Deep Depression In Arabian Sea Cyclone Vayu May Hit In Gujarat Coast
  • Home
  • Featured
  • ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી 325 KM દૂર, 140-150 KMની ઝડપે ટકરાશે, NDRFની 36 ટીમ તૈનાત

‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી 325 KM દૂર, 140-150 KMની ઝડપે ટકરાશે, NDRFની 36 ટીમ તૈનાત

 | 9:31 am IST

સૌરાષ્ટ્ર-કચ્છ પર ઝળુંબી રહેલું વાયુ વાવાઝોડું હવે વેરાવળથી 325 કિલોમીટર જ દૂર છે અને કલાકના નવ કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગંભીરથી અતિગંભીર કેટેગરીમાં ફેરવાઇ ગયું છે. એવા સંજોગોમાં 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે સિવિયર સાઇક્લોનમાં ફેરવાતા ચિંતાનું મોજું ફેરવાયું છે. બુધવારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરાશે.

મંગળવારે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં મિટિંગ યોજાઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે સમીક્ષા બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લા કલેક્ટરોને વીડિયો કોન્ફરન્સિંગથી સૂચના આપી હતી. વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં તા.12 અને 13મી જૂને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આ શાળાઓને ઇમરજન્સીમાં લોકોને રાખી શકાય, તે માટે તૈયાર રખાઇ છે. લોકોના જાનમાલની સુરક્ષા સામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્મીની 34 ટીમ, એનડીઆરએફની 15 ટુકડી અને એસડીઆરએફની 11 ટીમો ખડેપગે તહેનાત રહેશે. એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂણે અને ભટિંડાથી આવી ગઈ છે. આ સાથે જ પાંચ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 140 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે. તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક 2 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના 10 અને માળિયા તાલુકાના 4 ગામોને એલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ કરવામાં આવ્યું છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયુ છે.

‘વાયુ’ વાવાઝોડાની ગંભીર અસરનો ચિતાર
– ‘વાયુ’ વાવાઝોડું અતિ ગંભીર વાવાઝોડાની કેટગરીમાં ફેરવાયું
– અંદાજે 140 – 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
– ગોવા, મુંબઈ અને હવે ગુજરાત નજીક ‘વાયુ’ વાવાઝોડું
– પોરબંદરથી વેરાવળની દરિયાઈ પટ્ટી પર અસર થશે
– બુધવારે બપોરે 12 વાગે મુંબઈ ‘વાયુ’ વાવાઝોડુ પહોંચવાની શકયતા
– બુધવારે રાત્રે 8 વાગે ગુજરાતના દક્ષિણ કિનારા નજીક પહોંચશે
– ગુરૂવારે સવારે 5 વાગે સૌરાષ્ટ્ર – કચ્છને ઘમરોળે તેવી શક્યતા
– 12 અને 13 જૂને સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી
– સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાહેર કરી ગાઈડલાઈન
– ‘વાયુ’ને પગલે ગુજરાતના દરિયાની તમામ બોટ પરત ફરી
– કચ્છ, અમરેલી, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી
– જામનગર, પોરબંદર, દ્રારકામાં પણ પડી શકે છે ભારે વરસાદ
– ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું
– ધીમે ધીમે ઉત્તર – પશ્ચિમ તરફ આગળ વધશે સિસ્ટમ
– દક્ષિણ – પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય

કાંઠા વિસ્તારના 408 ગામોમાં વધુ અસર થઈ શકે
આજે સવારથી કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરની કામગીરી શરૂ કરાશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે, કાંઠા વિસ્તારમાં 2.91 લાખ લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. બુધવાર સુધીમાં સ્થળાંતરની પ્રક્રિયા પૂરી થઈ જશે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના 408 ગામડાઓમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે.

પાંચ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવા સૂચના
સૂકા નાસ્તાના પાંચ લાખ ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ સાથે તૈયાર કરવા પણ રાજ્યના પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે.

મોબાઈલ ટાવર કાર્યરત રહે તેની કાળજી લેવા સૂચના
સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે બીએસએનએલ ઉપરાંત રાજ્યભરના મોબાઈલ ઓપરેટર્સને મોબાઈલ ટાવર સતત કાર્યરત્ રહે તે માટે કાળજી લેવા જણાવાયું છે.

આ 10 જિલ્લાની શાળા-કોલેજ બંધ રહેશે?
પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લાની શાળા કોલેજો આજે અને આવતીકાલે બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન