Defence Ministry official put on record objections to 36 Rafale Fighter Jets deal
  • Home
  • Featured
  • રાફેલ મામલે ધડાકો, સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ આ બાબતને લઈને વાંધો ઉઠાવેલો

રાફેલ મામલે ધડાકો, સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ આ બાબતને લઈને વાંધો ઉઠાવેલો

 | 10:25 pm IST

ફ્રાન્સની પાસેથી રાફેલ વિમાનો ખરીદવાના સોદામાં વિમાનની કિંમત અને કોન્ટ્રાક્ટનાં મૂલ્ય સામે કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા છે અને દેશભરમાં ચર્ચા જાગી છે ત્યારે આ મામલે અખબાર ઈન્ડિયન એક્સ્પ્રેસમાં ચોંકાવનારો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. સપ્ટેમ્બર 2016માં તત્કાલીન સંરક્ષણપ્રધાન મનોહર પારિકર અને ફ્રાન્સના સંરક્ષણપ્રધાન વચ્ચે 36 રાફેલ જેટ ફાઇટર અંગે સોદો કરાયો તેના એક મહિના પહેલાં સંરક્ષણ મંત્રાલયના સિનિયર અધિકારી દ્વારા રાફેલની કિંમત અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વાંધાઓ રજૂ કરનાર આ અધિકારી કોન્ટ્રાક્ટ નેગોશિએશન કમિટી(CNC)ના સભ્ય હતા અને તેમણે સોદાની બેન્ચમાર્ક કિંમત અંગે તેમના વાંધા રેકોર્ડ પર મૂક્યા હતા. આ અધિકારી તે વખતે સંરક્ષણ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી એન્ડ એક્વિઝિશન મેનેજર(એર) હતા અને કેબિનેટની મંજૂરી માટેની નોંધ તેમણે તૈયાર કરી હતી. તેમણે ઉઠાવેલા આ વાંધાને કારણે સોદાને મંજૂર કરવામાં કેબિનેટને વિલંબ થયો હતો.

આ પણ વાંચો : રાફેલ મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેક્રોને તોડ્યું મૌન, મોદીનું નિવેદન ટાંક્યું

સંરક્ષણ મંત્રાલયના ડિરેક્ટર જનરલ(એક્વિઝિશન) દ્વારા વાંધા ફગાવાયા પછી સોદો થયો

જોકે સંરક્ષણ મંત્રાલયના તે વખતના બીજા એક સિનિયર અધિકારી ડિરેક્ટર જનરલ(એક્વિઝિશન) દ્વારા આ વાંધાઓને રદ કરવામાં આવ્યા તે પછી સોદા પર સહીસિક્કા કરવાનું શક્ય બન્યું હતું. JS & AM(એર) દ્વારા તૈયાર કરાયેલી વાંધાઓની આ નોંધ હાલ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા(CAG) પાસે અભ્યાસ માટે રજૂ કરાયેલી છે. સીએજી દ્વારા ડિસેમ્બરમાં સંસદનાં શિયાળુ સત્રમાં આ નોંધ અંગેનો રિપોર્ટ રજૂ કરાય તેવી ધારણા છે. સીએજી તેના રિપોર્ટમાં રાફેલ સોદા અંગે રજૂ કરાયેલા વાંધા અંગે તેનાં તારણો રજૂ કરશે અને આ વાંધાઓને કેવી રીતે ફગાવાયા તેનાં કારણો રજૂ કરશે તેવું મનાય છે. ઝ્રગ્દઝ્રનું વડપણ તે વખતે ઈન્ડિયન એરફોર્સના ડેપ્યુટી ચીફ સંભાળતા હતા અને ફ્રાન્સની ટીમ સાથે અનેક મંત્રણાઓ પછી સોદાની કિંમત નક્કી કરાઈ હતી.

સોદાની કિંમત 126 રાફેલ ખરીદવાના પડતા મુકાયેલા સોદા કરતાં ઘણી વધારે હતી

તત્કાલીન JS & AM(એર) દ્વારા જે વાંધા રજૂ કરાયા હતા તે 36 રાફેલ સોદાની બેન્ચમાર્ક પ્રાઇસને લગતા હતા. સોદાની આ કિંમત 126 રાફેલ ખરીદવાના પડતા મુકાયેલા સોદા કરતા ઘણી વધારે હતી જેનો તેમણે વિરોધ કર્યો હતો. આ બેન્ચમાર્ક પ્રાઇસથી સપ્લાયર દ્વારા દર્શાવવામાં આવેલા ઓછામાં ઓછા ભાવની યોગ્યતા નક્કી થતી હોય છે. 36 રાફેલ વિમાનો અંગેનો સોદો બંને સરકારો વચ્ચેનો હતો અને એપ્રિલ 2015માં પીએમ મોદીની પેરિસમુલાકાત વખતે જાહેર કરાયો હતો. આ પછી 24 જૂન ના રોજ 126 રાફેલ વિમાનો ખરીદવાની દરખાસ્ત રદ કરાઈ હતી. JS & AM(Air) દ્વારા જે નોંધ રજૂ કરવામાં આવી હતી તેમાં એવું દર્શાવાયું હતું કે જર્મનીએ તેનાં યુરોફાઇટર વિમાનો ખરીદવા ભારત સરકારને 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી હતી. આવું 20 ટકા ડિસ્કાઉન્ટ ભારત દ્વારા 36 રાફેલ વિમાનો માટે માગી શકાયું હોત. રાફેલના સોદાની આ કિંમતમાં ભારત રશિયા પાસેથી સુખોઈ વિમાનો ખરીદી શક્યો હોત. આ પછી JS & AM(Air) એક મહિનાની રજા પર ઊતરી ગયા હતા અને રાફેલ સોદો કરાયો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધી રાફેલ મુદ્દે પાકિ. મંત્રીનું સમર્થન મેળવી રહ્યા છે

યુપીએ સરકારનો સોદો કેવી રીતે બદલાયો અને મોદી સરકારે તેને કઈ કિંમતે ખરીદ્યાં? તેની અંદરની વાત

-યુપીએ સરકારે 126 રાફેલ ખરીદવા સોદો કર્યો હતો, જેમાં 18 તરત મળવાનાં હતાં અને બાકીનાં 108 ભારતમાં બનાવવાનાં હતાં.

-જે 18 વિમાનો તરત ખરીદવાનાં હતાં તેની કિંમત દરેક વિમાનદીઠ રૂ. 688 કરોડ હતી જ્યારે HALની મદદથી ભારતમાં બનાવવામાં આવનાર દરેક વિમાનની કિંમત રૂ. 911 કરોડ થઈ જતી હતી.

-2013માં યૂરો ડિફેન્સ કંપનીએ વિમાનની કેટલીક ચીજો પર 20 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, જોકે વિમાનની બેઝપ્રાઇસ બદલવા ઇનકાર કર્યો હતો.

-રાફેલ દ્વારા ઓફર કે કિંમતમાં ફેરફારનો સતત ઇનકાર કરાતો હતો, કારણ કે ઓર્ડરમાં સતત વિલંબ થતો જતો હતો, આથી કિંમતમાં 1.22 ટકાનો વધારો થઈ શકે તેમ હતો.

-2013-14માં ભારતમાં બનાવવામાં આવનાર 108 વિમાનનો સોદો રદ કરાયો.

-ફ્રાન્સના મત મુજબ જો ભારતમાં વિમાન બનાવાય તો 31 મિલિયન કલાકના મેનપાવરની જરૂર હતી, જ્યારે HAL દ્વારા 100 મિલિયન કલાકનો મેનપાવર માગવામાં આવ્યો હતો.

-આ પછી 36 રાફેલ ખરીદવા ભારત અને ફ્રાન્સની સરકારો વચ્ચે કરાર થયા, જેમાં બેઝપ્રાઇસ પર 18 વિમાનો ખરીદવાની વાત હતી.

-યુપીએ સરકાર જે ભાવથી વિમાનો ખરીદવા સંમત થઈ હતી તે 36 વિમાનની કિંમત 9503 મિલિયન યૂરો થતી હતી.

-ફ્રાન્સ સોદામાં વિલંબને કારણે કિંમત વધારીને 11,000 મિલિયન યૂરો કરવા માગતો હતો.

-આખરે 36 રાફેલ વિમાનની કિંમત 7,889 મિલિયન યૂરો નક્કી કરાઈ હતી.

-આમાં ફ્રાન્સ 50 ટકા રોકાણ ભારતમાં કરવા સંમત થયો હતો અને DRDOને એરક્રાફ્ટ એન્જિનની ટેક્નિક પણ મળવાની હતી.

-ભારત સરકારે જણાવ્યા મુજબ નવી કિંમતમાં કુલ 13 નવા ફેરફાર કરાયા હતા, જેમાં પાઇલટ માટે હેલ્મેટવાળી ડિસ્પ્લે અને વિઝયુઅલ મિસાઇલ્સ રેન્જ સહિત ઘણા ફેરફાર હતા.

-સાત વર્ષ સુધી આશરે 75 ટકા મેઇન્ટેનન્સની સુવિધા મળવાની હતી.

-એનડીએ સરકારનો દાવો છે કે આ સોદો 1.6 અબજ ડોલર સસ્તો છે.

-ભારત સરકારે ફ્રાન્સને રાફેલની કિંમત જાહેર કરવા છૂટ આપી છે.