Delhi-bound terrorist with 8 grenades arrested in J&K
  • Home
  • Featured
  • 15મી ઓગસ્ટે દિલ્હીને રક્તરંજીત કરવાનું કાવતરૂ ઝડપાયું

15મી ઓગસ્ટે દિલ્હીને રક્તરંજીત કરવાનું કાવતરૂ ઝડપાયું

 | 8:50 pm IST

જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે એક આતંકવાદીને ઝડપીને 15મી ઓગસ્ટના રોજ દિલ્હીમાં આતંકી હુમલો કરવાનાં મોટાં કાવતરાંને નિષ્ફળ બનાવ્યું છે. આતંકી પાસેથી 8 ગ્રેનેડ ઝડપાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આતંકી તેના સંપર્કને વિસ્ફોટકો પૂરા પાડવા દિલ્હી જવાની યોજના બનાવી રહ્યો હતો. જમ્મુના આઈજીપી એસ. ડી. એસ. જામવાલે જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના અવંતિપોરાના ઇરફાન હુસેન વાણીને જમ્મુ શહેરના ગાંધીનગર વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. તેની પાસેથી રૃપિયા 60,000 રોકડા મળી આવ્યા હતા.

જામવાલે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન ૨૫ વર્ષીય ઇરફાન હુસેન વાણીએ તે ઝાકિર મુસાનાં નેતૃત્વ હેઠળનાં આતંકવાદી સંગઠન ગાઝવત ઉલ હિંદ સાથે સંકળાયેલો હોવાની કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, અલ-કાયદા સાથે સંકળાયેલાં આ સંગઠનના બીજા નંબરના નેતા રેહાન સાથે સંપર્કમાં હતો.

ગુપ્તચર બાતમીના આધારે પોલીસે જમ્મુનાં ગાંધીનગર વિસ્તારમાં રવિવારે રાત્રે બસ આંતરીને ઇરફાનની ધરપકડ કરી હતી. તેની પાસેથી આઠ જીવતા ગ્રેનેડ અને રૃપિયા 60,000 રોકડા મળી આવ્યા હતા. બીએનો ડ્રોપઆઉટ ઇરફાન છેલ્લા એક વર્ષથી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તેની ધરપકડ સાથે દિલ્હી અને જમ્મુમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હુમલો કરવાની મોટી યોજના નિષ્ફળ બની છે.

ઇરફાનની ધરપકડને મોટી સફળતા ગણાવતા આઈજીપીએ જણાવ્યું હતું કે, જમ્મુમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શાંતિપૂર્ણ રહે તે માટે પોલીસ દ્વારા ગોઠવાયેલી ચુસ્ત સુરક્ષાવ્યવસ્થાને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. 15મી ઓગસ્ટના રોજ કાશ્મીર અને દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાની લશ્કર-એ-તોયબા, જૈશે-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવાં સંગઠનો તૈયારી કરી રહ્યાં હોવાની ગુપ્તચર માહિતી બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સાઉદીમાંથી તડીપાર કરાયેલા લશ્કરના આતંકીની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ

સાઉદી અરબથી તડીપાર કરાયેલા લશ્કર-એ-તોયબાના આતંકવાદીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. હબીબુર રહેમાન મૂળ ઓરિસ્સાના કેન્દ્રપાડા જિલ્લાનો રહેવાસી છે. તે લશ્કર-એ-તોયબાના આતંકવાદી શેખ અબદુલ નઇમના હેન્ડલર તરીકે કામગીરી કરતો હતો. હબીબુરને દિલ્હીની પતિયાલા કોર્ટમાં રજૂ કરાયો હતો.