NIFTY 10,008.65 -113.25  |  SENSEX 32,067.05 +-302.99  |  USD 64.8150 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેવાંની માફી નહીં, દેવું જ ન કરવું પડે તેવા ઉપાયોની જરૂર

દેવાંની માફી નહીં, દેવું જ ન કરવું પડે તેવા ઉપાયોની જરૂર

 | 2:20 am IST

ઘટના અને ઘટન : – મણિલાલ એમ. પટેલ

દેશમાં લોકસભા કે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવે એટલે ખેડૂતોની દેવા-નાબૂદીની વાત ખુદ ખેડૂતો કરતાં રાજકીય પક્ષો અને નેતાઓ ચગાવે છે, કેમ કે મતનો પાક લણી લેવાની ચૂંટણી એ ઉત્તમ મોસમ છે. હવે આવી માગણી એક સામાન્ય માગ બની ગઈ છે અને રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓ સુધી પહોંચી ગઈ છે અને રાજકીય પક્ષો આવા મુદ્દે રીતસરની હરીફાઈ જામે છે, કેમ કે પ્રશ્ન ખેડૂત વોટબેન્કની જાળવણી અને વૃદ્ધિનો છે. મૂળ દર્દનો વિચાર કર્યા વિના આપણે ત્યાં થીંગડાં મારવાનું વર્ષોથી ચાલ્યા કરે છે. યોગ્ય નિદાન વિના દવા આપવાથી દર્દી સાજો થાય ખરો? ખેડૂતોના વધતા આપઘાતની સૌને ચિંતા થાય પણ સર્વોચ્ચ અદાલતે હમણાં કહ્યું કે, સરકાર ખોટી દિશામાં છે, આપઘાત નિવારવા નક્કર નીતિ ઘડી કાઢવાની જરૂર છે.

આપણા દેશમાં મુશ્કેલી એ છે કે, સમસ્યાનાં મૂળ સુધી જવાની આપણામાં આદત નથી કે નથી થતાં તે અંગે મજબૂત સંશોધનો. આપણે તરત જ નામો બદલીને યા નવાં રૂપાળાં નામો યોજનાઓને આપીને મૂળ પ્રશ્ન પર લીંપણ લગાવીને સમસ્યા ઉકેલ્યાનો સંતોષ માનીએ છીએ, કેમ કે સમગ્ર પ્રજાને અર્થશાસ્ત્રની જગ્યાએ ચૂંટણીશાસ્ત્ર કે મતશાસ્ત્ર તરીકે જોવામાં કે જોડવામાં આવે છે. આપણે કૃષિમંત્રાલયનું નામ બદલીને કૃષિકલ્યાણ ખાતું કરી નાખ્યું એટલે જાણે ખેડૂતોનું કલ્યાણ થઈ ગયું. ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ આપી દીધાં એટલે જાણે ખેડૂતોનો ઉદ્ધાર થઈ ગયો. સોઇલ હેલ્થકાર્ડમાં જે તત્ત્વની ખામી હોય તે તત્ત્વ માટે તેવો ખોરાક જમીનને આપવો પડે. દર્દીના મેડિકલ ટેસ્ટથી દર્દી સાજો નથી થઈ જતો. ટેસ્ટમાં જે નિદાન થાય તે મુજબ દવા કરવી પડે છે. જો દર્દી પાસે દવા કરાવવાના પૈસા ન હોય તો માત્ર ટેસ્ટ કે તપાસરિપોર્ટનો શું અર્થ? દેવા-નાબૂદીને બદલે ખેતસબસિડી ખેતીપ્રધાન દેશમાં વધારાય તે જરૂરી છે.

જેની પાસે જમીન છે તેને હવે ખેતીમાં રસ નથી યા ગામમાં રહેતો નથી. તેની જમીન બીજા લોકો ભાગ કે સાંથથી વાવતાં હોય છે. હવે લોન તો જેની જમીન હોય તેને જ મળે છે, વાવે તેને મળતી નથી, કેમ કે, જમીન તેની હોતી નથી. જમીન વાવનાર નાનો ને સીમાંત ખેડૂત છે. હવે વિચારો કે દેવા-નાબૂદી કોની થતી હશે? આપઘાત કરનાર ખેડૂતને વળતર આપવાથી કે દેવા-નાબૂદીથી ખેડૂતો સધ્ધર બનશે યા તેમની સ્થિતિ સુધરશે એમ માનવું ભૂલભરેલું છે. આપણે ત્યાં કમનસીબે ખેતરનો શેઢો પણ ન જોયો હોય યા સરસવ-રાયડો કે મેથીને લસકાનાં પાનની ઓળખ પણ ન હોય તેવાં લોકો કૃષિનીતિ નક્કી કરે છે. રિઝર્વ બેન્કે કહ્યું કે, દેવા-માફી નૈતિક રીતે પણ અયોગ્ય છે. મૂળ વાત એ છે કે, ખેડૂતોમાં તો ઉછીનાં લીધેલાં નાણાં દૂધે ધોઈને પાછાં આપવાની સંસ્કૃતિ છે. તો આ દેવા-માફીની સંસ્કૃતિ કોણ લાવ્યું? અર્થનીતિ પર રાજનીતિ હાવી થઈ ગઈ છે. દેવા-નાબૂદીથી કે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાની શાબ્દિક જાહેરાતોથી ખેડૂતોની સ્થિતિમાં પરિવર્તન આવવાનું નથી.

ખેડૂતને શું જોઈએ અને તે શા માટે દેવું કરે છે તે સમજવાની અને તેને અનુરૂપ ઉપાયો પ્રયોજવાની જરૂર છે. ખેડૂતો માટેની સારી યોજનાઓ, સંશોધનો કે ટેક્નોલોજી આવી નથી એવું નથી પણ તે ખેડૂતનાં ખેતર, ગામ કે ઘર સુધી પહોંચી શકે અને તેનો સુચારુ અમલ થાય તે જ મહત્ત્વનું છે. ખેડૂતને ખેતી ખર્ચાળ લાગે છે, પરવડતી નથી, જમીન વેચે છે ત્યારે ખેતીને કેમ ઓછી ખર્ચાળ બનાવી શકાય તે અંગે વિચારણા થાય તે જરૂરી છે. સીધી દેવા-નાબૂદીની જગ્યાએ તેને સિંચાઈનું પાણી, પાણી માટે સમયસર પૂરતી વીજળી, તેને પરવડે તે ભાવે બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરે સમયસર મળી રહે તેવી વ્યવસ્થા જરૂરી છે. હજુ સુધી માંડ દેશની ૪૦ ટકા ખેતીલાયક જમીનને જ પાણી પૂરું પાડી શકાયું છે. ખેતીને ઉપયોગી ખાતરો, સાધનો, ટ્રેક્ટર્સ વગેરે વાજબી ભાવે મળી રહે અને વેટ ન લાગે તે જોવાની જરૂર છે. ટપક અને ફુવારા પદ્ધતિને પ્રોત્સાહન આપવાની અને સબસિડી વધારવાની જરૂર છે. દેવા-નાબૂદી કરતાં ખેડૂતોને ઉપયોગી ચીજો પર સબસિડી વધારાય તે વધુ ઉત્તમ છે. પાક વીમા યોજના આવી, પણ હજુ તમામ કૃષિ-પાક માટે વીમા યોજના નથી. ટેકાના ભાવે કૃષિપેદાશોની ખરીદી પૂરતા પ્રમાણમાં સમયસર થાય તે જરૂરી છે. ટેકાના ભાવ પણ પોષણક્ષમ હોવા જરૂરી છે. સાથે સાથે ખેડૂત માલ વેચી દે પછી ટેકાના ભાવે ખરીદી શરૂ થાય તેનો કશો અર્થ નથી. ખેડૂતો સૂર્યઊર્જા વાપરે અને તે માટે મદદ મળી રહે તેવી નીતિ જરૂરી છે. આજે ખેડૂત તેની ખેતપેદાશો બજારમાં વેચી દે પછી તેના ભાવો વધે છે. તે જે ભાવે પોતાનો માલ વેચે છે તેનાં કરતાં અનેકગણા વધુ બાવે તે માલ બજારમાં લોકોને મળે છે યા તેની કૃષિપેદાશ આધારિત ઉદ્યોગોની પેદાશોના ભાવ અનેક ગણા ઊંચા હોય છે! પરંતુ ખેડૂતને તેનાં ઉત્પાદનખર્ચ પ્રમાણે ભાવો મળતા નથી. માત્ર દૂધ અને ખેતપેદાશો જેના ભાવો ઉત્પાદનખર્ચ આધારિત નથી. બાકી બધી ચીજો બજારમાં ઉત્પાદનખર્ચ ઉપરાંત વિક્રેતાના નફા સાથેની કિંમતે વેચાય છે. જૂનીપુરાણી સજીવ ખેતીને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.