ડિયર કૃષ્ણ, વિશ યુ હેપ્પી બર્થ ડે વિથ 'બટર'! - Sandesh
  • Home
  • Columnist
  • ડિયર કૃષ્ણ, વિશ યુ હેપ્પી બર્થ ડે વિથ ‘બટર’!

ડિયર કૃષ્ણ, વિશ યુ હેપ્પી બર્થ ડે વિથ ‘બટર’!

 | 1:30 am IST

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

માય ડિયરેસ્ટ કૃષ્ણ!

બે દિવસ પછી તો તમારો જન્મદિવસ! જન્મદિવસની પૂર્વસંધ્યાએ, મતલબ કે એડવાન્સમાં તને હેપ્પી બર્થ ડે માટે ખૂબ ખૂબ ખૂબ જ ખૂબસૂરત વંદન સાથે મારા આ નવજાત e-songની ભેટ સ્વીકારજે! બાય ધ વે, તમને એ વાતે થોડું આશ્ચર્ય તો થયું જ હશે કે હું નથી તો તમારો બાલસખો સુદામા કે નથી તો વયસખો અર્જુન ને તેમ છતાં મેં તમને ‘ડિયરેસ્ટ ફ્રેન્ડ’ તરીકેનું સંબોધન શા માટે કર્યું! પણ હે દેવકીનંદન, દશ અવતારોમાં એક તમે જ એવા અવતારી છો કે તમારી સાથે ફ્રેન્ડશિપ રાખવામાં અમને સહેજ પણ ગભરામણ થતી નથી. ઊલટાનું એક આકર્ષણ રહે છે! જોકે તમે છો જ એવા, સાવ સાલસ છતાં એકદમ અટપટા અને સાવ નિખાલસ છતાંય કેમેય સમજાઓ નહીં એવા! તમે જેટલા સરળ છો, એકરૂપ છો એટલા જ વિરોધાભાસી પણ છો. તમે વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ છો! તમે જેવા છો તેવા, મને ખૂબ ગમો છો, કારણ કે તમે માત્ર ‘તમે’ છો! તમે બધાંયના છતાં કોઈનાય નહીં અને કોઈ એકના નહીં, છતાંય બધાયના! તમારો જન્મ થયો કારાગારમાં – બંધન અવસ્થામાં પણ તમે મહિમા ગાયો મોક્ષનો – મુક્તિનો! અમારા કેટલાક ગૃહભક્તો, નગરભક્તો, રાજ્યભક્તો અને રાષ્ટ્રભક્તો તમારા આજીવન ચાહક અને ભાવક બની ગયા છે અને હજુ પણ ચાહક અને ભાવક બનવા માંડયા છે એની પાછળનું બસ આ એક જ આકર્ષણ છે કે બંધનમાંય મુક્તિનાં સપનાં બતાવવાની કલા કેવી રીતે હસ્તગત કરવી!

હે નંદનંદન! આમ તો તમને કોઈ સામાન્ય માણસ જલદીથી ઓળખી શકતો નથી પણ અમારા રાજનેતાઓ તમને પોતાની નજરે ઓળખી ગયા છે. જુઓને, તમારાં નામ કેવાં કેવાં અને કેટકેટલાં? પૂરાં એક હજાર નામ! આ એક હજાર નામોમાંથી અમારા રાજસેવકોએ ફક્ત એક જ નામને ઉજાગર કરવાનું અભિયાન શરૂ કરી દીધું છે અને એ છે : ‘નટવર’! નાના-મોટા ગોટાળા હોય કે કીડીને કણ આપતા અને હાથીને મણ આપતાં કૌભાંડો હોય – એના સર્જનહારને અમારે ત્યાં ‘મિ. નટવરલાલ’ તરીકે સન્માનવામાં આવે છે. કેટલું ચિત્તાકર્ષક નામ છે ‘મિ. નટવરલાલ!’ કહેવાય છે કે ગોપીઓ તમને જુદાં જુદાં નામે બોલાવતી’તી! અરે ઓ કા’ના’ એવું કોઈ બોલે, તો તરત તમે સમજી જતા કે આટલીબધી ગોપીઓમાંથી કઈ ગોપી બોલી હશે! અને ‘હે માધવ’ એવું કોઈ બોલે તો પણ તમે સમજી જતા કે કઈ ગોપી તમને યાદ કરે છે! પ્રભુ, તમારી આ લીલા જોઈને અમારા અદ્યતન પ્રેમીઓ પણ આવું શીખી ગયા છે! ના,પોતાનાં જુદાં જુદાં નામ રાખવાનું નહીં પણ પોતાના મોબાઇલ ફોનમાં જુદા જુદા રિંગટોન રાખવાનું! રિંગટોન પરથી ખબર પડી જાય કે કઈ વ્યક્તિનો ફોન હશે કે કઈ વ્યક્તિ યાદ કરતી હશે! છે ને પ્રભુ, તમનેય ઈર્ષા આવે એવું!

હે ગીતાકાર! તમે ભગવદ્ ગીતા આપીને તો કમાલ કરી છે! મને ઘણીવાર એવો વિચાર આવે છે કે તમે ભગવદ્ ગીતાનું સર્જન ન કર્યું હોત તો અમારા આજના બની બેઠેલા ચિંતકો – લેખકો – અને ખાસ તો પેલા પ્રવચનકારોની આજીવિકાનું શું થયું હોત? મારા બેટા આ બધાય, બરાડી બરાડીને વાતવાતમાં એવું કહેતા થઈ ગયા છે કે ‘ભગવાને ભગવદ્ ગીતામાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે!’ આવું સાંભળ્યા પછી ખુદ તમેય ટેન્શનમાં આવી જાઓ કે શું ભગવદ્ ગીતામાં મેં ખરેખર એવું કહ્યું છે? સારું છે પ્રભુ કે આજે તમે માત્ર સૂક્ષ્મરૂપે જ છો અને સ્થૂળરૂપે-સદેહે હાજર નથી, જો ખરેખર હાજર હોત તો તમારા ભક્તો તમને મળવા તો શું, ઓળખવા માટે પણ તૈયાર ન થાય એટલી હદે, અમારા આ કહેવાતા પત્રકારો અને સાહિત્યકારોએ પોતાને ‘તૈયાર’ કરી દીધા છે!  હે સર્વમિત્ર, આ તો કંઈ નથી! કોઈ અલેલ્લ ટપ્પુને ક્યાંક નાના-મોટા ઇન્ટરવ્યૂમાં એમ પૂછવામાં આવે કે ભાઈ, કયા પુસ્તકે તમારા જીવન પર સૌથી મોટો પ્રભાવ પાડયો છે? તો પેલો તરત જ કહી દેતો હોય છે : ‘ભગવદ્ ગીતાએ!’ મજાની વાત તો એ છે બોસ, કે પેલાની ઇકોતેર પેઢીમાંય કોઈએ પૂરેપૂરો ગીતાપાઠ કર્યો હોય! હમણાં જ પ્રભુ, મુંબઈનાં એક સભાગૃહમાં તમારા પ્રેમી પ્રવચનકારે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયને અમારા માનવ જીવનના જીવાતા જીવનક્રમ અને જીવનકર્મ સંદર્ભે પોતાનું મૌલિક ભાષ્ય સમજાવતાં એવું કહ્યું કે ‘ભગવાન યોગેશ્વરે ગીતાના વીસમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં કહ્યું છે કે…’ આટલું સાંભળ્યા પછી તો આખું સભાગૃહ સ્તબ્ધ થઈ ગયું અને કેટલાક તો બેભાન થઈ ગયા! હવે તમે જ કહો પ્રભુ, અઢાર અધ્યાયની ભગવદ્ ગીતામાં આ મહાનુભાવે વીસમા અધ્યાયનો પાઠ કેવી રીતે કર્યો હશે?

હે રસેશ્વર! તમે સર્વ રસના જ્ઞા।તા અને નિર્માતા, એટલે જ તો અમારા રાજકારણીઓએ તમારા અનેક નામોમાંથી આ નામને દિલથી પ્રેમ કર્યો છે! જ્યારે જ્યારે અમારે ત્યાં ચૂંટણીઓનો ચક્રવ્યૂહ રચાય છે ત્યારે ત્યારે સૌ રાજકારણીઓ પોતપોતાની યથામતિ તમારો ઉપયોગ કરતા રહે છે. અમે જેને ‘ઉપયોગ કર્યો’ એમ કહીએ છીએ, એને રાજનેતાઓ ‘ભક્તિ કરી’ એવું કહે છે! ખરેખર, તમે ફક્ત યોગેશ્વર જ નહીં, ‘ઉપયોગેશ્વર’ પણ બની ગયા છો! અમારી મોટાભાગની માનવજાતે પોતાનાં જીવનને ટકાવવા અને એનું પૂર્ણપણે યોગક્ષેમ કરવા તમારામાંથી જાતજાતની પ્રેરણા લીધી છે પણ અમારા સેવાકર્મી અને સેવાધર્મી એવા રાજનેતાઓએ તો એક અને એકમાત્ર એ જ પ્રેરણા લીધી છે કે જેમ તમારા મોઢા પર માખણ ચોંટેલું દેખાતું’તું ‘માખણ ખાધું છે એનો બોલતો પુરાવો’ હાજરાહજૂર હતો તેમ છતાં તમે યશોદામૈયાને બેધડક કહી દીધેલું : ‘મૈયા મોરી મૈ નહીં માખન ખાયો!’ એનો અર્થ એ થયો કે જોરશોરથી બોલાતું અસત્ય પણ સત્યમાં ખપાવી દેવાય છે! બસ, આ જ ‘ભ્રમજ્ઞાન’ અમારા કેટલાક નેતાઓ વર્ષોથી મેળવતા થઈ ગયા છે. એમનું કહેવું એવું છે કે અમેય કૃષ્ણ ભગવાનની જેમ ક્યારેય ખોટું બોલતા નથી કે ક્યારેય ખોટું કરતા નથી. તમે દુર્યોધનને વચન આપેલું કે યુદ્ધમાં હું શસ્ત્ર ધારણ નહીં કરું, તેમ છતાં રથચક્રને તમે સુદર્શન ચક્રની જેમ ધારણ કરી એનો ઉપયોગ કરેલો કે નહીં! બસ, તમારી આ જ લીલા જોઈને અમારા નેતાઓ પણ હવે ‘બોલવું કંઈક’ અને ‘કરવું કંઈક’ એવી માસ્ટરકી અપનાવતા થઈ ગયા છે. કેટલાક તો આને ‘Krishna-Key’ પણ કહેતા હોય છે.

હે ધનંજય! કેટલાંક લોકો તમારો બર્થ ડે ઉપવાસ કરીને નહીં, જૂગટું રમીને સેલિબ્રેટ કરતાં હોય છે. આવાં લોકોનું કહેવું એવું છે કે કૃષ્ણની સાચી ભક્તિ એને જ કહેવાય કે જન્માષ્ટમીનો પાવન તહેવાર, અનુષ્ઠાનના પવિત્ર વહેવાર દ્વારા ઊજવાય. આ માટે એ લોકો ત્રણ કલાકનું, પાંચ કલાકનું કે છ કલાકનું આર્થિક અનુષ્ઠાન પણ કરતા હોય છે. અણસમજુ લોકો આવા પવિત્ર અનુષ્ઠાનને ‘જુગાર’ નામે સંબોધી એને અપમાનિત કરતાં હોય છે. ખરેખર પ્રભુ, તમારી જીવનલીલાનો અને અમારી સમજ-સલીલાનો કોઈ પાર નથી.

– તમારો ચાહક!

: ડાયલટોન :

– ચાલો બહેન મંદિરે નાગપૂજા કરવા, આજે નાગપાંચમ છે ને?

– હા, પણ તમે જઈ આવો. આજે ‘એ’ ઘેર છે, ઘરમાં જ પૂજા કરી લઈશ!

કૃષ્ણનું E-SONG

મોરલી મૂકીને તેં તો પકડયો મોબાઇલ, અને whats app તું મોકલવા લાગ્યો!

અવતારી કામ કંઈક કરવાનાં બ્હાને  તું લાગે છે આમ બહુ બિઝી,

આવીને જો જરા આંખોના સ્ક્રીન પર લાગીશ તને હું અન-ઇઝી,

આવો તો કા’ન પ્હેલાં ક્યારેય ન્હોતો તું,  તને કોનો તે વાઇરસ લાગ્યો?

મોરલી મૂકીને તેં તો પકડયો મોબાઇલ,  હવે whats app તું મોકલવા લાગ્યો!

વિન્ડો ખોલીને હાલ હાજર કરી દઉં ને, બાંધ્યો છે આજ તને માઉસમાં,

તારો નિવાસ હવે મંદિરમાં નહીં,  એ તો રુદિયાના ડોટકોમ હાઉસમાં!

તારા તે નામનો રિંગટોન વાગ્યો ને,  ને વ્હેલી પરોઢવેળ જાગ્યો!

મોરલી મૂકીને તેં તો પકડયો મોબાઇલ,  હવે whats app તું મોકલવા લાગ્યો!

સોરી હો દોસ્ત, અહીં નેટ હતું બંધ  પછી વાઇ-ફાઇ કે ફોર-જી શા કામનાં?

‘નટવર’ તો છે જ તું, થૈ જા તું ‘નેટ-વર’,  ભક્તોની એક એ જ કામના!

ઓનલાઇન આવવાનું કહી તું કા’ન  હવે ટેરવેથી જાય કેમ ભાગ્યો?

મોરલી મૂકીને તેં તો પકડયો મોબાઇલ,  હવે whats app તું મોકલવા લાગ્યો ?!

;