દાઉદે શાલીન અને મળતાવડા બિઝનેસમેનની છબિ બનાવી લીધી - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • દાઉદે શાલીન અને મળતાવડા બિઝનેસમેનની છબિ બનાવી લીધી

દાઉદે શાલીન અને મળતાવડા બિઝનેસમેનની છબિ બનાવી લીધી

 | 12:19 am IST

ગોડફાધર્સ :- શીલા રાવલ

દાઉદને જ્યારે ખબર પડી કે ભારતમાં દાણચોરીનું મોટાભાગનું સોનું દુબઈથી આવે છે અને દુબઈના સોનાના વ્યાપારીઓએ સિન્ડિકેટ બનાવી લીધી છે. એ પણ ખબર પડી કે એ લોકો સોનાના સોદા પોતાની શરતે જ પાર પાડે છે. આ સિન્ડિકેટ સાથે જો જોડાણ થાય તો સ્મગલિંગનો કારોબાર આખા દેશમાં દાઉદની જ મોનોપોલીમાં આવી જાય! તત જ દાઉદ દુબઈ જઈ પહોંચ્યો અને ત્યાંના સોનાના જથ્થાબંધ વ્યાપારીઓને એક પછી એક મળવા લાગ્યો. તે જેને મળે તેમને ઓફર કરતો કે મારી સાથે હાથ મિલાવશો તો તમારે એક જ ડીલ કરવાની રહેશે. માલ અહીંથી ઉપાડી, ત્યાં ઉતારીને તેને જેતે કસ્ટમર સુધી પહોંચાડવાનું આખું નેટવર્ક મારી પાસે છે.

દાઉદની ઓફર એટલી લોભામણી હતી કે સિન્ડિકેટના ટોચના અનેક વ્યાપારીઓએ તેની સાથે ડીલ કરી લીધી. દાઉદે વારંવાર દુબઈની મુલાકાત લેવા માંડી તો અધિકારીઓની નજરે ચઢી ગયો. ૧૯૮૨માં દાઉદ સાન્તાક્રૂઝ એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે કસ્ટમ્સના અધિકારીઓએ તેને અલગ લઈ જઈને તેની અને તેના સામાનની ઝડપી કરી. તેની પાસેથી ૨૫ લાખ રૂપિયાનું સોનું પકડાયું. તરત જ તેની સામે વિદેશી નાણું બચાવવા અને સ્મગલિંગ અટકાવવા માટેના કાયદા (કોફેપોસા) હેઠળ દાઉદ સામે કેસ કરવામાં આવ્યો. જોકે એક વર્ષ સુધી અધિકારીઓ તેની સામે પૂરતા પુરાવા રજૂ ન કરી શક્યા એટલે કોર્ટે તેને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યો. ૧૯૯૦ના દાયકાની શરૂઆત થતાં જ કોફેપોસા કાયદો રદ કરી દેવામાં આવ્યો. એ પછી દાઉદની ડી ગેન્ગ જે હવે ડી કંપનીના નામે જાણીતી બની ગઈ હતી તે ફરી મેદાનમાં આવી ગઈ અને સોનું સ્મગલ કરવા માટે જે રૂટ ઉપર નેટવર્ક ઊભું કર્યું હતું એનો ઉપયોગ કરીને ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી કરવા માંડી.

શરૂઆતના સમયમાં કાસકર ભાઈઓ અને પઠાણ ગેન્ગ સાથે મળીને કામ કરતા હતા. યન્ગ પાર્ટીના કારણે એ બધા એકબીજા સાથે જોડાયેલા હતા. યન્ગ પાર્ટીનું કામ આગળ ચલાવવા માટે અવારનવાર લૂંટ કરી લેવામાં આવતી હતી. ધીમેધીમે લૂંટના પૈસાની વહેંચણી બાબતે અને યન્ગ પાર્ટીમાં કોનું વર્ચસ્વ રહેશે એ વાતે પઠાણ ભાઈઓ અને કાસકર ભાઈઓ વચ્ચે વિવાદ વધતો ગયો અને આખરે વિવાદમાંથી વિખવાદ થઈ ગયો. એમાંથી બે ગેન્ગ બની દાઉદ ગેન્ગ અને પઠાણ ગેન્ગ. બંને ગેન્ગ વચ્ચે સતત અથડામણો થયા કરતી હતી. બંને ગેન્ગ વચ્ચે મહત્ત્વનો ફરક એ હતી કે પઠાણ ગેન્ગ પોતાનું કામ હિંસક રીતે ખૂબ જ નિષ્ઠુરતાથી કરતી હતી. એની સામે દાઉદે પોતાની છબિ ખૂબ જ શાલીન અને મળતાવડા બિઝનેસમેન તરીકેની ઉપસાવી લીધી હતી. એ બિનજરૂરી હિંસામાં માનતો નહોતો. એની સરળ રીતભાતથી એને મુંબઈની સંખ્યાબંધ ગલી ગેન્ગનો સહકાર મળવા લાગ્યો. આ ગલી ગેન્ગ પોતપોતાના વિસ્તારમાં પ્રોટેક્શન મની ઉઘરાવવા, જમીનના ઝઘડા ઉકેલવા, લોકોની ફસાયેલી ઊઘરાણીઓ કઢાવી આપવી અને દરેક ગેન્ગસ્ટર ફિલ્મમાં જે બતાવવામાં આવે છે તે હપ્તા વસૂલીનું કામ કરતી હતી.

દાઉદની ગેન્ગ સાથે લોકલ ગલી ગેન્ગ હાથ મિલાવવા લાગી તો દાઉદનો એરિયા મોટો થવા લાગ્યો. એટલે અવારનવાર પઠાણ ગેન્ગ સાથે હદ બાબતે અથડામણો થવા લાગી. દરેક વખતે અથડામણમાં સામેવાળાને વધારે મોટો પાઠ ભણાવવાના પ્રયાસમાં અથડામણો વધારે ને વધારે હિંસક બનવા લાગી. આખરે એમાં બંદૂકો વાપરવાની શરૂઆત થઈ. સામેવાળાને મારીને, હાથ-પગ તોડીને પાઠ નહીં ભણાવવાનો, સીધી ગોળી જ મારી દેવાની. ગોળી મારી દેવાની પરંપરા શરૂ થઈ શબ્બીર કાસકરની હત્યાથી. આ ઘટના પછી સામેવાળાને પાઠ ભણાવવા માટે એના માણસને મારી જ નાંખવાની માનસિકતાએ અન્ડરવર્લ્ડમાં પગલું પાડયું. એ પછી તો જે હત્યાકાંડ થતા ગયા એ આજે પણ રોકાયા નથી.

૧૯૮૦માં દાઉદ સાથે પનારો પાડનાર અને પછી ૨૦૦૦માં એના ભાઈ ઈકબાલ સાથે પનારો પાડનાર ક્રાઈમ બ્રાન્ચના એક નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટર કહે છે, મેં આ પરિવર્તન મારી આંખે જોયું છે. અન્ડરવર્લ્ડમાં ખૂના મરકી નહોતી. માણસને પાઠ ભણાવવા માટે છ મહિનાનો ખાટલો આવી જાય એ રીતે હાથ-પગ તોડી નાંખવામાં આવતા હતા. પરંતુ શબ્બીરની ઠંડા કલેજે ઘાતકી હત્યા થઈ અને તે પછી તરત જ દાઉદના ભાઈ નૂરા પર જીવલેણ હુમલો થયો એ સાથે જ આખા અન્ડરવર્લ્ડમાં લોહિયાળ અથડામણો ચાલુ થઈ ગઈ. આ ઘટનાઓએ લોહી વહેવડાવવાની, માણસને મારી નાંખવાની જે પરંપરાને જન્મ આપ્યો હતો એ આજે વધારે ઘાતકી બની ગઈ છે. જેતે વ્યક્તિના બદલે એની સાથેના લોકોને પણ ઠાર મારી દેવાની રાક્ષસી વૃત્તિ વિકસી રહી છે.

જે ઘટનાથી મુંબઈ લોહીના રેલાઓમાં ખરડાયું એ ઘટના ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ બની હતી. શબ્બીરને જાણનાર દરેકની જુબાની પ્રમાણે એ સાંજે શબ્બીરે ઓપેરા હાઉસ પાસેના કેનેડી બ્રિજ પાસેથી એક ડાન્સરને પોતાની કારમાં બેસાડી હતી. એની સાથે મોજમસ્તી કરવા માટે એ આગળ વધી ગયો ત્યારે ડાન્સર સાથેની હસીન ક્ષણોની કલ્પનામાં ખોવાયેલા શબ્બીરને એ ન દેખાયું કે પઠાણ ગેન્ગના બે ભાઈઓ આલમઝેબ અને અમીરઝાદાની કાર એનો પીછો કરી રહી છે. પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિર પાસે આવેલા એક પેટ્રો પંપ ઉપર શબ્બીરે કાર ઊભી રાખી અને હુકમ કર્યો, ફૂલ ટેન્ક કરદો! પેટ્રોલ ભરાઈ રહ્યું હતું અને શબ્બીર કારમાં ડાન્સર સાથે રમતમાં મશગુલ હતો ત્યારે આલમઝેબ અને અમીરઝાદાની કાર એની બાજુમાં આવીને ઊભી રહી. એમની બારીના કાચ ખુલ્યા અને શબ્બીરને કશી સમજ પડે એ પહેલાં તો ઉપરા ઉપરી સાત ગોળીઓ એના શરીરમાં ધરબાઈ ગઈ હતી. ડાન્સરે ચીસાચીસ કરી મૂકી અને પેલી કાર ઝડપથી નીકળી ગઈ. શબ્બીર ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો.

પોલીસની ધારણા પ્રમાણે પઠાણ ગેન્ગ દાઉદની પાંખો કાપવા માગતી હતી. પરંતુ દાઉદની પાંખો કાપવાના આશયથી કરવામાં આવેલી આ બાલીશ હત્યાએ દાઉદને બદલે અનેક લોકોની પાંખી કાપી નાંખી, અનેક લોકોની ગરદનો કાપી નાંખી. પઠાણ ગેન્ગના માણસોનો એક એક કરીને સફાયો થવા લાગ્યો. ખૂનના કેસમાં અમીરઝાદાની પોલીસે ધરપકડ કરી લીધી અને આલમઝેબ ગુજરાત ભાગી ગયો. પોલીસનો અધિકૃત રેકોર્ડ કહે છે કે ગુજરાતમાં ભાગી આવેલો આલમઝેબ અમદાવાદના ગુલાબ ખાનને ત્યાં આશ્રય લઈને સંતાયો હતો. વિફરેલા દાઉદે ગુલાબખાન સાથે સીધી સ્પર્ધા કરીને ગુજરાતમાં, અમદાવાદમાં સ્મગલિંગ અને દારૂનો ધંધો ચાલુ કરી દીધો. જેથી ગુલાબખાનના ધંધાને ફટકો પડે.

આ બાજુ મુંબઈમાં પોલીસના હાથમાં ઝડપાયેલો અમીરઝાદા કોર્ટમાં હાજર કરામાં આવ્યો હતો ત્યારે સેશન્સ કોર્ટના કમ્પાઉન્ડમાં જ એની ઉપર ગોળીઓનો વરસાદ વરસાવીને તેની હત્યા કરી દેવામાં આવી. આ હત્યા પોલીસના રેકોર્ડ મુજબ બડા રાજન ગેન્ગના શૂટર ડેવિડ પરદેસી પાસે કરાવવામાં આવી હતી. પોલીસે કડીઓ મેળવીને રાજન તથા ડેવિડ પરદેસીને ઝડપી લીધા અને ધરપકડ કરી. દાઉદના ધારાશાસ્ત્રીઓએ કોર્ટમાં રજૂઆત કરી કે પોલીસ અને કોર્ટની કાર્યવાહીમાં પઠાણ ગેન્ગ દાઉદ પર જીવલેણ હુમલો કરે એવી ધાસ્તી હોવાથી એની ધરપકડ કરવા સામે આગોતરા જામીન આપવામાં આવે. અને દાઉદને આગોતરા જામીન મળી ગયા હતા. પછીના સમયમાં અમદાવાદથી સુરતના રસ્તે એક ગેસ્ટહાઉસમાં પોલીસની સામાન્ય રેડ દરમિયાન પોલીસે સામાન્ય જુગારી માનીને આલમઝેબને ઠાર મારી દીધો હતો.

આ બધા ઘટનાક્રમ પછી પઠાણ ગેન્ગના સ્થાપક કરીમ લાલાને દાઉદની વધતી જતી તાકાત અને વગનો અનુભવ થઈ ગયો. પરિણામે ઠરેલ વડીલ તરીકે કરીમ લાલાએ સમાધાન કરવા માટે કહેણ મોકલ્યું. આશા હતી કે દાઉદ શાંતિ સ્થાપવા માટે સમાધાન સ્વીકારી લેશે, પરંતુ એનો કોઈ જવાબ આવે એ પહેલા કરીમ લાલાના કહેણના બીજા જ દિવસે કરીમ લાલાના ભત્રીજા સમદખાને દાઉદના નાના ભાઈ નૂરાની હત્યા માટે પ્રયાસ કર્યો. પછી સમાધાનની શક્યતા રહી નહોતી.

(ક્રમશઃ)