Delhi High Court rejects Sonia and Rahul Gandhi's pleas opposing I-T notice
  • Home
  • Featured
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ચેરપર્સન સોનિયા ગાંધીને જોરદાર ઝાટકો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ચેરપર્સન સોનિયા ગાંધીને જોરદાર ઝાટકો

 | 9:44 pm IST

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને આવકવેરા વિભાગની નોટિસના મામલે દિલ્હી હાઇકોર્ટે રાહત આપવાની સાફ ના પાડી દેતાં બંને મા-દીકરાને મોટો ફટકો પડયો છે. ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટ્ટ અને ન્યાયાધીશ એ. કે. ચાવલાની ખંડપીઠે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડીઝની અપીલ ફગાવી દીધી હતી. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તાએ સામસામા વળતા પ્રહારો કર્યા હતા.

હાઇકોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડીઝ પાસે હવે બે જ રસ્તા બચ્યા છે. કાં તો હાઇકોર્ટના આદેશ પર આવકવેરા વિભાગની સામે હાજર થાય અને પોતાની દલીલો અને તથ્યો સામે રાખે અથવા તો બીજો રસ્તો છે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારે.

બીજી બાજુ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે હાઇકોર્ટના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આ મોદી સરકારના ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની જીત છે. તેમણે વધુ કહ્યું કે કોંગ્રેસ દ્વારા પોકારવામાં આવેલાં ભારત બંધનું સાચું કારણ આ જ હતું, કારણ કે તેઓ જાણતાં હતાં કે હાઇકોર્ટનો ફેંસલો તેમની વિરુદ્ધ આવવાનો છે.

ભારત બંધને નેશનલ હેરાલ્ડ કેસ સાથે સાંકળી લેવા પર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ વળતો ઘા કરતાં કહ્યું હતું કે બંધની સફળતાને કારણે મોદી સરકાર ગભરાઈ ગઈ છે અને આ માટે સરકાર બદલો લેવાની ભાવનાથી કામ કરી રહી છે. સૂરજેવાલાએ વધુ કહ્યું કે સરકારની પોકળ ધમકીઓથી નેશનલ હેરાલ્ડ છપાવાનું બંધ નહીં થાય.

અહીં નોંધવું ઘટે કે આ મામલો 2011-12નો છે, જ્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડીઝે પોતાનાં રિટર્ન્સ ફાઇલ કર્યાં હતાં પણ 2018માં આવકવેરા વિભાગ દ્વારા ફાઇલ કરવામાં આવેલાં એ રિટર્નને ફરીથી તપાસ કરવાની નોટિસ મોકલવામાં આવી હતી. આવકવેરા વિભાગે એવી દલીલ કરી હતી કે ત્રણેયે નેશનલ હેરાલ્ડને નવજીવન ટ્રસ્ટના હસ્તે ટેકઓવર કરવાની નોંધ પોતાનાં રિટર્નમાં નહોતી કરી.