Delhi Murder Case :Suraj who killed family was addicted to an online game
  • Home
  • Featured
  • પરિવાર સાથે ફોટો આલ્બમ જોયા બાદ અડધી રાત્રે ઉઠીને માતા-પિતા, બહેનને પતાવી દીધાં

પરિવાર સાથે ફોટો આલ્બમ જોયા બાદ અડધી રાત્રે ઉઠીને માતા-પિતા, બહેનને પતાવી દીધાં

 | 11:35 am IST

માતા-પિતા અને બહેનની કરપીણ હત્યાના ગુનામાં 19 વર્ષના સુરજની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ હત્યાકાંડ મામલે અનેક ઘટસ્ફોટ કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા યુવકને ઓનલાઇન ગેમ રમવાની લત લાગી હતી. યુવકે તેના મિત્રો સાથે દિલ્હીના મહરોલી વિસ્તારમાં એક ભાડાનો રૂમ પણ લીધો હતો. અહીં તે કોલેજમાંથી ક્લાસ અધુરા છોડીને મિત્રો સાથે સમય વિતાવતો.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે માતા-પિતા અને બહેનની હત્યા પહેલા સુરજનું વર્તન બિલકુલ સામાન્ય હતું. તેણે હત્યા પહેલા મોડી રાત સુધી પરિવાર સાથે ફોટો આલ્બમ પણ જોયું હતું. સુરજ ઉર્ફે સરનમ વર્માએ તેના પિતા મિથિલેશ, માતા સિયા અને બહેનની બુધવારે વહેલી સવારે હત્યા કરી નાખી હતી. બાદમાં તેણે પોલીસ સમક્ષ ઘરમાં ચોરી થઈ હોવાનું જુઠ્ઠુ ચિત્ર ઉપસાવવા ઘરમાં તોડફોડ કરી હતી. પરંતુ બુધવારે સાંજ પડતા જ પોલીસે સુરજને ઝડપી લીધો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, માતાપિતા અને બહેનની હત્યાનો સુરજને કોઈ જ પસ્તાવો નથી. તે સતત કાયદાથી બચાવવાનું જ રટણ કરી રહ્યો છે. હત્યા બાદ તેના પરિવારના લોકોએ ત્રણેયનાં અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, પરિવારના સભ્યોએ માતાપિતા અને બહેનની અંતિમવિધિ માટે સુરજને મુક્ત કરવાની મંજૂરી માંગી ન હતી. મિથિલેશના ભાઈ અને તેના ભત્રીજાએ અંતિમસંસ્કારની તમામ વિધિઓ પૂર્ણ કરી હતી.

તપાસમાં પોલીસ અધિકારીઓને એ પણ માલુમ પડ્યુ છે કે, સુરજે વોટ્સએપ પર તેના નવથી દસ મિત્રોનું એક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં તેઓ બહાર ફરવા જવાના તેમજ ક્લાસ બંક કરવા અંગે વાતચીત કરતા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “મિત્રો સુરજને પોતાનો આદર્શ માનતા હતા. સુરજે તેના મિત્રો સાથે મળીને મહરોલીમાં એક રૂમ ભાડા પર રાખ્યો હતો. જે દિવસે તેઓ સ્કૂલે જતાં ન હતા ત્યારે તેઓ અહીં સમય પસાર કરતા હતા. અહીં રહીને તેઓ ટીવી જોતા હતા અને હિંસક ઓનલાઇન ગેમ્સ રમતાં.”

મળતી માહિતી પ્રમાણે સુરજનાં તેની બહેન સાથેનાં સંબંધો સારા ન હતાં. તે એવું માનતો હતો કે તેના માતાપિતા તેના કરતા તેની બહેનને વધારે પ્રેમ કરે છે. જોકે, માતાપિતા અને બહેનની હત્યા પહેલા સુરજ ખૂબ શાંત હતો. તેણે મોડી રાત સુધી પરિવાર પરિવાર સાથે ફેમિલિ ફોટો આલ્બમ જોયું હતું. રાત્રે ત્રણ વાગ્યે તે ઉંઘમાંથી જાગ્યો હતો અને તેના પિતાને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. તેની માતા પણ આજ રૂમમાં ઉંઘી રહી હતી. સુરજે તેની માતાને પણ છરીનો એક ઘા ઝીંકી દીધી હતો.

જોકે આરોપીએ કબુલ્યું છે કે, તે માત્ર માતા-પિતાની જ હત્યા કરવા માંગતો હતો. પરંતુ બહેન નેહા તેની માતાને બચાવવા દોડી આવતા તેને ચપ્પા મારવા પડ્યાં હતાં. બહેનને ચપ્પાના ઘા માર્યા બાદ તે તડપતી હતી. તેને તડપતી જોઈ સૂરજે વધુ હુમલા કર્યા હતાં. અંતે બહેનનું મોત થતા તે ઘણો સમય સુધી તેના મૃતદેહ પાસે બેસીને રડતો રહ્યો હતો.

હત્યાકાંડને અંજામ આપ્યા બાદ તેણે ઘરમાં તોડફોડ કરી હતી અને છરી પરથી તેના નિશાન મીટાવી દીધા હતા. બાદમાં સુરજે ખુદ તેના પાડોશીને આ અંગેની જાણ કરી હતી.

પોલીસે એવો પણ ખુલાસો કર્યો છે કે, થોડા વર્ષો પહેલા સુરજે તેનું અપહરણ થયાની એક ખોટી સ્ટોરી ઘડી કાઢી હતી. પરંતુ હકીકતે તે પોતે જ ઘરેથી ભાગી ગયો હતો. જોકે, પૈસા પતી જતા આખરે તે ઘરે પાછો ફર્યો હતો.