કરીને હાઇ બીપીની તેમણે આખા દિવસમાં અમુક સમયે થોડી થોડી ડાર્ક ચોકલેટ ખાવી જોઇએ. થોડી થોડી ખાવાથી બીપી. કંટ્રોલમાં રહે છે અને તમે પ્રેશરની સમસ્યાથી બચી શકો છો.

ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે  

બીપીની તકલીફવાળા લોકો ડાર્ક ચોકલેટ ખાઇ શકે પણ તેઓને ડર કોલેસ્ટેરોલનો લાગતો હોય છે. મનમાં ભય રહે છે કે બીપીની સમસ્યાને કંટ્રોલમાં લાવીશું તો ક્યાંક કોલેસ્ટેરોલ ન આવે, પણ હવે તે વિશે ગભરાવાની જરૂર નથી, કેમ કે ડાર્ક ચોકલેટ કોલેસ્ટેરોલની સમસ્યામાં પણ મદદ રૂપ સાબિત થઇ શકે છે. એક સ્ટડી પ્રમાણે ડાર્ક ચોકલેટ ખાવાથી ખરાબ કોલેસ્ટેરોલનો નાશ થાય છે અને સારા કોલેસ્ટેરોલમાં વધારો થાય છે, જે શરીર માટે સારી બાબત છે. શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ વધવાથી હાર્ટ એટેકનો ભય રહે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી ખરાબ કોલેસ્ટેરોલનો નાશ થાય છે અને તે કારણે હાર્ટની તકલીફ તેમજ સ્ટ્રોકનો ભય પણ ટળી જાય છે.

યાદશક્તિમાં વધારો થાય 

ડાર્ક ચોકલેટ ખાવાથી યાદશક્તિ વધે છે. એક સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટ ખાવાથી મગજનું બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે, જેથી આપણી કામ કરવાની ક્ષમતા વધી જાય છે, જેના કારણે નાનીનાની વસ્તુ પણ યાદ રહે છે અને કામ સારી રીતે થાય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી યાદશક્તિમાં ૩૦ ટકાનો વધારો થાય છે.

હાર્ટ માટે ફાયદાકારક  

૨૦૧૫માં અમેરિકામાં થયેલી શોધ મુજબ હાર્ટ માટે ડાર્ક ચોકલેટ ખૂબ જ લાભદાયી છે. ૨૦૧૫માં થયેલા સ્ટડી રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે ડાર્ક ચોકલેટનું સેવન શરીરની અંદર સફેદ રક્ત કોષિકાઓને બ્લડ વેસલ્સને ચોંટતી અટકાવે છે.

વજન ઓછું કરવા માટે  

વજન ઓછું કરવા માટે ડાર્ક ચોકલેટ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે, મતલબ તમને જલદીથી ભૂખ નથી લાગતી. ડાર્ક ચોકલેટમાં ભરપૂર માત્રામાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે મેટાબોલિઝમને મજબૂત બનાવી ફેટને બાળવાનું કામ કરે છે. જમ્યા બાદ ડેઝર્ટમાં ડાર્ક ચોકલેટ ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. તેથી જો તમારે વજન ઘટાડવું હોય ડાર્ક ચોકલેટનું સેવન ચોક્કસપણે કરવું જોઇએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન