જગતના તાત પર જગતનો નાથ નારાજ, ધરતીપુત્રો માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ

જગતના તાત પર જગતનો નાથ નારાજ થયો છે. જેને લઇ ધરતીપુત્રો માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામી છે. ઠાસરા તાલુકામાં સોયાબિનના ઉત્પાદનમાં મોખરે એવા ચંદાસર, લાભપુરા, અજુપુરા, હરિપુરા, મૂંગટપુરા, પોરડા, દેવનગર સહિતના ગામોમાં હજારો વિઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. દેવાના ડુંગર નીચે દબાયેલ ખેડૂત સરકાર પાસે મદદની માંગ લઈ ઉભો છે તો બીજી તરફ માંગ ન સંતોષાય તો આંદોલનના માર્ગે ચઢે તેવી વ્યથામાં લડી રહ્યો છે.
ચોમાસાની સીઝનની શરૂઆત થતા વરસાદ માટે પ્રાર્થના કરતો ખેડૂત મોડે મોડે પણ મેઘ મહેર થતા રાજી થયો હતો અને હોંશે હોંશે રોપણી વાવણીના કામમાં લાગ્યો હતો. પરંતુ જાણે જગતનો નાથના અતિવૃષ્ટિના કહેરે ખેડૂત બેહાલ થયો છે. મહેનતુ ખેડૂતનો રાજીપો ક્ષણિક નીવડ્યો અને ધરતીપુત્ર માટે વરસાદના રૂપે આકાશમાંથી આફત વરસી. અતિવૃષ્ટિ થતા મહામહેનતે તૈયાર થવા આવેલો મહામૂલો પાક નિષ્ફ્ળ થયો અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.
સોયાબીન પકવતા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર, લાભપુરા, અજુપુરા, હરિપુરા, મૂંગટપુરા, પોરડા, દેવનગર સહિતના ગામોના ખેડૂતો 5000થી વધુ વિઘામાં દોઢ લાખથી વધુ મણનું ઉત્પાદન થતું હતું. જેનાથી ખેડૂત ખુશહાલ જીવન જીવી શકતો હતો.
આ વિસ્તારમાં ખેડૂતોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 10 વીંઘામાંથી 250 થી 300 મણ સોયાબીન પકવતા ખેડૂતોને હાલ ભારે વરસાદને પગલે 10 વીંઘામાંથી માત્ર બિયારણ જેટલું એટલે કે ફક્ત 10 મણ ઉત્પાદન મળ્યું છે. જેને લઇ ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે. વળી 10 વિઘે 50,000 થી વધુનો ખર્ચો બિયારણ અને દવાઓમાં થતો હોય છે. જેને લઈ ચાલુ ચોમાસુ સીઝનમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જોકે કેટલાક ખેડૂતોએ કુદરત સામે લડવાનો નીર્ધાર કરી નુકશાની વેઠી ખેતર સાફસુફ કરી નવા પાકના વાવેતરની પણ તૈયારી કરી દીધી છે.
વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા અતિવૃષ્ટિથી થયેલા નુકશાન માટે સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
આ વીડિયો પણ જુઓ : ગુજરાતના સમુદ્ર કિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન