મોત, તું સૌને તારો મલાજો જાળવતા શીખવ  - Sandesh
  • Home
  • Columnist
  • મોત, તું સૌને તારો મલાજો જાળવતા શીખવ 

મોત, તું સૌને તારો મલાજો જાળવતા શીખવ 

 | 2:47 am IST

પ્રાસંગિક : રમેશ દવે

પ્રકૃતિનો એક અતૂટ નિયમ છે કે જે ઊગે છે એ ખરે છે અને જે જન્મે છે એ મૃત્યુ પામે છે. મૃત્યુ જીવનનું અટલ સત્ય છે. દ્રોણપુત્ર અશ્વત્થામા અને રામભક્ત હનુમાન અમર જીવાત્માઓ છે એવું કહેવાય છે, પણ એ સત્ય કરતાં લોકવાયકા વધુ છે. ટંકમાં દુનિયાના તમામ જીવોની જેમ માણસનું મૃત્યુ પણ નિશ્ચિત છે. માનવી એ જાણે છે એટલે મોતનો મલાજો પાળવાની તેણે સદીઓથી એક પરંપરા વિકસાવી છે. ભારતમાં તો કોઈ વ્યક્તિ અવસાન પામે પછી એ દેવત્વનો ભાગ બની ગઈ હોવાનું મનાય છે. એટલે એના મૃતદેહને સૌ ડાઘુઓ નતમસ્તક થઈને વંદન કરે છે. રસ્તા પરથી કોઈ નનામી પસાર થતી હોય તો પણ આપણે બે ઘડી ઊભા રહી એને પ્રણામ કરીએ છીએ. મોતના મલાજાની આ એક ગરિમાપૂર્ણ પરંપરા છે. જોકે, ક્યારેક એવા બનાવો છે જે આ પરંપરાને કલંક લગાડે છે. ગયા સપ્તાહે તેલંગણાના નાર્કેટપલ્લીની કામિનેની હોસ્પિટલમાં આવી જ એક લજ્જાસ્પદ ઘટના બની. ૨૯ ઓગસ્ટે આંધ્રના સદ્ગત મુખ્યમંત્રી એન. ટી. રામારાવના પુત્ર નંદમુરી હરિકૃષ્ણ એક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા. ડોક્ટરોની લાખ કોશિશ છતાં હરિકૃષ્ણને બચાવી ન શકાયા. હરિકૃષ્ણ પણ એમના પિતા એનટીઆરની જેમ આંધ્રના જાણીતા નેતા અને તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર હતા. ડોક્ટરો એમને મૃત જાહેર કરીને જેવા બહાર આવ્યા કે તરત હોસ્પિટલના કેજ્યુઅલ્ટી વોર્ડના ચાર સ્ટાફ મેમ્બરો વોર્ડમાં ઘૂસી ગયા અને હરિકૃષ્ણનાં મૃતદેહ સાથે ચારેય જણે મસ્તપૈકી સેલ્ફી લીધી, એટલું જ નહીં, એ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાઇરલ પણ કરી. કામિનેની હોસ્પિટલના સીઈઓ શ્રીધર રેડ્ડીને આ શરમજનક સેલ્ફી વિશે જાણ થતાં એમણે તરત ચારેય કર્મચારીઓને પાણીચા પકડાવી દીધા. મોતના મલાજાનો ઉલાળિયો કરવાનું ‘પરાક્રમ’ કરનાર હોસ્પિટલના સ્ટાફમાં બે ફિમેલ નર્સ, એક મેલ નર્સ અને એક આયાનો સમાવેશ થાય છે.

કબૂલ કે એ ચારેય સુપરસ્ટાર નંદામુરિ હરિકૃષ્ણના ફેન હશે એટલે એમના નશ્વર દેહ સાથે છેલ્લી સેલ્ફી લેવાની લાલચ રોકી નહીં શક્યા હોય. ચલો સેલ્ફી તો લીધી પણ પછી એને વાઇરલ કરીને પોતાના ‘પરાક્રમ’નું પ્રદર્શન કરવાની શી જરૂર હતી? આ એક પ્રકારની માનસિક વિકૃતિ જ છે, જે મૃત્યુના મલાજાના ચીંથરા ઉડાડે છે. આવા ઘણા શરમજનક બનાવો બનતા હશે પણ એ બહાર નથી આવતા. જ્યારે કોઈ ફિલ્મસ્ટારના અવસાન વખતે કશુંક અજુગતુ બને ત્યારે એ હેડલાઇનોમાં ચમકે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા શોમેન રાજ કપૂરની ચેમ્બૂરના આર કે સ્ટુડિયોથી સ્મશાનયાત્રા નીકળી ત્યારે આસપાસની ઝૂંપડપટ્ટીઓના હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લોકોના ટોળેટોળા રાજ કપૂરનો નશ્વર દેહ જે ટ્રકમાં રખાયો હતો એની સાથોસાથ દોડતા હતા. ટોળાં અંતિમ યાત્રામાં જોડાયેલા એક્ટરોને જોઈ ચિચિયારીઓ પાડતા હતા. આ લખનારે નરી આંખે એ વરવું દૃશ્ય જોયું છે. એ વખતે ટોળાંને કાબૂમાં રાખવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. પોતાનું આખું આયખંુ સિનેમાને સમર્પિત કરનાર વિભૂતિને આ રીતે અંતિમ વિદાય અપાય? આવી રીતે કોઈના મોતને એક લજ્જાસ્પદ બીના બનાવી દેવાય?

એ જ રીતે સ્મિતા પાટિલના અગ્નિસંસ્કાર વખતે શિવાજી પાર્કના નાનકડા સ્માશાનગૃહમાં એટલું બધું મહેરામણ ઊમટયું હતું કે એક તબક્કે ભારે અવ્યવસ્થા સર્જાવાની અને સ્ટેમ્પેડ થવાની ભીતિ ઊભી થઈ હતી. છેલ્લે મુંબઈમાં શ્રીદેવીની અંતિમયાત્રામાં મહેરામણ ઊમટયું હતું. સેંકડો મુંબઈગરા ઓફિસમાં ગુલ્લી મારીને શ્રીદેવીની સ્મશાનયાત્રામાં જોડાયા હતા. એ વખતે દેશના ખૂણેખૂણેથી પણ સેંકડો લોકો મુંબઈ પહોંચી ગયા હતા. શું આ બધા શ્રીદેવીના એટલા ચુસ્ત ફેન હતા કે એના અંતિમ દર્શન કરવા ઊમટી પડયા? એ વાતમાં દમ નથી. મોટાભાગના લોકો શ્રીની અંતિમયાત્રામાં જોડાનાર ફિલ્મસ્ટારોના ‘દર્શન’ કરવા ઊમટયા હતા. તેઓ જાણતા હતા કે આજે આપણને બોલિવૂડના તમામ સ્ટાર્સ એક જ સ્થળે જોવા મળશે. આવો સુવર્ણ અવસર જતો કરાય ખરો? કોઈ પણ મોટા સ્ટારની અંતિમ યાત્રામાં લોકો આ જ લાલચે જોડાતા હોય છે.

માત્ર ફિલ્મસ્ટારો જ નહીં, સામાન્ય માનવીના નિધન વખતે પણ ક્યારેક મૃત્યુના મલાજાના ચીંથરા ઉડાડાય છે. થોડા અરસા પહેલાં એક વરવો વીડિયો વોટસએપ પર વાઇરલ થયો હતો. વીડિયોમાં એક વૃદ્ધ વડીલનો નશ્વર દેહ ચિતા પર મૂકી એની આસપાસ એમના સ્નેહીજનો સંગીતના તાલે નાચતા દેખાતા હતા. આબાલ વૃદ્ધ સૌકોઈ ડાન્સના સ્ટેપ્સ લેવામાં ગુલતાન હતા. વીડિયોની સાથે એવી પોસ્ટ મુકાઈ હતી કે મૃત વડીલની એવી ઇચ્છા હતી કે લોકો નાચતા-ગાતા એમના અગ્નિસંસ્કાર કરે. વડીલ તો કહી ગયા પણ તમને મોતના મલાજાનું શું થશે એનો વિચાર ન આવ્યો? કોઈને એવું ન થયું કે સ્મશાનમાં રાસડા લેવાથી મોતની ગરિમા ઝંખવાશે? ખુદ મોત જ શરમમાં મુકાશે? આ બધું જોઈ-સાંભળી એટલું જ કહેવાનું મન થાય છે કે ‘હે મોત, તું સૌને તારો મલાજો જાળવતા શીખવ.’