ડીન કાર્નાઝિસ હતાશામાંથી ઊગરીને બન્યો શ્રેષ્ઠ એથ્લીટ - Sandesh
  • Home
  • Kids Corner
  • ડીન કાર્નાઝિસ હતાશામાંથી ઊગરીને બન્યો શ્રેષ્ઠ એથ્લીટ

ડીન કાર્નાઝિસ હતાશામાંથી ઊગરીને બન્યો શ્રેષ્ઠ એથ્લીટ

 | 12:03 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

વહેલી સવારે હજી ડીન કાર્નાઝિસ પથારીમાં મીઠી ઊંઘ લેતો પડયો હતો, ને દરવાજા પર દસ્તક પડી. ઊંઘરેટી આંખે દરવાજો ખોલ્યો ને સામે પાદરી ઊભા હતા. શું કહેતા હતા, એ શબ્દો સાંભળીને પહેલાં તો ડીનને થયું કે હું ઊંઘમાં કંઈક ભળતું જ સાંભળું છું કે શું? પણ ના, પાદરીના શબ્દોએ જ્યારે ઊંઘતા મગજને એક વીજળીનો ઝટકો આપ્યો ત્યારે સમજાયું કે તેની ૧૮ વર્ષની નાની બહેન, પેરી, કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામી છે. પેરીની કન્વર્ટીબલ કાર સંતુલન ગુમાવીને પલટી મારી જતાં તે કારની બહાર ફેંકાઈ ગઈ અને મૃત્યુ પામી.

બહેનના મોતની ઘટના અસહ્ય હતી, પણ કુદરત સામે લાચાર ડીને પારાવાર દુઃખની લાગણીઓ પર કાબૂ મેળવી  પહેલાં પોતાના પરિવારને આ ઘટનાની જાણ કરી.

સમય જતાં ડીનનો જીવનક્રમ રાબેતા મુજબ આગળ વધતો ગયો. સ્મ્છમાં ટોપ રેન્ક લઈને પાસ થઈ, કોર્પોરેટ કરિયરમાં સતત બઢતી પામતું તેનું જીવન આમ સીધી લીટીએ ચાલી રહ્યું હતું, પણ વ્હાલી નાની બહેન પેરીના અકાળ મૃત્યુનો ઘાવ હજી પણ તેના હૃદયમાં એટલો જ તાજો હતો અને દર્દ પણ આપ્યા કરતો હતો.

પોતાના ૩૦માં જન્મદિવસની પાર્ટીમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ડીન પોતાના નિષ્ફળ લગ્નજીવનના વિચારે દુઃખ અનુભવતો હતો, અને અચાનક જ કંઈ વિચાર્યા વગર એ પાર્ટી છોડી ઘેર પહોંચી ગયો, ઘેર જઈ દોડવાનાં જૂતાં પહેરીને બેફામ દોડવાનું શરૂ કરી દીધું…૧૦૦-૨૦૦-૫૦૦ મીટર નહિ. પૂરા ૩૦ માઈલ! ડીનની દોડ જ્યારે પૂરી થઈ ત્યારે તેને એક આધ્યાત્મિક જાગૃતિનો દિવ્ય અનુભવ થયો. ડીને કહ્યું કે એ દિવ્ય અનુભવ પછી એક બેમતલબી અને બુદ્ધિ વગરના દારૂડિયામાંથી એક દોડવીરમાં મારું પરિવર્તન થઈ ગયું હોય એવું લાગ્યું.

આ ઘટના અણધાર્યા અને અસામાન્ય પરિણામોની જન્મદાતા બની ગઈ. ડીન અનેક કપરાં લક્ષ્યો આંબતો ગયો, જેમ કે…

  • ૫૦ માઈલ્સ ક્વોલિફાઈંગ દોડ.
  • ધી વેસ્ટર્ન સ્ટેટ્સ ૧૦૦ માઈલ્સ એન્ડયુરન્સ દોડ.
  • ડેથ વેલીથી માઉન્ટ વ્હીટની સુધીની ૧૩૫ માઈલ્સની રેસ.
  • સાઉથ પોલ (દક્ષિણ ગોળાર્ધ) ઉપર ૨૬.૨ માઈલ્સની મેરેથોન.
  • ૨૦૦ માઈલ્સના અંતરવાળી બે રેસ.
  • ૨૨૬ માઈલ્સ રેસ (૭૫ કલાકો દોડવાનું)

ક્યારેક દોડના અંતિમ ચરણ પર પહોંચવું અશક્ય લાગે. ક્યારેક પોતાની જાતને જીવલેણ જોખમમાં નાખે. પણ ક્યારેય કોઈ પડકારોને પડતા મૂક્યા નહીં. બસ પોતાનું આત્મબળ તેને આ કાર્યો કરવા પ્રેરતું રહ્યું, દરેક અઘરા પડકારો વખતે પોતે પોતાની જાતને વધુ ને વધુ બળવતર અનુભવતો રહ્યો. ડીને પોતાના પુસ્તક-‘અલ્ટ્રા મેરેથોન મેનઃ કન્ફેશન ઓફ એન ઓલ-નાઈટ રનરમાં આ વાત ખૂબ જ વિસ્તારપૂર્વક લખી છે.

ડીને એમ કહ્યું, હું એટલા માટે દોડયો કે હું જગતને કંઈક આપવા માંગતો હતો, અને આ એક જ એવી ચીજ હતી જે હું કરી શકું તેમ હતો. ડીન દોડયો પોતાની વ્હાલી બહેનને અંજલિ આપવા, પોતાના વેરવિખેર પરિવારને એક કરવા. ડીન દોડયો જીવનને અનુભવવા માટે.  અન્યોને પ્રોત્સાહિત કરવા તેના મતે આ એક જ સરળ રસ્તો હતો.

[email protected]