પુત્રીના સગપણના પ્રયત્ન સફળ થશે ? - Sandesh
NIFTY 10,988.40 -30.50  |  SENSEX 36,500.81 +-40.82  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

પુત્રીના સગપણના પ્રયત્ન સફળ થશે ?

 | 1:48 am IST

પ્રશ્ન : મારું નામ હર્ષિદા છે. જન્મ તારીખ ૨-૧૧-૧૯૯૬. જન્મ સમય વહેલી સવારે ૪-૦૫ જન્મ સ્થળઃ મોરબી (સૌરાષ્ટ્ર) મારે લગ્ન કરવાની ઈચ્છા નથી. પરંતુ ઘરના સંજોગો અને વડીલોની લાગણી જોતા મારે લગ્ન કરવા પડે એમ છે. તો કેવું ઘર મળશે? સગાઈ કયારે થશે?

જવાબ : બહેનશ્રી, આપની જન્મ સમયની વિગતો જોતાં એમ કહી શકાય કે લગ્ન મધ્યમ કક્ષાના પરિવારમાં થાય. શરૂ આતમાં આર્થિક બાબતે અનુકૂળતા ઓછી રહે, પરંતુ ધીમેધીમે સ્થિરતા આવે. નજીકના સમયમાં ઓગષ્ટ-૨૦૧૮થી ફેબ્રુઆરી ૨૦૧૯નો સમય પાત્ર પસંદગી (સગપણ) માટે વધુ અનુકૂળ જણાય છે. નીચે પ્રમાણે નિર્દોષ ઉપાય કરવાની સલાહ છે.

૧. દરરોજ સવારે સૂર્યનારાયણના દર્શન કરો.

૨. દર મંગળવારે આપના કુળદેવી-માતાજીની ભક્તિ વિશેષ કરો.

આ માટે તીર્થધામ કે દૂરના સ્થળે પ્રવાસ કરીને દર્શન કરવાનો આગ્રહ રાખવો નહીં.

૩. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ દર પૂનમે કરવાની સલાહ છે.

૪. પાત્ર પસંદગી અંગેના પ્રયત્નો શનિવારે/મંગળવારે કરવા નહીં. આ બાબતે રવિવાર, સોમવાર, ગુરુવારે વાતચીત આગળ વધારશો તો સારી અનુકૂળતા રહેશે.

પ્રશ્ન : મારું નામ સોનલબેન છે. મારી પુત્રીની જન્મ તારીખ ૨૩-૧૧-૧૯૯૨. જન્મ સમય સવારે ક.૪-૫૨-જન્મ સ્થળ અમદાવાદ છે. તેના સગપણ માટે પ્રયત્નો ચાલે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ : આપની પુત્રીની વિગતો જોતાં સંવત ૨૦૪૯, કારતક વદ ચૌદશને સોમવારે જન્મ થયો છે. જન્મ નક્ષત્ર સ્વાતિ છે. જન્મની ચંદ્રરાશિ તુલા છે. અન્ય ગ્રહયોગોનો વિચાર કરતાં જણાય છે કે પાત્ર પસંદગી માટે એપ્રિલથી ઓક્ટોબર-૨૦૧૮નો સમય વધુ અનુકૂળ જણાય છે. મોસાળ પક્ષના સભ્યોનો સાથ સહકાર લઈને આગળ વધશો તો આ બાબતે વધુ અનુકૂળતા રહેશે.

નીચેના ઉપચાર કરવાની સલાહ છે.

૧. દરરોજ રાત્રે શક્ય હોય ત્યાં સુધી ચંદ્રના દર્શન કરવા.

૨. દર સોમવારે શિવાલયના દર્શન કરવા. નદી કિનારે શિવાલય હોય તો વધુ ઉત્તમ ગણાય.

૩. પાત્ર પસંદગી અંગેના પ્રયત્નો સોમવારે, રવિવારે તથા શુક્રવારે કરવાથી વિશેષ સરળતા, અનુકૂળતા જણાય.

૪. ચંદ્રની ભક્તિ વિશેષ કરવી. પૂજનના દિવસે સાંજે પૂર્વ દિશામાં પૂર્ણચંદ્રના દર્શન કરવા. ઉપવાસ ફરજિયાત નથી.

૫. પાત્ર શરૂઆતમાં દૂરના શહેર કે સ્થળે હોય. પરંતુ પછી નજીકના વિસ્તારમાં-વતનમાં આવવાની શક્યતા વધુ રહે.

પ્રશ્ન : મારું નામ ભાવિન છે. મારી બહેનની જન્મ તારીખ ૨૮-૧૦-૧૯૮૬ છે. ક.૪-૩૦ વહેલી સવારે જન્મ છે. સ્થળ-અમદાવાદ. તેના લગ્નજીવનમાં છૂટાછેડા થયેલ છે. તથા ઘરકંકાસ રહે છે. કોઈ ઉપાય બતાવવા વિનંતી છે.

જવાબ : આપની બહેનની જન્મ તારીખ જોતા તેમનો જન્મ વિક્રમ સંવત ૨૦૪૨-આસો વદ દસમને મંગળવારે થયો છે. જન્મ નક્ષત્ર મઘા છે. ચંદ્ર રાશિ સિંહ છે. અન્ય ગુરુયોગો જોતા એવી સલાહ છે કે સાત્ત્વિક વાંચન વધારીને હકારાત્મક અભિગમ કેળવવાની જરૂર છે. કોઈ શિક્ષણ સંસ્થા કે ચેરીટેબલ સંસ્થામાં પ્રવૃત્તિશીલ રહેશો તો આર્થિક લાભ થશે. માનસિક સ્વસ્થતા રહેશે. એકના એક કંટાળાજનક વાતાવરણમાંથી છુટકારો થશે. બહેનની ઈચ્છા પુનઃલગ્નની ન હોય તો દબાણ કરવું નહીં. નીચેના સાત્ત્વિક ઉપાયોની સલાહ છે.

૧. દરરોજ સવારે સૂર્યનારાયણના દર્શન કરવા. શક્ય હોય તો આદિત્યહૃદયનો પાઠ કરવાથી માનસિક શાંતિ મળશે.

૨. દર બુધવારે કે અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો. વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું. ઘેર આવીને કે મંદિર જેવા સ્થળે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. કજીયા કંકાસમાં રાહત રહેશે.

૩. રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા કે શિક્ષાપત્રી જેવાં પવિત્ર ગ્રંથનું એકવાર વાંચન કરવું. જેથી વાણી વ્યવહારમાં તથા વિચાર વર્તનમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે તેમ છે.

૪. ગુરુવારે શક્ય હોય તો દત્ત બાવનીનો પાઠ કરવો. જેનાથી મનોકામના પૂર્ણ થાય. ચિત્તમાં શાંતિનો અનુભવ થશે.

પ્રશ્ન : મારું નામ જિતેન્દ્ર છે. જન્મ તારીખ ૨૯-૦૬-૧૯૭૨ છે. જન્મ સ્થળ સવારે ક-૫-૦૦ આસપાસ. જન્મ સ્થળઃ છાણી-વડોદરા. મારું સગપણ થઈને તૂટી ગયેલ છે. લગ્નની વાત આગળ ચાલે છે, પરંતુ નિર્ણાયક તબક્કે આવીને વાત અટકી જાય છે. મને સારી નોકરી ક્યારે મળશે?

જવાબ : આપના જન્મની વિગત જોઈએ તો હાલમાં ઓગષ્ટ (શ્રાવણ) માસ સુધી કોઈ નવી જવાબદારી લેવાની સલાહ નથી. નોકરી મધ્યમ કક્ષાની મળે. દક્ષિણ ગુજરાતમાં કે ઔધોગિક ક્ષેત્રમાં પ્રગતિ થવાના યોગ જણાય છે. ઓક્ટોબર-૨૦૧૮થી જૂન-૨૦૧૯ દરમિયાન ધીમી ગતિએ સારી સફળતા મળવાના યોગ છે. મોસાળ પક્ષની કોઈ વ્યક્તિનો સાથ સહકાર મળે તો વધુ સારી સફળતાના યોગ છે. તે દિશામાં સાત્ત્વિક પ્રયત્નો કરવા.

૧. નોકરી અંગેના પ્રયત્નો તમારે સોમવારે, ગુરુવારે કરવાની સલાહ છે. જેમાં સારો પ્રતિભાવ મળી શકે.

૨. દર રવિવારે કુળદેવી માતાજી કે ઈષ્ટદેવની વિશેષ ભક્તિ કરવી.

૩. સૂર્યનારાયણનો પાઠ કરવો. આ માટે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું. કામકાજની અનુકૂળતા પ્રમાણે મધ્યાહૃન પહેલા સૂર્યનારાયણનો પાઠ કરી શકાય.

૪. શનિવારે તથા મંગળવારે પ્રયત્નો કરવાથી વિલંબ થાય અથવા યોગ્ય પ્રતિભાવ મળે નહીં.

૫. સમુદ્રકિનારે કે મોટી નદીના કિનારે શિવાલય હોય તેવા સ્થળે અમાસના દિવસે દર્શન કરવા. શિવ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી સામાજિક સફળતા તથા માનસિક શાંતિનો અનુભવ થાય.

પ્રશ્ન : મારું નામ સુનિલ છે. જૂનાગઢ ખાતે રહું છું. મારી જન્મ તારીખ ૨૦-૧-૧૯૮૨ છે. જન્મ સમય બપોરે ૩-૦૦, જન્મસ્થળ-રાજકોટ. મારે બે વાર છૂટાછેડા લેવા પડયા છે. જેથી મારા માતા-પિતા વધુ પરેશાન કરે છે. ઘરમાં વાતાવરણ કલુષિત રહે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ : આપની જન્મ સમયની વિગતો જોતાં તા.૨૦-૧-૧૯૮૨ના દિવસે સંવત ૨૦૩૮, પોષ વદ એકાદશી, બુધવાર છે. જન્મ નક્ષત્ર અનુરાધા તથા ચંદ્ર રાશિ વૃશ્ચિક (ન,ય) આવે છે. તેથી આપનું નામ રાશિ મુજબ રાખેલ નથી. અન્ય ગ્રહયોગની વિગતવાર સમીક્ષા કરતાં જણાય છે કે ચંદ્ર નબળો છે, તેથી આપનું મનોબળ નબળું છે. આવેલી પરિસ્થિતિ સાથે યોગ્ય તાલમેલ મેળવીને વર્તન કરશો. સામેની વ્યક્તિની માત્ર ખામી જોવાને બદલે તેના સદ્ગુણો જોઈને તેનો સ્વીકાર કરો. આપના માટે આગામી જૂનથી ડિસેમ્બર-૨૦૧૮નો સમય વધુ નિર્ણાયક બની રહેશે, તેમાં યોગ્ય પાત્ર સાથે સમાધાનકારી વલણ અપનાવીને જીવનયાત્રા આગળ વધારી શકો છો. ક્યારેક માણસને મંગળ, શનિ જેવા ગ્રહોને બદલે આગ્રહ, દૂરાગ્રહ, પૂર્વાગ્રહ જેવા ગ્રહો વધુ પરેશાન કરતા હોય છે અને આના સમયે બીન જરૂરી વિધિઓને બદલે સાચો સત્સંગ, શાણા વડીલોનો ઉપદેશ વધુ લાભદાયી નીવડે છે.

૧. આપનો જન્મ વિંછુડામાં થયો છે. રાશિ સ્વામી મંગળ છે. તેથી મંગળના મંત્રની દરરોજ એક માળા ભોજન પહેલા કરવાની સલાહ છે.

૨. દર મંગળવારે કુળદેવી માતાજી અથવા ગણપતિની ભક્તિ કરવી.

૩. શક્ય હોય તો સારું મોતીનું નંગ (ચંદ્રનું રત્ન) ચાંદીની વીંટીમાં જમણા હાથની ત્રીજી આંગળી અથવા ટચલી આંગળી ઉપર ધારણ કરી શકાય.

૪. ઉત્તમ દાંપત્ય સૂચવતા લક્ષ્મી નારાયણ કે ઉમા મહેશ્વર (શંકર-પાર્વતી)ની તસવીર નિયમિત દર્શનમાં રાખી શકાય.

પ્રશ્ન : મારું નામ પ્રાગજીભાઈ છે. જન્મ તારીખ ૧૪-૬-૧૯૫૧ છે. જન્મ સ્થળ સાવરકુંડલા (સૌરાષ્ટ્ર) છે. તિથિ-વાર યાદ નથી. પેટમાં ઝીણું ઝીણું દુઃખે છે. ડોકટરના તબીબી રિપોર્ટમાં બધું નોર્મલ આવે છે. તો ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ : આપનો જન્મ જેઠ સુદ નવમીને ગુરુવારે થયો છે. જન્મ નક્ષત્ર હસ્ત છે. ચંદ્ર રાશિ કન્યા છે. તેથી આપનું નામ રાશિ મુજબ સાચું છે. અન્ય ગ્રહ યોગોનો અભ્યાસ કરતાં જણાય છે કે આપના વ્યવસાય મુજબ ખોરાકમાં ફેરફાર કરવો. સારા આયુર્વેદિક તબીબને બતાવી કાયમી ઉપચાર તરીકે હરડે, સુદર્શન, ત્રિફળા જેવા નિર્દોષ ઔષધોનો ઉપયોગ કરી શકો છો.

૧. સૂર્યનારાયણના દરરોજ સવારે દર્શન કરવા.

૨. રાત્રે ચંદ્રના દર્શન શક્ય હોય ત્યાં સુધી કરવા.

૩. દર રવિવારે બપોરે ભોજનમાં ખીરનો ઉપયોગ વિશેષ કરવો. ઉપવાસ જરૂરી નથી.

૪. બુધવારે મગની દાળ કે મગનું ભોજન લેવું.

૫. આદિત્ય હૃદયનો પાઠ દરરોજ સવારે કરવાથી આરોગ્ય અને માનસિક બાબતે અનુકૂળતામાં વધારો થાય છે.

– ભૂપેન્દ્ર ધોળકિયા