Delhi Capitals Announced Saurav Ganguly As Their Advisor
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2019: ‘દાદા’ને મળ્યો મહત્વનો રૉલ, દિલ્હીને બનાવશે ચેમ્પિયન!

IPL 2019: ‘દાદા’ને મળ્યો મહત્વનો રૉલ, દિલ્હીને બનાવશે ચેમ્પિયન!

 | 3:45 pm IST

ભારતીય ક્રિકેટ ટીમને સફળતાનાં શિખરે પહોંચાડનારા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે IPLમાં એક અલગ રંગમાં જોવા મળશે. દિલ્હી કેપિટલ્સે ગુરૂવારનાં રોજ તેમની વરણી પોતાના સલાહકાર તરીકે કરી છે. ‘દાદા’ પોતાના આ નવા રૉલમાં દિલ્હી કેપિટલ્સનાં કૉચ અને પૂર્વ ઑસ્ટ્રેલિયાઈ કેપ્ટન રિકી પોન્ટિંગની સાથે ટીમની રણનીતિ બનાવતા જોવા મળશે. દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવાને લઇને સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “હું આ ટીમ સાથે જોડાઇને ઘણો ખુશ છું. ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ સાથે કામ કરવાની મજા આવશે.”

IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ત્યારબાદ સહારા પુણે વૉરિયર્સની કેપ્ટનશિપ સંભાળનારા સૌરવ ગાંગુલીનાં આવવાથી શું દિલ્હી ફ્રેંચાઇઝી પોતાની પહેલી IPL જીતી શકશે, તે તો સમય જ બતાવશે. આ વખત આ ટીમ નવા નામ, નવી જર્સી અને નવા ઇરાદાઓ સાથે મેદાનમાં ઉતરી રહી છે. લોકલ બૉય શિખર ધવન પણ સનરાઇઝર્સ હૈદરાબાદને છોડીને ઘરેલૂ ટીમમાં સામેલ થઇ ચુક્યો છે. ટીમની કમાન યુવા શ્રેયસ અય્યરનાં હાથમાં હશે. પહેલી મેચ 24 માર્ચનાં રોજ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાશે.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “હું દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઇને ઘણો ખુશ છું. હું જિંદલ ગ્રુપ અને જેએસડબલ્યૂ ગ્રુપને વર્ષોથી ઓળખું છું. હું તેમની સાથે દિલ્હી કેપિટલ્સનો ભાગ બનીને ઘણો ખુશ છું. હું ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ સાથે કામ કરવાને લઇને ઉત્સાહી છું.” દિલ્હી કેપિટલ્સનાં ચેરમેન પાર્થ જિંદલે કહ્યું કે, “સૌરવ વિશ્વ ક્રિકેટનાં શાનદાર ખેલાડીઓમાંથી એક છે. ભારતીય ક્રિકેટમાં ઘણું બધુ સૌરવ ગાંગુલીનાં કારણે થયું છે. આ સમ્માનની વાત છે કે સૌરવે દિલ્હીને IPLમાં પોતાની ટીમ તરીકે પસંદ કરી છે. અમારી
ટીમને તેમના અનુભવ, માર્ગદર્શન અને સલાહથી ઘણો ફાયદો થશે. સૌરવ મારા માટે પરિવારની જેવા છે.”