Deep Depression In Intensifies, Cyclone Vayu May Hit Gujarat Coast
  • Home
  • Featured
  • ઓરિસ્સા ટેક્નિકથી ‘વાયુ’નો સામનો કરશે ગુજરાત! ગૃહમંત્રી શાહ પણ એક્શન મોડમાં

ઓરિસ્સા ટેક્નિકથી ‘વાયુ’નો સામનો કરશે ગુજરાત! ગૃહમંત્રી શાહ પણ એક્શન મોડમાં

 | 11:43 pm IST

ઓરિસ્સામાં ગત મહિને આવેલા ફની નામના વાવાઝોડા બાદ હવે આવુ જ ભયાનક વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની તૈયારીમાં છે. અરબ સાગરમાં ઉદભવેલુ વાયુ નામનું વાવાઝોડુ મહારાષ્ટ્રથી ઉત્તરમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવાનામ વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું પોરબંદર, વેરાવળ અને કચ્છના દરિયાકાંઠે ટકરાવવાની શક્યતા છે.

વાયુ વાવાઝોડાની ઝડપ ગુજરાતમાં 110 થી 135 કિલોમીટર પ્રતિ કલાક તો મહારાષ્ટ્રમાં 70 કિલોમીટરની હોવાની શક્યતા છે. સાથો સાથ વરસાદ પણ ખાબકશે. માટે નુંકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ગુજરાતના અધિકારીઓ સજ્જ બન્યા છે.

ગુજરાતના અધિકારીઓ ઓરિસ્સામાં આવેલા ફની વાવાઝોડા સમયે અપનાવવામાં આવેલી ટેકનિક વિષે જાણાકારી મેળવી રહ્યાં છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ આ મામલે બેઠક યોજી તૈયારીઓનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત સરકારનું હાઈ એલર્ટ, સેનાની ત્રણેય પાંખ સજ્જ

સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, દીવ જીલ્લાઓમાં પણ બચાવ કાર્યની કોઈ જરૂર પડે તો જામનગર એરફોર્સ તેમજ આર્મીની ત્રણેય પાંખના જવાનોની 7 ટીમો ઉપરાંત નેવીના 500 તરવૈયા જવાનો વગેરે તૈયાર હોવાનું તેમણે ઉમેર્યુ હતું. મ્યુ.કમિશનર સતીષ પટેલએ જણાવ્યું હતું કે, જામનગર શહેરને બે દિવસ સુધી પાણી સ્ટોરેજ કરવા માટે વધુ પાણીનો જથ્થો આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ સહાયની જરૂર પડશે તો જામનગર એરફોર્સથી હેલીકોપ્ટરો અને વાહનો મારફત ફુડપેકેટો કે અન્ય સામગ્રી પહોંચાડવા માટે જામનગરમાં 8 એન.જી.ઓ.સાથે તંત્રએ તાબડતોબ હજારો ફુડ પેકેટો બનાવવા અને મોકલવા તૈયારી રાખી છે.

માછીમારોને દરિયો ના ખેડવા સલાહ

અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયા બાદ સૌરાષ્ટ્રના બંદરકાંઠા હાઇએલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ કરવામાં આવ્યુ છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયુ છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતે પહોચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ 160 માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. 4000 માછીમારોને દરીયામાંથી પરત બોલાવી લેવાયા છે. 

ઓરિસ્સાની ટેકનિક સમઝવા ગુજરાતનો પ્રયાસ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે, સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે ગુજરાતને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ફની વાવાઝોડા દરમિયાન ઓરિસ્સામાં અનુંસરવામાં આવેલી ટેકનિક સિખવા અને તેને અમલમાં મુકવાના હેતુસર ગુજરાતના અધિકારીઓ ઓરિસ્સા સરકારના સંપર્કમાં છે.

તેમને જણાવ્યું હતું કે, અમારા માટે 13 અને 14 જૂન મહત્વપૂર્ણ છે. સંબંધિત વિભાગના અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહે તૈયારીઓનો તાગ મેળવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઉભી થનારી પરિસ્થિતિઓનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની તૈયારીઓની માહિતી મેળવી હતી. ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ શાહે ટોચના અધિકારીઓને લોકોને સુરક્ષીત બહાર કાઢવા, જરૂરી એવી તમામ સામગ્રીઓના રખરખાવ, વિજળી, ટેલીકોમ્યુનિકેશન, સ્વાસ્થ્ય, પીવાનું પાણી સહિતની અન્ય ચીજવસ્તુઓ પુરી પાડવાના આદેશ આપ્યા છે. સાથે જ વાવાઝોડાના કારણે થનારા નુંકશાનને પહોંચી વળવા અને જરૂરી ચીજવસ્તુઓ સત્વરે પહોંચાડવા આદેશ આપ્યા છે. તેમણે કંટ્રોલ રૂમમાં 24 કલાક એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન