ડેલ પોટ્રોને હરાવી જોકોવિચ US ઓપનમાં ત્રીજી વખત ચેમ્પિયન - Sandesh
  • Home
  • Newspaper
  • ડેલ પોટ્રોને હરાવી જોકોવિચ US ઓપનમાં ત્રીજી વખત ચેમ્પિયન

ડેલ પોટ્રોને હરાવી જોકોવિચ US ઓપનમાં ત્રીજી વખત ચેમ્પિયન

 | 12:33 am IST

। ન્યૂયોર્ક ।

સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે જુઆન માર્ટિન ડેલ પોટ્રોને પરાજય આપી ત્રીજી વખત યુએસ ઓપનનું ટાઇટલ જીતી લીધું છે અને તેણે પેટ સામ્પ્રાસના ૧૪ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આઠમી વખત યુએસ ઓપનની ફાઇનલમાં રમનાર જોકોવિચે પોટ્રો સામે ૬-૩, ૭-૬, ૬-૩થી વિજય મેળવ્યો હતો.જોકોવિચ આ પહેલાં ૨૦૧૧ અને ૨૦૧૫માં પણ અહીં ચેમ્પિયન બન્યો હતો અને ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે નડાલથી ત્રણ અને ફેડરરથી છ ટાઇટલ પાછળ છે.  રોજર ફેડરરે ૨૦ અને નડાલે ૧૭ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જોકોવિચ ગત વર્ષે કોણીની ઈજાને કારણે યુએસ ઓપનમાંથી ખસી ગયો હતો. જોકોવિચે આ પહેલાં જુલાઈમાં વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું. જોકોવિચની આ જીત બાદ છેલ્લા ૫૫માંથી ૫૦ ગ્રાન્ડ સ્લેમ બિગ ફોર એટલે કે, ફેડર, નડાલ, જોકોવિચ અથવા એન્ડી મરેએ જીત્યા છે.

ભારે વરસાદને કારણે આર્થર એશ સ્ટિડેયમની છત બંધ કરી દેવાઈ હતી. જોકોવિચે પ્રથમ સેટમાં ૫-૩ની લીડ મેળવી લીધી હતી. તે પછી ૨૨ શોટની રેલી બાદ પ્રથમ સેટ જીતી લીધો હતો. ડેલ પોટ્રોએ બીજા સેટમાં વાપસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ જોકોવિચે ટાઇબ્રેકરમાં આ સેટ જીતી લીધો હતો. ત્રીજા સેટમાં પોટ્રો ઘણો થાકી ચૂક્યો હતો અને જોકોવિચે ત્રીજો સેટ ૬-૩થી જીતી ટાઇટલ જીતી લીધું હતું.

સેરેનાને ૧૭ હજાર ડોલરનો દંડ

મહિલા સિંગલ્સની ફાઇનલ દરમિયાન અમ્પાયર સાથે થયેલા વિવાદ બાદ સેરેના વિલિયમ્સ પર ૧૭,૦૦૦ ડોલરનો દંડ ફટકારાયો છે. સેરેના પરકોચની મદદ લેવા માટે ૪,૦૦૦ ડોલર, જમીન પર રેકેટ મારવા બદલ ૩,૦૦૦ ડોલર અને અમ્પાયર સાથે અયોગ્ય વ્યવહાર કરવા માટે ૧૦,૦૦૦ ડોલરનો દંડ ફટકારાયો છે.

જોકોવિચ બીજા સ્થાને પહોંચ્યો

યુએસ ઓપનમાં ચેમ્પિયન બનતાં જોકોવિચ ચાર સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. રફેલ નડાલે ૭,૪૮૦ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે જોકોવિચના ૬,૪૪૫ પોઇન્ટ થઈ ગયા છે અને તેની પાસે વર્ષના અંતે નંબર વનનું સ્થાન મેળવવાની પણ તક છે. ફાઇનલમાં પરાજય મેળવનાર ડેલ પોટ્રોએ ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ ચોથા રાઉન્ડમાં પરાજય મેળવનાર રોજર ફેડરર બે સ્થાનના નુકાસાન સાથે ચોથા ક્રમે ધકેલાઈ ગયો છે.