Debut on Morari Bapu's name in Gujarat Vidhansabha
  • Home
  • Featured
  • મોરારી બાપુના નામે આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં હોબાળો, બન્ને પક્ષોએ કર્યો સૂત્રોચ્ચાર

મોરારી બાપુના નામે આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં હોબાળો, બન્ને પક્ષોએ કર્યો સૂત્રોચ્ચાર

 | 12:48 pm IST

ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે અનાજના કાળા બજારનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં છેલ્લા 2 વર્ષમાં 17584 રેડ પાડવામાં આવી છે, અને ત્યાંથી રૂપિયા 4,45,68, 578 રૂપિયાનો ગેરકાયદેસર પુરવઠો જપ્ત કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

વિધાનસભામાં સોમવારે પ્રશ્નકાળ દરમિયાન માંડવીના આનંદ ચૌધરીએ ગુજરાતમાં મોરારિ બાપુના નામે પણ રેશનિંગનું અનાજ બારોબાર ઊપડી જાય છે, તેના કાળાબજાર થાય છે તેવો આક્ષેપ કરતા જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આમનેસામને આવી ગયા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સખત વાંધો લેતા હિંદુ સંતોનું અપમાન કરનાર કોંગ્રેસ, વિપક્ષના નેતા માફી માંગે તેવી માગણી કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ હિંદુ સંતોને જ કેમ બદનામ કરે છે ? શું વિદેશથી ફંડ મળે છે ? એવા સવાલો કરતા માંડવીના આનંદ ચૌધરીને પોતાના મતક્ષેત્રમાં મોરારિ બાપુના નામે નકલી રેશન કાર્ડ મળ્યું હોય, તેમના નામે અનાજ ઊપડયું તો પુરાવો આપવા પડકાર ફેંક્યો હતો.

સામે પક્ષે આક્ષેપો કર્યા પછી આનંદ ચૌધરીના બચાવમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઊભા થઈને પોતાની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ”મોરારિ બાપુ જ નહી, સુરતના સાંસદ દર્શના જરદોશની પણ જાણ બહાર તેમની ફિંગરપ્રિન્ટથી રેશનિંગની દુકાનેથી સસ્તું અનાજ બારોબાર સગેવગે થઈ ગયું હતું.

આવી તો એક લાખ ફરિયાદો છે.” પ્રશ્નકાળમાં વાતાવરણ વધુ ગરમાય તે પૂર્વે અધ્યક્ષે પોતાના નિર્ણયની કાર્યવાહી પેન્ડીંગ રાખતા મામલો શાંત થયો હતો.

ભારતમાં રહેતા બધા જ હિંદુ છે : અધ્યક્ષ

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આનંદ ચૌધરીને પોતાનો સવાલ પાછો ખેંચવા અથવા દિલગીરી વ્યક્ત કરવા સમજાવતા હતા ત્યારે તેમણે ‘ભારતમાં રહેતા બધા જ લોકો હિન્દુ છે’ એમ કહ્યું હતું. આવા વિધાનો RSSના કાર્યકરો કરતા રહ્યા છે. વિધાનસભાના સર્વોચ્ચ સ્થાનેથી આવા ઉદ્દગારોથી ધર્મ, ભાષા, સંસ્કૃતિની વૈવિધ્યતાભર્યા ભારતીય લોકતંત્રના હિમાયતીઓને ધક્કો પહોંચ્યો હતો.

તો બીજી બાજુ નસવાડીમાં અનાજ કૌભાંડનો મામલો ગૃહમાં ઉઠ્યો હતો. સુખરામ વસાવાએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, ‘સંદેશ ન્યૂઝે’ આ કૌભાંડનો પર્દાફાશ પહેલા પણ કર્યો હતો. આ મેટરની તપાસ ચાલુ હોવાનો સરકારે જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન