death comes definately
  • Home
  • Astrology
  • મૃત્યુ એ નિશ્રિત ઘટના છે, ક્યારેક તો મૃત્યુ થશે જ

મૃત્યુ એ નિશ્રિત ઘટના છે, ક્યારેક તો મૃત્યુ થશે જ

 | 8:20 pm IST

એક રાજ્ય હતું. તેનો નિયમ હતો કે સાતમા દિવસે રાજાને રાજગાદી ઉપરથી ઉઠાડી તેને ગાઢ જંગલમાં મોકલવામાં આવતો હતો જ્યાં સિંહ કે ચિત્તા તેને મારી ખાતા હતા. જ્યારે રાજાને ગાઢ જંગલમાં મૂકીને રાજ્યના દરવાજે આવતા જે કોઈ પહેલું મળતું હતું તેને રાજ્યનો રાજા બનાવવાનો નિયમ હતો. રાજા ભોગવિલાસમાં ભૂલી જતો હતો કે તેણે સાતમા દિવસે જવાનું છે.

એકવાર એક બ્રહ્મચારી નગરના દ્વાર ઉપર લોકોને મળ્યા એટલે લોકોએ તેમને રાજા બનવા કહ્યું. બ્રહ્મચારીએ ઘણી ના પાડી પણ કોઈ માન્યું નહીં. તેણે એમ પણ કહ્યું કે હું સાધુ છું અને મારે રાજ જોઈતું નથી, તે મારાથી થઈ શક્શે નહીં, પરંતુ લોકોએ કહ્યું કે આપ અમારા રાજા અવશ્ય બનશો જ, કેમ કે અમારા રાજનો નિયમ એવો છે. બ્રહ્મચારીએ રાજા બન્યા પછી મારે શું શું કરવું પડશે વગેરે રાજ્ય વિશે પ્રશ્નો પૂછયા. લોકોએ કહ્યું કે આપના હાથમાં સાત દિવસ આ રાજ્ય રહેશે અને રાજા તરીકે જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ આઠમા દિવસે આપની હાલત ગત રાજા જેવી જ થશે. તે બ્રહ્મચારી ઘણો હોશિયાર હતો. રાજની માયામાં ફસાવાને બદલે તેને જે જંગલમાં આઠમા દિવસે જવાનું હતું ત્યાં પોતાની શક્તિથી સુંદર નગર બનાવી દીધું. જ્યારે તેને આઠમા દિવસે ત્યાં લઈ ગયા ત્યારે તે ત્યાં ઘણા આરામથી રહેવા લાગ્યો.

આનો અર્થ એ છે કે આપણું જીવન રવિવારથી શનિવાર સુધીનું એટલે કે સાત દિવસનું છે, એમાં ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે, પરંતુ લોકો સંસારની માયામાં ફસાઈ જઈ ભૂલી જાય છે કે આપણે જવાનું છે કે નહીં. સતયુગથી અત્યાર સુધી અનેક મહાપુરુષો ચાલ્યા ગયા છે અને આપ વિચારો છો કે આપે જવાનું નથી. એટલે જ સારા સારા ભોગોમાં લાગ્યા છો અને એવું વિચારો છો કે આવું હંમેશાં રહેશે.